લુણાવાડા- મહીસાગર જિલ્લા પોલીસ સતત જનતાના હિતમાં કાર્યો કરતી રહે છે, ત્યારે કોરોના વાયરસના ભયથી જાગૃતિ લાવવા અને અગમચેતીના ભાગ રૂપે જિલ્લાવાસીઓમાં રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે આર્યુવેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પતંજલિ યોગ સમિતિ અને નિયામક આયુષની કચેરી દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસે વિશ્વના મોટાભાગના દેશોમાં પગપેસારો કર્યો છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે કોરોના વાયરસ ગુજરાતમાં ન ફેલાય તે માટે સરકાર અને વિવિધ સંસ્થાઓ સતર્ક છે.
મહીસાગર જિલ્લાના વડા મથક લુણાવાડામાં શહેર અને જિલ્લામાંથી આવતા જિલ્લાવાસીઓમાં કોરોના વાયરસથી બચાવવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે લુણાવાડા હાઈવે પોલીસ ચોકી પાસે મહીસાગર જિલ્લા પોલીસ, તથાતા ફાઉન્ડેશન, પતંજલિ યોગ સમિતિ અને નિયામક આયુષની કચેરી ગાંધીનગર દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત શહેરીજનોને મહીસાગર જિલ્લા પોલીસ વડા ઉષા રાડાના હસ્તે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત રસ્તેથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓને પણ જિલ્લા પોલીસ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું હતું.