બાલાસિનોરમાં સરકારી કચેરીઓમાં અને કર્મચારીઓ પર કોરોનાની અસર વર્તાઈ - મહીસાગરના સમાચાર
મહિસાગર જિલ્લામાં દરરોજ કોરોના નવા કેસ સામે આવતા આંકડાની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. બાલાસિનોરમાં દિન-પ્રતિદિન કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી સરકારી કચેરીઓના કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થતા સરકારી કચેરીઓના કામકાજમાં પણ અસર જણાઈ છે અને પ્રજાજનોને પણ મુશ્કેલી પડી રહી છે.
મહીસાગર : જિલ્લાના બાલાસિનોરમાં થોડા સમય અગાઉ બેંક ઓફ બરોડા, મામલતદાર અને પ્રાંત કચેરીના કર્મચારીઓ અને નગરપાલિકાના ચીફ ઓફીસર પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેથી તે સમય દરમિયાન ઓફિસનો કામકાજ બંધ રાખવામાં આવ્યો હતો.માહીતી મુજબ, બેંક ઓફ બરોડાની સલીયાવડી દરવાજા શાખાના એક કર્મચારી કોરોનાની ઝપેટમાં આવતા શાખાને તાત્કાલિક સેનેટાઈઝ કરવામાં આવી હતી અને BOB સલીયાવડી દરવાજાની શાખાના કર્મચારીઓના મેડિકલ ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ બે દિવસ માટે BOB નું કામકાજ બંધ રાખવામાં આવ્યું છે.
આરોગ્ય વિભાગ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં ટેસ્ટિંગ અને સર્વેની કામગીરી ચાલુ હોવા છતાં કેટલાક નગરજનો માસ્ક નહીં પહેરવાની બેદરકારી, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ, રીક્ષાઓ અને છકડામાં મર્યાદા કરતા વધારે સંખ્યામાં મુસાફરો બેસાડવા, તેમજ જાહેરમાં થુંકવાની બેદરકારી અને સરકારની ગાઈડ લાઈનનું પાલન નહીં કરાતા જોવા મળે છે.જેથી કોરોના દર્દીઓની સંખ્યા વધતી રહી છે.