મહીસાગરના બાલાસિનોરમાં ગત 1 અઠવાડિયાથી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. મંગળવારે બાલાસિનોરમાં કોરોનાના 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી જિલ્લામાં ફફડાટ વ્યાપ્યો છે.
મળતી માહિતી અનુસાર બાલાસિનોર નગરમાં મંગળવારે કોરોનાના વધુ 7 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે તાલુકામાં પણ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. મંગળવારના નવા નોંધાયેલા 9 કેસના કારણે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 199 થઇ છે.
મહીસાગરમાં કોરોના બન્યો બેકાબૂ, બાલાસિનોરમાં એક જ દિવસમાં 9 પોઝિટિવ કેસ નોંધાયા બાલાસિનોરની મહાલક્ષ્મી સોસાયટી, દ્વારકેશ સોસાયટી, દેવશેરી, કાછીયાવાડ વિસ્તારમાં મળી કુલ 7 કેસ અને બાલાસિનોર તાલુકાના દેવમાં 2 કેસ મળી આવતાં આરોગ્યતંત્ર અને નગરપાલિકા હરકતમાં આવી છે.
નગરના જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે, તે વિસ્તારોને સેનિટાઈઝ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કન્ટેન્ટમેન્ટની કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે જ આ વિસ્તારમાં ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.
આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.સ્વપ્નીલ શાહે જણાવ્યું હતું કે, કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ઉકાળાનું વિતરણ ઉપરાંત કન્ટેન્મેન્ટ ઝોનમાં મેડિકલ તપાસ માટે OPDની વ્યવસ્થા કરવામાં આવશે.