મહીસાગરઃ કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી વચ્ચે પણ મહીસાગર જિલ્લાની એનેમિક સગર્ભા મહિલાઓને તેમજ થેલેસેમિયાના દર્દીઓ સાથે કોરોનાના દર્દીઓને નિ:શુલ્ક ધોરણે અવિરતપણે રક્ત મળી રહે અને રક્તના અભાવે નિરોગી થવામાં અવરોધ ઉભો ન થાય તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લામાં અવાર-નવાર રકતદાન શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
મહીસાગર જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્યની રાહબરીમાં સંઘરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્ર સલિયાબીડ ખાતે આરોગ્ય કેન્દ્રની ટીમ અને રેડ ક્રોસ સોસાયટીની ટીમ દ્વારા સોમવારના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રકતદાન કેમ્પમાં 90 રકતદાતાઓએ રક્તદાન કરીને કોરોના સામેની લડતમાં પોતાનું યોગદાન આપ્યું છે.
આ રક્તદાન કેમ્પનું ખૂબજ કાળજીપૂર્વક અમલીકરણ કરવામાં આવ્યું હતું. જેથી કોઈ પણ રક્તદાતાને કોરોના વાઇરસનો ચેપ ન લાગે તે માટે દરેક ડોનરને નવી બેડશીટ પાથરીને જ રક્તદાન કરાવવામાં આવ્યું હતું. આ રકતદાન કેમ્પમાં રકતદાન કરનારા દરેક રકતદાતાને રેડ ક્રોસ સોસાયટી પંચમહાલ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ રક્તદાન કેમ્પમાં 90 યુનિટ બ્લડ કલેક્શન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, મહીસાગર જિલ્લામાં કોરોનાની આ વૈશ્વિક મહામારી તથા લોકડાઉન અને અનલોક દરમિયાન પણ જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા રકતદાન પ્રવૃત્તિ અવિરતપણે ચાલી રહી છે. જેના ભાગરૂપે મે-2020થી આજદિન સુધીમાં જિલ્લામાં 22 રકતદાન કેમ્પોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 22 રકતદાન કેમ્પોમાં 1051 રકતદાતાઓએ રકતદાન કરી રકતદાન મહાદાનના મંત્રને સાર્થક કર્યો છે.