- ભવાઇ અને રાવણ હથ્થાના જાણીતા કલાકાર છે વિજાનંદ તુરી
- કોરોના કપરા સમયમાં કોરોના સામે જાગૃતિ ફેલાવે છે વિજાનંદ તુરી
- ગ્રામ્યજનો કોરોનાથી સુરક્ષિત રહે તે માટે આરોગ્ય વિષયક સંદેશો પહોંચાડવાની કામગીરી વિજાનંદ તુરીએ કરી
મહીસાગર : કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે લોકડાઉન સહિત અનેક પ્રકારની પાબંધીઓ લગાવવામાં આવી હતી. જેના કારણે નાના વેપારીઓથી માંડી ઉદ્યોગ જગતને પણ તેનાથી નુકસાન સહન કરવું પડ્યું હતું. આવી કોરોના વૈશ્વિક મહામારીમાં જ્યારે ભારતીય સંસ્કૃતિમાં પ્રચાર-પ્રસાર માટે અગાઉ ગામઠી અને લોકભોગ્ય બોલીમાં નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓની જાણકારી મળી રહે તે માટે ભવાઇ, ભજન-કિર્તન, લોકડાયરા, કઠપૂતળી જેવા પરંપરાગત માધ્યમનો ઉપયોગ કરીને પ્રચાર-પ્રસાર કરવામાં આવતો હતો. આજે પણ આ કલાનો વારસો જળવાઇ રહેલો છે.
ભવાઇ, લોક ડાયરો અને રાવણ હથ્થાના જાણીતા કલાકાર છે વિજાનંદ તુરી
કોરોના મહામારી સામે સાવચેત રહેવા માટે જાગૃતિ ફેલાવાના હેતુસર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના જૂના ભલાડા ગામના વિજાનંદ તુરી કે જેમને પરંપરાગત માધ્યમ અને ખાસ કરીને ભવાઇ, લોક ડાયરો અને રાવણ હથ્થાના જાણીતા કલાકાર છે. તેમને લુણાવાડા અને ખાનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના નગરજનોમાં જાગૃતિ આવે તે માટે વિજાનંદ તુરીએ ગામઠી અને લોકભોગ્ય બોલીમાં ગ્રામજનોને સમજાય તેવી ભાષામાં કોરોના વાઇરસની ગંભીરતા સમજાવવાની સાથે સાથે રાજય સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓ અને માર્ગદર્શિકો સમજાવવાની અને તેનાથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય, ઘરની બહાર નીકળો તો માસ્ક પહેરીને જ નીકળો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો, વારંવાર સાબુ/સેનિટાઇઝરનો ઉપયોગ કરીને હાથ સાફ રાખો તેમજ કોરોનાની વેક્સિન મૂકાવીને પોતાની જાતને સુરક્ષિત રાખો વગેરે બાબતોની સમજણ આપી ગ્રામ્યજનો સુરક્ષિત રહે તે માટે આરોગ્ય વિષયક સંદેશો પહોંચાડવાની કામગીરી કરી હતી.