મહીસાગરઃ કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી વચ્ચે જિલ્લાના કોઈપણ બીમાર દર્દી તેમજ થેલેસીમિયાના દર્દીઓને લોહીના અભાવે નિરોગી થવામાં અવરોધ ઉભો ન થાય તે માટે સરસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગોધરા પંચમહાલના સહયોગથી સરસણ ગામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહીસાગરમાં કોરોના સંદર્ભની તકેદારી સાથે સરસણ ગામે રક્તદાન કેમ્પમાં 87 યુનિટ બલ્ડનું કલેકશન થયું જિલ્લા કલેકટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી એસ.બી.શાહની રાહબરીમાં સરસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉ.શૈલી પટેલ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગોધરાના ડૉ.ચૌહાણ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.મંજુ મીના તથા આરોગ્ય ટીમ દ્વારા યોજવામાં આવેલા આ રક્તદાન કેમ્પમાં 87 રક્ત દાતાઓએ પોતાના લોહીનું દાન કરીને કોરોનાની લડતમાં અનેરું યોગદાન આપી સમાજ પ્રત્યે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું.
આ રક્તદાન કેમ્પમાં કોરોના વાઇરસનું સંક્રમણન ફેલાવાને અટકાવવા માટે સરકારના વખતો વખતના દિશાનિર્દેશોનું પાલન અને ફરજિયાત માસ્કનો ઉપયોગ તેમજ સામાજિક અંતર જાળવવાનું સંપૂર્ણપણે પાલન કરવામાંઆવ્યું હતું. આ રક્તદાનનું ખૂબ જ કાળજીપૂર્વક અમલીકરણ કરવામાં આવ્યું હતું. કોઈપણ રક્તદાતાને ચેપ ન લાગે તે માટે દરેક ડોનરને નવી બેડશીટ પાથરીને જ રક્તદાન કરાવવામાં આવ્યું હતું.
આ રક્તદાન શિબિરમાં રક્તદાતાઓ જ્યારે કેમ્પના સ્થળે આવ્યા ત્યારે તેમને થર્મલ ગનથી તેમના શરીરનું તાપમાન માપવામાં આવ્યું હતું. તેમજ તેમના હાથ સાફ કરાવવા માટે હેન્ડવોશ અને સેનેટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે સિનિયર મેડિકલ ઓફિસર ડૉ. બિરેન્દ્રસિંહે રક્તદાન કેમ્પમાં કોરોનાને ધ્યાને લઇ સાવચેતીના તમામ પગલાઓ સુનિશ્ચિત કરવાની સાથે રક્તદાતાઓની બેડશીટ બદલવાની અને તમામ સામગ્રી જંતુ રહિત રહે તેવુ સુચારૂ આયોજન કર્યું હતું.
રક્તદાનએ શ્રેષ્ઠ અમૂલ્ય મહાદાન છે. જે કોરોનાના દર્દી અને થેલેસેમિયાના દર્દીઓને પણ જરૂર પડે તો આ સંગ્રહ કરેલા રક્તનો પ્રવાહ પહોંચાડી શકાય. તે માટે આ મહામારીના સમય વચ્ચે રક્તદાન કેમ્પ જન ઉપયોગી બની રહ્યો હતો.