મહિસાગરઃ જિલ્લામાં કોરોના મહાસંકટ યથાવત રહેતા ભયનો માહોલ સર્જાયો છે. મંગળવારે જિલ્લાના જુદા જુદા વિસ્તારો માંથી એક સાથે કોરોના (covid-19)ના 15 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના વિસ્ફોટના પગલે જિલ્લામાં ફફડાટ વ્યાપ્યો છે. મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યાનો આંકડો 68 પર પહોંચી ગયો છે.
મહીસાગરમાં કોરોના વિસ્ફોટ, એકજ દિવસમાં 15 કેસ નોંધાયા મહીસાગરમાં લોકડાઉનના બીજા ચરણના અંતિમ ભાગમાં મોટી સંખ્યામાં કોરોના કેસ નોંધાયા હતા, પરંતુ ત્યારબાદ તંત્ર દ્વારા કોરોના ટેસ્ટની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો કરી દેવાતા તેનું સંક્રમણ વધતું ગયું અને હવે લોકડાઉનના ચોથા ચરણની શરુઆતના સમયે એક સાથે 15 કેસ બહાર આવ્યા છે.
રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત જેવા મોટા શહેરોમાંથી લોકો મોટી સંખ્યામાં વતનમાં પાછા આવ્યા હતા. જેના કારણે આ સંક્રમણ વધવાનું ગણાઈ રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાનું ટેસ્ટીંગની સંખ્યા ઓછી રાખવાના કારણે દિનપ્રતિદિન કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જ્યારે અવરજવર પર પ્રતિબંધ હતો, ત્યારે મોટી સંખ્યામાં જિલ્લા બહાર અવરજવર થઈ હવે સરકાર દ્વારા જિલ્લા ફેરની છુટછાટ આપવામાં આવી છે, ત્યારે જિલ્લામાં કોરોના સંક્રમણનો આંકડો વધી શકે છે.
જિલ્લામાં મંગળવારે એક સાથે 15 કેસમાંના બાલાસિનોર-7, ખાનપુરમાં-4, સંતરામપુરમાં-2, અને કડાણામાં-2 એમ કુલ મળીને 15 કેસો નોધાયા છે. મહીસાગરમાં 56 દિવસના વિરામ બાદ મંગળવારે ધંધા-રોજગાર, દુકાનો અને શોપિંગ મારકેટ શરુ કરવા જાહેરાત કરવામાં આવી હતી પરંતુ તેની સાથે સાથે કોરોના કેસનો આંકડો પણ વધેલો છે. જે તંત્ર માટે ચિંતાનો વિષય બન્યું છે.