- મહિલાઓની સુરક્ષા માટે રચાઈ હતી વીરાંગના સ્કોર્ડ ટીમ
- 8 મહિલા પોલીસ કર્મચારીઓ બાઈક પર કરે છે રાઉન્ડ ધી કલોક પેટ્રોલિંગ
- હવેથી આ સ્પેશિયલ ટીમ "સી ટીમ" તરીકે ઓળખાશે
કચ્છ- પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા એપ્રિલ મહિનામાં ભુજ શહેરમાં મહિલા પોલીસ કર્મચારીઓની વીરાંગના સ્કોર્ડની રચના કરવામાં આવી હતી. આ સ્કોર્ડમાં 8 મહિલા પોલીસ કર્મચારીઓને ડ્યૂટી સોંપાઈ છે. તેઓ દ્વારા ભુજ સીટી તેમજ માધાપર અને મિરજાપર વિસ્તારમાં રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલીંગ કરવામાં આવે છે. આ માટે બે બુલેટ અને અન્ય બે બાઇક મળી 4 ટુ વ્હીલરની ફાળવણી કરાઈ છે.
ટીમ દ્વારા સિનિયર સિટીઝનની મુશ્કેલી જાણી મદદ કરાઇ છે
આ વીરાંગના સ્કોર્ડનું મેઈન કામ મહિલાઓની સુરક્ષાનું છે. બાગ-બગીચા, વોક વે, જાહેર સ્થળો, બજાર વિસ્તારો તેમજ જે સ્થળોએ મહિલાઓની અવરજવર વધુ છે ત્યાં પેટ્રોલિંગ કરવામાં આવે છે. ઉપરાંત સિનિયર સિટીઝન જોડે વાર્તાલાપ કરી તેમની મૂશ્કેલી જાણી મદદ કરવામાં આવે છે. આ ટીમ દ્વારા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ગુનેગારોને સાચો રસ્તો બતાવવામાં આવી રહ્યો છે તથા જરૂરિયાતમંદોને મદદ પણ કરવામાં આવે છે.
પ્રોહિબિશન તથા અન્ય મુદ્દામાલ પણ કબ્જે કરાયો
આ ઉપરાંત વીરાંગનાઓ દ્વારા પ્રજાને દરેક રીતે મદદ કરવામાં આવી રહી છે. સાથે-સાથે લોકોમાં કોવિડને લઈને જાગૃતતા પણ લાવવામાં આવે છે. વીરાંગનાઓનો સ્વભાવ સંવેદનશીલ હોવાથી લોકો તેમને પોતાની મુશ્કેલીઓ જણાવતા ખચકાતા નથી અને વીરાંગનાઓ તેમને મદદ કરીને તેમની મુશ્કેલી દૂર કરી રહી છે. આ સ્કોર્ડ દ્વારા ટૂંક સમયમાં જ ખૂબ સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે. ઉપરાંત આ વીરાંગના સ્કોર્ડ દ્વારા પ્રોહિબિશનનો તથા અન્ય મુદ્દામાલ પણ કબ્જે કરી ગુનેગારોને સજા કરવામાં આવે છે.
અનેક ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરાઇ છે
આ વીરાંગના સ્કોર્ડ દ્વારા ભુજમાં માસ્ક ડ્રાઇવ દરમિયાન વાહન ચેક કરતા 25 હજારથી વધુની કિંમતનો દારૂ ઝડપાયો હતો. વર્ષોથી હમીરસર કિનારે એકલા રહેતા વૃદ્ધ મહિલાનો પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો. ખેંગાર બાગમાં દારૂ પીને પડ્યા રહેતા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા, હિલગાર્ડન પાસે શંકાસ્પદ વ્યક્તિને અટકાવી છરી કબ્જે કરવામાં આવી હતી. આ સહિતના કામો કરી ક્રાઈમ રેશિયો ઘટાડવામાં પણ આ ટીમ મદદરૂપ રહી છે.
ડીજીના પરિપત્ર અનુસાર એકસૂત્રતા જાળવવા હવે આ ટીમ સી ટીમ બનશે
હાલમાં આ વીરાંગના સ્કોર્ડમાં ફેરફાર થયો છે. ડીજી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે. જેમાં અલગ-અલગ જિલ્લાઓમાં વીરાંગના સ્કોર્ડ જેવી ટીમો કાર્યરત છે, જેમકે અમદાવાદ, વડોદરા, સુરતમાં સી ટીમ કરીને ટીમ છે. કોઈક જિલ્લામાં દુર્ગા શક્તિ નામની ટીમ છે, ત્યારે કચ્છ જિલ્લામાં આવી ટીમનું નામ વીરાંગના સ્કોર્ડ આપવામાં આવ્યું હતું, પરંતુ હવે રાજ્ય સ્તરે એકસૂત્રતા લાવવા માટે ગુજરાત ડીજી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે. જેમાં દરેક પોલીસ સ્ટેશનમાં એક સી ટીમ બનાવવાનો હુકમ કરવામાં આવ્યો છે, તો કચ્છમાં પણ દરેક પોલીસ સ્ટેશનમાં સી ટીમ બનાવવામાં આવી છે.