- જિલ્લામાં ત્રણ દિવસ વેક્સિનેશન મેગા ડ્રાઈવનું આયોજન
- ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રોજેરોજ કુલ 400 જગ્યાએ કોવિડ રસીકરણના સેશનનું આયોજન
- શાળાઓમાં પણ રસીકરણ કેમ્પ યોજવા તંત્ર તૈયાર: મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી
કચ્છ: કોવિડ રસીકરણ કરવાથી કોઈ પણ પ્રકારની ગંભીર આડઅસર થતી નથી. આ રસી લેવાથી કોવિડ સામે લડવાની રોગપ્રતિકારક શકિતમાં વધારો કરે છે. આ રોગપ્રતિકારક શકિ્ત પોતાને તેમજ સમાજને ગંભીર પ્રકારના રોગ કોરોના સામે રક્ષણ આપે છે. અત્યાર સુધીમાં કચ્છ જિલ્લમાં 9,28,338 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
કચ્છ જિલ્લામાં ત્રણ દિવસ માટે વેક્સિનેશન મેગા ડ્રાઈવનું આયોજન કરાયું આ પણ વાંચો:સંપૂર્ણ રસીકરણ પછી પણ 'Breakthrough' સંક્રમણ શક્ય છે
સૌ આગેવાનોને ઉત્સાહભેર ભાગ લેવા માટે જિલ્લા વહિવટીતંત્ર તરફથી અપીલ કરાઇ
આગામી 26, 27 અને 28 તારીખે સમગ્ર કચ્છ જિલ્લામાં કોવિશીલ્ડ અને કોવેક્સિન રસીકરણ મેગા ડ્રાઈવ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમનો પ્રથમ ડોઝ લેવાનો બાકી હોય અને જે વ્યકિતએ કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલો હોય અને 28 દિવસ પુર્ણ થયેલા હોય તેમજ કોવીશીલ્ડનો પ્રથમ ડોઝ લીધેલ હોય અને 84 દિવસ પુર્ણ થયેલા હોય તેવા લાભાર્થીઓના બીજા ડોઝ માટે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રોજેરોજ કુલ 400 જગ્યાએ કોવિડ રસીકરણના સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક સેશન સાઈટ પર 3 દિવસમાં ઓછામાં ઓછા 100 લાભાર્થીને રક્ષિત કરી શકાય છે. તો આ મહાઅભિયાનમાં દરેક વેપારીઓ, દુકાનદારો, લારી ગલ્લાઓના માલિકો તથા કામ કરતાં લોકો, શાળા, કોલેજ, કોચિંગ કલાસીસનાં શિક્ષકો તેમજ ધંધા રોજગાર અર્થે જતા તમામ લોકો સહિત સૌ નાગરિકો, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, સૌ આગેવાનોને ઉત્સાહભેર ભાગ લેવા માટે જિલ્લા વહિવટીતંત્ર તરફથી અપીલ કરાઇ છે.
આ પણ વાંચો: સગર્ભા મહિલાઓમાં કોવિડ રસીકરણ માટે જાગૃતિનો અભાવ
મીનીમમ 50 ડોઝ માટે કોઈ સંસ્થા રસીકરણનું આયોજન કરવા માંગતી હોય તો તંત્ર સજ્જ
જો કોઈ પણ સંસ્થા પોતાના વિસ્તારમાં મીનીમમ 50 ડોઝ કોવિશીલ્ડ/કોવેક્સિન રસીકરણનું આયોજન કરવા માંગતા હોય તો તેમણે સંબંધિત તાલુકાના તાલુકા આરોગ્ય અધિકારી અબડાસા ડો. એમ.કે.સિન્હા, અંજાર ડો. આર.એ.અંજારીયા, ભચાઉ ડો.નારાયણ સિંઘ, ભુજ ડો. ડી.કે.ગાલા, ગાંધીધામ ડો.ડી.એસ.સતરીયા, લખપત ડો.રોહીત ભીલ, માંડવી ડો.કે.પી.પાસવાન, મુન્દ્રા ડો.ક્રિષ્ણા ઢોલરીયા, નખત્રાણા ડો.એ.કે.પ્રસાદ અને રાપર ડો.પોલ હેમ્બ્રોમનો સંપર્ક કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.ઓ.માઢક દ્વારા જણાવવામાં આવ્યું હતું.
કચ્છ જિલ્લામાં 9,28,338 લોકોને રસી આપવામાં આવી
કચ્છ જિલ્લામાં અબડાસા તાલુકામાં 41164, અંજાર તાલુકામાં 120623, ભચાઉ તાલુકામાં 67086, ભુજ તાલુકામાં 199878, ગાંધીધામ તાલુકામાં 176993, લખપત તાલુકામાં 22385, માંડવી તાલુકામાં 96664, મુન્દ્રા તાલુકામાં 86339, નખત્રાણા તાલુકામાં 60,202 અને રાપર તાલુકામાં 57004 લોકોને કોવિશીલ્ડ અને કોવેક્સિનનું રસીકરણ કરવામાં આવ્યું છે.
તંત્રની શાળામાં પણ રસીકરણ કેમ્પ યોજવા તમામ તૈયારીઓ છે
રસીકરણ અંગે વાતચીત કરતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.ઓ.માઢકે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં રસીકરણની પ્રક્રિયાને વેગ આપવા માટે ત્રણ દિવસ માટે વેક્સીનેસન મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારની સુચના પ્રમાણે શિક્ષકો અને તેમના પરિવારજનોને અગ્રતા આપવામાં આવશે. ઉપરાંત કોઈ સંસ્થા દ્વારા રજૂઆત કરવામાં આવશે અને 50 જેટલા ડોઝ જેટલા લોકો થતાં હશે તો તંત્ર દ્વારા આયોજન કરી આપવામાં આવશે. જિલ્લામાં 1.50 લાખ જેટલું રસીકરણ ખાનગી હોસ્પિટલો દ્વારા પણ કરવામાં આવ્યું છે. અત્યારે બોરેવલી અને દિનારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓછું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સ્થળો પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને લોકોનું સંપર્ક કરવામાં આવશે તથા શાળાએ જતા વિદ્યાર્થીઓના વાલીઓને ઉત્સાહપૂર્વક રસીકરણમાં ભાગ લઈને રસી લે. જેથી વિદ્યાર્થીઓને કોઈ ખતરો ના રહે અને સૌ વાલીઓ આગળ આવીને રસી લે તો તંત્રની શાળામાં પણ રસીકરણ કેમ્પ યોજવા તમામ તૈયારીઓ છે.