- આર.એસ.એસ મહિલા કાર્યકરોએ મૃતદેહોની અંતિમવિધિ કરી
- જ્યાં પરિવાર નથી પહોંચતો ત્યાં સંઘ પહોંચ્યો હોવાની અનૂભૂતિ
- તંત્રના સૂચનથી માત્ર બે જ કલાકમાં સમગ્ર વ્યવસ્થા ગોઠવાઈ
કચ્છ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા રામજીભાઇ વેલાણીએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, અચાનક ભુજ તાલુકા વિકાસ અધિકારીનો ફોન આવ્યો હતો કે, ભુજની હોસ્પિટલોમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનું સુખપરના સ્મશાનમાં તાત્કાલિક અગ્નિસંસ્કાર કરવાનું કામ ચાલુ કરવું પડશે. ત્યારે રામજીભાઇ વેલાણીએ અન્ય સ્વયંસેવકો સાથે સંકલન કરીને તરત જ કામગીરી શરૂ કરી હતી.
કચ્છનું એક એવું સ્મશાન, જ્યાં મહિલાઓ કોરોનાગ્રસ્ત દર્દીઓની અંતિમવિધીમાં મદદ કરે છે કાર્યકર્તાની પુત્રી PPE કીટ પહેરીને તમામ કામગીરી કરતી નજરે પડી
રામજીભાઈ વેલાણીના બે સંતાનો પણ તેમની સાથે આ કાર્યમાં જોડાયા હતા. સ્મશાન પહોંચતાની સાથે જ તેમની દિકરીએ ઝાડું લઇને સફાઇ ચાલુ કરી, ત્યાં જ રસ્તો ગજવતી એમ્બ્યુલન્સ મૃતદેહ સાથે આવી પહોંચી હતી. રામજીભાઈ મૃતદેહના અગ્નિસંસ્કારની તૈયારી માટે કીટ પહેરવા લાગ્યા એટલે હીનાએ પણ કીટ પહેરી લીધી હતી અને કોઇપણ ખચકાટ વગર મૃતદેહ ઉપર લાકડાં ગોઠવવા સહિતની કામગીરી શરૂ કરી દીધી અને એ રીતે મૃતદેહના સંપૂર્ણ અગ્નિસંસ્કાર થયા ત્યાં સુધી હાજરી આપી હતી.
વેદોક્ત રીતે મહિલાઓ દ્વારા કરાય છે અંતિમવિધિ
આજે કેટલીય જગ્યાએ હિંદુ ધર્મમાં મહિલાઓ સ્મશાનમાં જતી નથી. ત્યારે હિના જેવી દિકરીઓ પ્રેરણારૂપ બની રહી છે. રાષ્ટ્રીય સેવિકા સમિતિના કાર્યકર્તા હિના રામજીભાઇ વેલાણીએ તેના પિતા રામજીભાઇને આ કાર્યમાં જોડાવાની ઇચ્છા દર્શાવી હતી. પિતા રામજીભાઇએ 'હા' પાડ્યા બાદ હિનાએ 2 કોરોના મૃતકોની અંતિમવિધી કરી હતી. હિન્દુ શાસ્ત્રોના શ્લોકો અને મૃતાત્માના મોક્ષાર્થે થતી અંતિમ સંસ્કારની વિધિ કરાવીને મૃતકોના પરિવાજનોને સંતોષ થાય તેમ વિદાયવિધિમાં ભાગ લઈને સરાહનીય કામ કર્યું હતું. મીડિયા સાથે વાતચીત કરતા રાષ્ટ્રીય સેવિકા સમિતિના કાંતાબેન નાથાણીએ જણાવ્યું હતું કે, સમયાંતરે જે પરિસ્થિતિઓમાં સેવા કાર્યોની જરૂરિયાત પડતી હોય છે. તે પ્રમાણે સ્વયંભૂ રીતે સેવિકાઓ પોતાનું કાર્ય કરતી હોય છે. આ પહેલા પણ લોકડાઉન દરમિયાન સેવિકાઓ દ્વારા કીટ વિતરણ અને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. અહીં બહેનો દ્વારા વેદોક્ત રીતે અંતિમ સંસ્કારની વિધિ કરાવવામાં આવી રહી છે.