- નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા બન્ની વિસ્તારમાંથી દબાણ દૂર કરવાનો આદેશ
- 18,000 હેક્ટર જમીન પરથી દબાણ દૂર કરવામાં આવશે
- કચ્છના મુખ્ય વનરક્ષક અને વહીવટી તંત્ર દ્વારા એક સમિતિની રચના કરાશે
- નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા 6 માસમાં બન્ની વિસ્તારમાં થયેલા દબાણો દૂર કરવાની આપી સૂચના
કચ્છ : એશિયાના સૌથી મોટા ઘાસિયા મેદાન તરીકે ખ્યાતિ મેળવનારા બન્ની વિસ્તાર( Banni Grasslands Reserve )માં પાછલા કેટલાક સમયથી ખેતીના નામે ચરિયાણ જમીનો પર વાડા બાંધી કબ્જો કરી લેવાયો છે. જેથી બન્ની વિસ્તારના લાખો પશુધનને ચરિયાણ માટે મહામુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. માલધારી સંગઠન દ્વારા બન્ની વિસ્તારમાં થયેલા દબાણો બાબતે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (National Green Tribunal)માં અરજી કરવામાં આવી હતી, જેનો ચુકાદો માલધારીઓના હિતમાં આવ્યો છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા 6 માસમાં બન્ની વિસ્તાર( Banni Grasslands Reserve )માં થયેલા દબાણો દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. આ અન્વયે કચ્છ જિલ્લા પ્રશાસન આ આદેશની અમલવારી માટે એક્શનમાં આવ્યું છે.
ચરિયાણની જમીનો પર મોટા માથાઓ દ્વારા ખેતીના દબાણો કરી દેવાયા
બન્ની વિસ્તાર ( Banni Grasslands Reserve )માં માલધારી સમુદાય વર્ષોથી પશુ ઉછેરનો વ્યવસાય કરે છે. માલધારીઓ 2006માં આદિવાસી અને અન્ય પરંપરાગત વન નિવાસી વન અધિકાર કાયદા હેઠળ ચરિયાણનો હક્ક ધરાવે છે, પરંતુ બન્ની વિસ્તારમાં આવેલી ચરિયાણની જમીનો પર મોટા માથાઓ દ્વારા ખેતીના દબાણો કરી દેવાયા હતા. જેથી પશુઓને ચરિયાણ માટે હાડમારી વેઠવાનો વારો આવતા અનેક માલધારીઓએ હિજરત કરવાની ફરજ પડી હતી.
આ પણ વાંચો -કચ્છનાં છેવાડાના બન્ની વિસ્તારમાં લોકો પાણીની સમસ્યાથી પરેશાન
પશુઓ ખેતરમાં ન આવે તે માટે ચરિયાણ જમીનમાં ખેતી કરી આસપાસ ઉંડા ખાડા કરી દેવાયા
મોટા માથાઓ દ્વારા બન્ની વિસ્તાર( Banni Grasslands Reserve )માં જે દબાણો કરાયા હતા, જેમાં ચરિયાણ જમીનમાં ખેતી કરી આસપાસ ઉંડા ખાડા કરી દેવાતા, જેથી પશુઓ ખેતરમાં આવે નહીં, પરંતુ ખાડામાં પડી જવાથી અનેક અબોલા જીવોએ જીવ ગુમાવ્યા હતા. અમુક મોટા માથાઓ દબાણ કરી લેતા બાદમાં વાવેતર માટે સ્થાનિક, વગદાર કે બહારના જિલ્લાઓમાંથી મજૂરોને બોલાવી વાવેતર કરતા હતા. તાજેતરમાં વન વિભાગ અને DILR(ડિસ્ટ્રીક્ટ ઇન્સપેક્ટર લેન્ડ રેકોર્ડ) દ્વારા માપણી કરી બન્ની વિસ્તાર( Banni Grasslands Reserve )ની હદ પણ નક્કી કરી દેવામાં આવી છે, જેથી બન્ની વિસ્તારની હદ વિસ્તારમાં ચરિયાણ જમીનો પર બિનઅધિકૃત કબ્જો થયો હશે, તો તેને દૂર કરવામાં આવશે.
આ પણ વાંચો -MMPJ હોસ્પિટલને 3 કરોડનું સંજીવની ઓક્સિજન યુનિટ અર્પણ કરતું સ્વામીનારાયણ સંસ્થાન
વિવિધ વિભાગોના અધિકારીઓને સાથે રાખીને કાર્યવાહી કરાશે
ભૂતકાળમાં મિસરીયાડો, સુમરાસર (શેખ) સહિતના ગામોમાં ખેત વિષયક દબાણો સંયુક્ત કાર્યવાહીથી હટાવાયા છે. તેવી જ રીતે હવે મામલતદાર, ફોરેસ્ટ વિભાગ, DILR, તાલુકા પંચાયત, કચ્છ પોલીસ પ્રશાસન સહિતનાઓને સાથે રાખી સંયુક્ત કાર્યવાહી કરીને બન્ની વિસ્તાર( Banni Grasslands Reserve )માં મોટા દબાણો હટાવવામાં આવશે.