વરસાદના આંકડાઓની વિસંગતતા દૂર થશે, કચ્છમાં વધુ 27 વરસાદમાપક યંત્ર મૂકાશે - વરસાદમાપક યંત્ર
સૂકા મુલક કચ્છમાં વરસાદ મોંઘેરો મહેમાન છે. મેઘરાજા કચ્છમાં વરસે ત્યારે અનેક વખત એવું બને છે કે તાલુકામથકે જ્યાં વરસાદમાપક યંત્ર છે ત્યાં જોરદાર વરસાદ પડે છે અને તાલુકા ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાતો જ નથી. તો ક્યારેક તાલુકામથક કોરું હોય અને ગામડાઓમાં ધૂબાકાબંધ વરસાદ નોંધાયો છે. જેને પગલે કચ્છમાં વરસાદના ચોક્કસ આંકડાઓ મળી શકતાં નથી તેની અસર અછત વાર્ષિક આનાવારી પર પડે છે. આ સ્થિતિમાં હવે તંત્રે કચ્છમાં વધુ 27 વરસાદમાપક યંત્ર લગાવવાનું આયોજન કર્યું છે, જેને પગલે આ વિસંગતતાને દૂર કરી શકાશે.
ભૂજ: કચ્છ ડિઝાસ્ટર મામલતદાર cm પ્રજાપતિએ ETV Bharatને જણાવ્યું હતું કે કચ્છમાં 27 વરસાદમાપક યંત્ર લગાવવાનું આયોજન છે. જે આ ચોમાસા પહેલાં જ લગાવી આ વર્ષે જ ઉપયોગ કરી શકાશે. કચ્છમાં વરસાદ નોંધાયાં પછી તાલુકામથકોના આંક માપણીમાં લેવાય છે. ઘણી વખત તાલુકામાં જે આંક હોય છે તેનાથી જુદા જ પ્રકારની સ્થિતિ તાલુકાના અન્ય ગામોમાં હોય છે. એટલે વરસાદના આંકમાં વિસંગતતા જોવા મળે છે. આથી હવે વધુ 27 યંત્રની મદદથી આ વિસંગતાને દૂર કરી શકાશે. જે તાલુકામથકોમાં વધુ ગામો છે તેમાં ચાર જેટલા અને ઓછા ગામો ધરાવતા તાલુકામાં બે યંત્ર મૂકવાનું આયોજન છે જેની કામગીરી ચાલી રહી છે.