મહામારી સામે લડવા માટે અનુકરણીય પહેલ, કચ્છના મુન્દ્રાની હંગામી શાક માર્કેટ - કોવિડ 19 ન્યૂઝ
કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા સાવચેતીના પગલાં આવશ્યક બની જાય છે. વિશ્વના માથે ભરડો લઇને બેઠેલા કોરોના વાઈરસને નાથવા સામાજિક અંતર અને સલામતીનો ઉપાય છે, ત્યારે રાષ્ટ્રમાં લોકડાઉનમાં લોકોની જીવન જરૂરી આવશ્યક વસ્તુઓનો પુરવઠો પુરો પાડવો તંત્રની જવાબદારી બની જાય છે. કચ્છમાં પણ આ સામાજિક અંતરને જાળવવાના ભરચક પ્રયાસો થઇ રહયા છે. જિલ્લામાં લોકોને શાકભાજીની અગવડ ના પડે તે માટે સ્થાનિક વહીવટી તંત્રે વિશેષ સગવડો ઉભી કરી છે. જે પૈકી મુન્દ્રા ગ્રામ પંચાયતે પણ શાસ્ત્રી મેદાનમાં હંગામી ધોરણે શાક માર્કેટ ઉભું કર્યુ છે.
કચ્છના મુંન્દ્રામાં હંગામી શાક માર્કેટ, મહામારી સામે લડવા માટે ઉદાહરણીય અને અનુકરણીય પહેલ
કચ્છઃ જિલ્લાના મુન્દ્રા ગ્રામ પંચાયતે ભીડ ભેગી ન થાય તેમજ ગ્રાહકોથી સલામત સામાજિક અંતર જળવાય તે માટે ચોકકસ પ્રકારથી હંગામી શાકમાર્કેટ ઉભુ કર્યુ છે. ચોરસમાં ઉભા કરેલા સામાજિક અંતરમાં ગ્રાહકો પોતાને જોઇતા શાકભાજી સોશિયલ ડિસ્ટન્સીંગની માર્ગદર્શિકાને અનુસરીને ખરીદે છે. સરકારે નિયત કરેલા સમયમાં ગ્રામજનો આ શાક માર્કેટમાં આવી શાકભાજી અને ફળફળાદી ખરીદી કરે છે. તંત્રની આ વ્યવસ્થાને ખરીદારો આવકારે છે અને વખાણે પણ છે.