કચ્છમાં કોરોનાકાળમાં આરોગ્ય તંત્રના સર્વેલન્સથી બાળકો વૃદ્ધો અને સગર્ભા મહિલાઓના જીવ બચાવાયા
કચ્છ જિલ્લામાં અનલોક 4.0 સાથે કોરોના મહામારી વચ્ચે પણ જનજીવન ધીમેધીમે સ્થિર થઇ રહ્યુ છે. જિલ્લામાં કોરોનાકાળ દરમિયાન આરોગ્ય તંત્ર દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરાયો હતો. બાળકો વૃદ્ધો અને સગર્ભા મહિલાઓને ખાસ રક્ષણ આપાયું હતુ. જેથી આવનારા ભવિષ્યમાં તેનો ઉપયોગ પણ થઈ શકશે.
કચ્છઃ જિલ્લામાં અનલોક 04 સાથે જનજીવન કોરોના મહામારી વચ્ચે પણ ધીમેધીમે સ્થિર થઇ રહ્યુ છે, ત્યારે કચ્છમાં કોરોનાકાળ દરમિયાન જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરાયેલા વિવિધ સર્વેલન્સને કારણે જિલ્લાના 10 વર્ષથી નીચેના બાળકો વૃદ્ધો અને સગર્ભા મહિલાઓને ખાસ રક્ષણ અપાયુ હતું. જિલ્લામાં કોરોના મહામારીના પ્રવેશ સાથે જ આરોગ્ય વિભાગે આદરેલી સર્વેની કામગીરી સાથે હવે કોરોનામાંથી સ્વસ્થ થયેલા દર્દીઓનો પણ અભ્યાસ શરૂ કરી દેવાયો છે. જેથી આવનારા ભવિષ્યમાં તેનો ઉપયોગ પણ થઈ શકશે. જિલ્લામાં આરોગ્ય વિભાગની આ સર્વેલન્સ નજર અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પ્રેમકુમાર કન્નરે ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.
કચ્છ જિલ્લા પંચાયત આરોગ્ય કચેરી ખાતે ઈટીવી ભારત સાથે વિશેષ વાતચીતમાં ડો. પ્રેમકુમાર કુન્નરે જણાવ્યુ હતું હતું કે, કચ્છમાં લખપત તાલુકાના મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદથી આરોગ્ય વિભાગે સર્વેલન્સ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યુે હતું. કચ્છમાં 22 લાખ આસપાસની તમામ વસ્તીને 100 ટકા આવરી લઈને હાઉસ ટુ હાઉસ સર્વે કરાયો હતો. જેથી કોરોના એન્ટ્રી સાથે જ એક જ સપ્તાહમાં 586 તાવ અને 1248 સામાન્ય શરદીના દર્દીઓને અલગ તારવી લેવાયા હતા. જેથી સંક્રમણ ફેલાવવાની શકયતાને ઘટાડવાનો પ્રયાસ કરવામાં હતો. આ સર્વેલન્સ બાદ બીજા તબક્કામાં મુંબઈ, મહારાષ્ટ્ર સહિતના રેડ ઝોનમાં આવતા લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં હતા. સરકારી ક્વોરન્ટાઈન સહિતના પગલા ભરાયા હતા. ત્રીજા તબક્કામાં શ્રમિકોએ ફરજ માટે હાજર થનારા વિવિધ સૈન્યના જવાનો તરફ ધ્યાન રાખ્યુ હતું. આ પછી અનલોક સાથે કેસની સંખ્યામાં વધારો થશે. તે સ્વીકાર્ય બાબત હતી. જેથી કન્ટેન્ટમેન્ટ ઝોનમાં તમામ ફોકસ વધારી દેવાયુ હતું.