નલિયા: કચ્છના અબડાસા તાલુકામાં દર વર્ષે ગુણવત્તાયુક્ત કપાસનું 10 હજાર હેક્ટરમાં વાવેતર થાય છે. જેથી સ્થાનિક ખેડુતોને લાભ થાય તે માટે CCIનું કપાસ ખરીદી કેન્દ્ર કોઠારા મધ્યે શરુ કરવા કેન્દ્રીય કૃષિપ્રધાન પુરષોતમ રૂપાલાને રજૂઆત કરવામાં આવી છે.
કનકપર સેવા સહકારી મંડળીના પ્રમુખ અને કચ્છમાં પપૈયા, દાડમ તથા મલ્ચીંગ પદ્ધતિ દ્વારા તરબુચની ખેતીનો નવો ચીલો ચીતરનાર પ્રગતિશીલ ખેડૂત વાડીલાલ પરબત પોકારે કેન્દ્રીય કુષિપ્રધાન પરષોત્તમ રુપાલાને રજૂઆત કરી છે. જેમાં અબડાસા તાલુકાના કોઠારામાં કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનું કપાસ કેન્દ્ર શરુ થાય તેવી માગ કરી છે.
સિવિલ એન્જીનિયરની ઉપાધી ઘરાવતા ખેડૂત અગ્રણી વાડીલાલ પોકારે રજુઆતમાં જણાવ્યુ છે કે,અબડાસા તાલુકામાં દર વર્ષે ગુણવત્તાયુક્ત કપાસનું 10 હજાર હેક્ટરમાં વાવેતર થાય છે. CCIનું ખરીદી કેન્દ્ર આ વિસ્તારમાં શરુ થાય તો ખેડૂતોને ફાયદો થશે.
હાલમાં ખેડૂતો કપાસનું વેચાણ ખાનગી વેપારીઓને કરી રહ્યા છે. કોટન કોર્પોરેશન દ્વારા દર વર્ષે કચ્છના ભુજ, અંજાર અને માંડવી મુકામે ખરીદી કેન્દ્ર શરુ થાય છે. જે સેન્ટરો અબડાસાથી સરેરાશ 100 કિલોમીટરના અંતરે આવેલા છે઼. જેથી અબડાસાના ખેડૂતો આટલા દુરના અંતરે કપાસનું વેચાણ કરી શકતા નથી અને નાછુટકે નીચા ભાવે બજારમાં ખાનગી વેપારીઓને કપાસ વહેંચવો પડે છે.
ખેડૂતોને ભાવનું શોષણ થાય છે. જો તાલુકામાં CCIનું ખરીદી કેન્દ્ર કોઠારા ખાતે શરુ કરવામાં આવશે તો ખેડૂતોને ખુબ ફાયદો થશે, તેમજ કોઠારા ખાતે કપાસની જીનીંગ અને પ્રોસેસીંગ ફેક્ટરીની સુવિધા હોવાનો ઉલ્લેખ પણ વાડીલાલ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે.