કચ્છ : રોજી-રોટી કમાવવા આવેલા લોકડાઉનમાં ફસાયેલા બિહારના શ્રમિકોની સ્વાસ્થ્ય અને સલામતીની શુભકામનાઓ પાઠવી રાજ્યપ્રધાન વાસણભાઇ આહિરે લીલીઝંડી આપી ટ્રેનને રવાના કરી હતી. ૨૪ કોચમાં સામાજિક અંતર જાળવીને મોકલવાની જવાબદારી સાથે વહીવટી તંત્રે તેમને ફેસ માસ્ક, પીવાનું પાણી અને ફૂડ પેકેટ્સ અને ઘર સુધી ચાલે તેટલો ખોરાક પાણી આપીને વિદાય કર્યા હતા.
ગાંધીધામથી બિહારની શ્રમીક સ્પેશિયલ ટ્રેન રવાના, શ્રમિકોએ માન્યો આભાર - કોરોના વાઇરસ
નોવેલ કોરોના વાયરસ કોવીડ-19ના ત્રીજા લોકડાઉનના પગલે કચ્છભરમાં અટવાયેલા પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન પહોંચાડવાની કામગીરી સમગ્ર વહીવટી તંત્ર કરી રહ્યું છે. જે પૈકી આજે શનિવારે ગાંધીધામથી બિહારના દાનાપુર સુધી શ્રમિક સ્પેશિયલ ટ્રેન ૧૧૯૮ શ્રમિક પેસેન્જરોને લઇ રવાના કરાઇ હતી.
સરહદી જિલ્લો કચ્છ ઔદ્યોગિક હબ તરીકે વિકસ્યો હોવાથી અહીં પરપ્રાંતિય શ્રમિકો રોજગારી માટે સ્થાયી થયેલા છે. તેમની વતન વાપસીની માંગણીના પગલે સરકારના આદેશાનુસાર છેલ્લા ત્રણ દિવસથી પૂર્વ કચ્છ પોલીસ વડા પરીક્ષિતાબેન રાઠોડ અને અંજાર પ્રાંત અધિકારી વિમલભાઇ જોશીના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે શ્રમિકોના રજીસ્ટ્રેશન, મેડિકલ ચેકઅપ સહિતની કામગીરી ખડેપગે કરી હતી. ટ્રેનમાં શ્રમિકોને જમવા પાણીની વ્યવસ્થા માટે પાણીની બોટલ, ફૂડપેકેટસ અને માસ્કની વ્યવસ્થા પણ આ ટીમે ખંતપૂર્વક કરી હતી.
આ તકે રાજ્યપ્રધાન વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, સુંદર વ્યવસ્થા બદલ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, રેલવે પ્રશાસનનો રાજ્ય સરકારવતી આભાર માન્યો હતો. પરપ્રાંતિય શ્રમિકો, નિશ્ચિત થઇ ઘર સુધી પહોંચે સરકાર એવી દરકાર કરે છે. આ વચ્ચે શ્રમિકોને વિદાય આપવા ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, રેલવે સ્ટેશન મેનેજર સત્યેન્દ્ર યાદવ તેમજ રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.