કચ્છમાં આ વરસે વરસાદ ચોકકસ આવ્યો છે પણ બીજા રાઉન્ડની રાહ જોવાઈ રહી છે. ત્યારે ભૂજની હમીરસર તળાવ હજુ ખાલી છે.આ તળાવ છલકાઈ જાય તો જ દેશ-દેશાવરમાં રહેતા કચ્છીજનો મલકાઈ ઉઠે છે. ભૂજમાં રહેતા સ્થાનિકો પણ હમીરસર તળાવ પાસેથી પસાર થાય,ત્યારે તળાવની માટી નિહાળી કહી ઊઢે છે કે, કુદરત મહેર કર અને આ તળાવને પાણીથી છલોછલ ભરી દે. કુદરત તો હજુ સુધી મહેરબાન નથી થઈ, પરંતુ નર્મદાનાં નીરથી ભરવાની શરૂઆતના સમાચારથી પણ લોકોના મુખ મલકાઈ ગયા છે.
આ જ રીતે પાણી છોડાય તો 200 દિવસે હમીરસર તળાવ ભરાશે ભુજ તથા આસપાસના વિસ્તારો પર ખાસ વરસાદ ન થતાં તળાવમાં નામ પૂરતું જ પાણી આવ્યું હતુ. જો કે, રાજ્યમાં નર્મદા નીરથી તળાવો ભરવાની યોજના અંતર્ગત ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે પણ ઉપમુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ સમક્ષ રજૂઆત કરતાં હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. અને જ્યુબિલી ગ્રાઉન્ડ પાસેથી મોટા બંધે પાણીની મોટી લાઇન લઇ જવાની શક્યતા તપાસાઇ રહી હતી તે દરમ્યાન આજે ભુજ સુધરાઇની વોટર સપ્લાય શાખા દ્વારા 2006માં મહાદેવ નાકા પાસે નખાયેલી લાઇન દ્વારા નર્મદા નીર ચાલુ કરી ભુજિયા ટાંકેથી આવતી લાઇનની શક્યતા ચકાસાઈ હતી. આ લાઇનમાં પાણી શરૂ થતાં જ ભુજવાસીઓના હૈયાં પુલકિત થઇ ઊઠ્યાં હતાં.જો કે, હકીકત એ છે કે આ અગાઉ 2006માં આ જ લાઈનથી પાણી શરૂ કરાયું હતું. ત્યારે ખુદ તંત્રએ કહયું હતું કે દરરોજ પાંચથી છ એમ.એલ.ડી. પાણી ત્રણથી ચાર કલાક પૂરતા પ્રેસરથી ચાલુ રખાશે ત્યારે 200 દિવસે તળાવ ભરાશે. તે વખતે નારાયણ સરોવર ભરવા પણ યોજના હતી. અલબત્ત, તળાવમાં પાણી ઠાલવવાનું આયોજન થોડા દિવસ જ રહ્યું અને કાળક્રમે યોજના પડી ભાંગી જે હવે ફરી 13 વર્ષે કાર્યરત કરવા વ્યાયામ શરૂ કરાયો છે. પાલિકાના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર આ આયોજન હજુ પ્રાથમિક તબક્કાનું જ છે. તળાવને ભરવા અન્ય સ્રોતની સાથોસાથ શહેરને પીવાના પાણી કેમ નિયમિત પહોંચશે તે તમામ બાબતો વિચારાઇ રહી છે.