છારીઢંઢમાં સોલાર એનર્જી પાર્ક માટે જમીન ફાળવવા મામલે ઉઠ્યું વિરોધનું વંટોળ કચ્છ :પ્રખ્યાત છારીઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ વિસ્તારમાં પ્રસ્તાવિત એન.ટી.પી.સી. કંપની દ્વારા સ્થાપનાર સોલાર એનર્જી પાર્કની ઉદ્યોગિક પ્રવૃત્તિથી પ્રકૃતિને નુકસાન પહોંચી શકે છે. ત્યારે પક્ષીઓ માટે સ્વર્ગ સમાન ધરતીને બચાવવા માટે પર્યાવરણપ્રેમી, પક્ષીવિદ અને માલધારીઓ આગળ આવી રહ્યા છે. જેના ભાગરૂપે સ્થાનિક માલધારીઓ દ્વારા કંપની દ્વારા માંગણીવાળી જમીનના સ્થળ પર વિરોધરૂપે વિજયાદશમીના દિવસે `સબ કો સન્મતિ દે ભગવાન' નામથી પ્રતિકાત્મક પ્રાર્થના કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
શું છે મામલો ?જાણીતા પક્ષીવિદ નવીન બાપટે જણાવ્યું હતું કે, છારીઢંઢમાં અનેક પક્ષીઓનો કલરવ સંભળાય છે અને મોટી સંખ્યામાં કુંજ પક્ષીઓ વસવાટ કરે છે. આ વિસ્તારમાં ઉદ્યોગો માટે મંજૂરી આપનાર વહીવટી તંત્ર પાસે પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. પક્ષીઓ વતી પક્ષીવિદો અને સરપંચ દ્વારા શાંતિ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે. કંપની દ્વારા જે જમીનની માંગણી કરવામાં આવી છે તે નખત્રાણા તાલુકાના ફુલાય ગામના મહેસૂલી હદની રેવન્યુ સર્વે નં. 60/1 પૈકીની કુલ 578 હેકટર એટલે કે 1428 એકર જમીન ઉદ્યોગિક હેતુ માટે માંગવામાં આવી છે.
છારીઢંઢનો જે વિસ્તાર છે તે 22,500 હેક્ટરમાં ફેલાયેલો છે. જેમાંથી કંપનીએ જે જમીનની માંગણી કરી છે તે ફોરેસ્ટ વિભાગ હેઠળ આવી રહી નથી. --યુવરાજસિંહ ઝાલા (નાયબ વન સંરક્ષક)
છારીઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ : કંપની દ્વારા માંગવામાં આવેલ જમીન સરકારના રેકર્ડ પર મહેસૂલી પડતર જમીન તરીકે નોંધાયેલી છે. આ જમીન પર ભૂસ્તરને સમજવા માટે જીઓ ટેકનિકલ ઈન્વેસ્ટીગેશન એટલે કે બોર કરવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં હાલમાં ત્યાં 50,000 જેટલા કુંજ આહાર મેળવે છે અને વિશ્રામ પણ કરે છે. આથી ફકત મહેસૂલી રેકોર્ડના આધારે પક્ષીઓના વસવાટની જમીન ઉદ્યોગિક હેતુ માટે કેવી રીતે આપી શકાય તેવા સવાલો પણ કરવામાં આવ્યા છે.
કંપની દ્વારા માંગવામાં આવેલ જમીન ટાઇટલ ક્લિયરન્સ વાળી છે. જેથી કરીને આ વિસ્તારમાં જમીનની ફાળવણી કરવાનો નિર્ણય સરકાર આગામી સમયમાં લેશે. -- અમિત અરોરા (કચ્છ જિલ્લા કલેકટર)
પર્યાવરણ પ્રેમીઓની માંગ : પક્ષીઓની પ્રાર્થના એવા આ પ્રતીકાત્મક સબકો સન્મતિ દે ભગવાન કાર્યક્રમમાં સ્થાનિક માલધારીઓ, ગ્રામ પંચાયતના સરપંચ સંગઠન, કચ્છના પક્ષીવિદો, પર્યાવરણ પ્રેમીઓ તેમજ છારીઢંઢના હિત સાથે સંકળાયેલ તમામ લોકો ભાગ લેશે. આ વિસ્તારમાં કુંજ અને બીજા યાયાવર પક્ષીઓના મધુર કિલકિલાટથી ઉઠતો મીઠો અવાજ અને તેમના વસવાટની જમીન છીનવાઇ ન જાય તે માટે પ્રાર્થના કરવામાં આવશે. આ વિસ્તારમાં વરું જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે.
છારીઢંઢ કન્ઝર્વેશન રિઝર્વવિસ્તારમાં ઉદ્યોગો માટે મંજૂરી આપનાર વહીવટી તંત્રને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. પક્ષીઓ વતી પક્ષીવિદો અને સરપંચો દ્વારા શાંતિ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે. -- નવીન બાપટ (પક્ષીવિદ)
વનવિભાગનો જવાબ : આ સમગ્ર બાબત અંગે ETV BHARAT સાથે ટેલિફોનિક વાતચીત કરતા પશ્ચિમ કચ્છ નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, છારીઢંઢનો જે વિસ્તાર છે તે 22,500 હેક્ટરમાં ફેલાયેલો છે. જેમાંથી કંપનીએ જે જમીનની માંગણી કરી છે તે ફોરેસ્ટ વિભાગ હેઠળ આવી રહી નથી. તેમજ આ માંગણી કરેલ જમીન છારીઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ વિસ્તારમાં નથી આવતી અને આ જમીનની ફાળવણી અંગેનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવશે.
જમીનની ફાળવણીનો નિર્ણય : કચ્છ કલેકટર અમિત અરોરાએ પણ રૂબરૂ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, આ જમીન વનવિભાગ હેઠળ નથી આવતી અને કંપની દ્વારા માંગવામાં આવેલ જમીન ટાઇટલ ક્લિયરન્સ વાળી છે. જેથી કરીને આ વિસ્તારમાં જમીનની ફાળવણી કરવાનો નિર્ણય સરકાર આગામી સમયમાં લેશે. આ જમીનની ફાળવણી ન કરવા માટે પક્ષીવિદો, પર્યાવરણ પ્રેમીઓ અને માલધારીઓ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે. જે રાજ્ય સરકાર સમક્ષ મૂકવામાં આવી છે.
- Navratri 2023: કચ્છના રાજ પરિવાર દ્વારા પતરી વિધિનો શુભારંભ કરાયો, શરુઆતની ચામર પૂજા કરવામાં આવી
- Kharad Dhari Craft : પ્રાચીન અને દુર્લભ એવી ખરડ ધરી હસ્તકલાને લુપ્ત થતા બચાવવાના કચ્છી કારીગરોના પ્રયત્નો