કચ્છ:આગામી ફેબ્રઆરી 7 થી 10 સુધી G-20ની સમીટ કચ્છમાં યોજાવાની છે. કચ્છના ધોરડો ખાતેના સફેદ રણમાં યોજાતા રણોત્સવ ખાતે આ બેઠક યોજવામાં આવશે તેમજ પ્રવાસનને વેગ આપવા માટે પ્રયાસો કરવામાં આવશે. ભુજ એરપોર્ટ પર બધા જ વિદેશી ડેલીગેટ્સના સ્વાગત સાથે કચ્છની ધરતી પર ઊતરતાં જ કચ્છની સંસ્કૃતિનો પરિચય થાય તેવી તૈયારી એરપોર્ટ પર ચાલી રહી છે.
ભુજ એરપોર્ટ પર તૈયારીઓનો ધમધમાટ શરૂ:કચ્છની કલા સંસ્કૃતિને 20 દેશના પ્રતિનિધિઓ સમક્ષ ઉજાગર કરવામાં આવશે. તમામ વિદેશી પ્રતિનિધિઓ ખાસ ચાર્ટડ વિમાન મારફતે ભુજ એરપોર્ટ પર આવશે અને અહીંથી બાય રોડ ધોરડો જવાના છે ત્યારે હાલમાં નવો રોડ પણ બનાવવામાં આવી રહ્યો છે. વિશ્વના વિવિધ દેશોના 80થી વધુ ડેલીગેટ્સ જ્યારે ભુજ એરપોર્ટ પર ઉતરે ત્યારે પહેલા ઇમ્પ્રેશનમાં જ તેમને કચ્છ અને ગુજરાતની સંસ્કૃતિની ઝલક જોવા મળે તે માટે ભુજ એરપોર્ટ પર તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે.
સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે:ભુજ એરપોર્ટ ડાયરેકટર નવીનકુમાર સાગરે જણાવ્યું હતું કે, એરપોર્ટના એપ્રન વિસ્તારમાં તેમનું સ્વાગત કરી ત્યાં જ તેમના માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે. ટર્મિનલ બિલ્ડિંગને પણ આ પ્રસંગે ખાસ સજાવવામાં આવશે અને એરપોર્ટના સિટી સાઈડના ભાગમાં G20 સબંધિત વિવિધ બેનર અને ડેલીગેટ્સની તસવીરો મૂકવામાં આવશે. એક વિશિષ્ટ પ્રકારનું બાંધકામ ધરાવતા ભુજ એરપોર્ટ પર G20 સમીટ માટે ખાસ મેન્ટેનેન્સ કામ પણ હાથ ધરાઇ રહ્યું છે.