કચ્છ : ભુજના હૃદયસમા હમીરસર તળાવની પાસે આવેલો ક્રુષ્ણાજી પુલ જર્જરિત (Krushnaji Bridge Dilapidated) હાલતમાં છે. આ પુલ પર વહેલી સવારથી મોડી રાત્રી સુધી સતત વાહનોની અવરજવર રહેતી હોય છે. વરસાદની સિઝનમાં આવતા પાણી અને હમીરસર તળાવનો નજારો જોવા માટે લોકોની આ પુલ પર ભીડ એકઠી થાય છે. પાયાથી જર્જરીત પુલ હવે ગમે ત્યારે જોખમી સાબિત થઇ શકે છે અને કોઇ મોટી દુર્ઘટના ઘટે તે પહેલા તંત્ર (Dilapidated Bridge in Bhuj) જાગે તેવી શહેરીજનો દ્વારા માંગ ઉઠી રહી છે.
ક્રુષ્ણાજી પુલ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં - ભુજના હમીરસર તળાવમાં (Hamirsar Lake of Bhuj) મોટા બંધથી વરસાદી પાણી વાયા ક્રુષ્ણાજી પુલ નીચેથી જાય છે. જે દાયકા જૂનો પુલ અને પૂલની દીવાલો જર્જરિત થઈ ગઈ છે. તેની મરમ્મત હમીરસર તળાવના બ્યુટીફીકેશન હેઠળ કરવાનું આયોજન કરાયું હતું. પરંતુ, હમીરસર તળાવના બ્યુટીફીકેશનની સાથે કૃષ્ણજી પુલની દીવાલની મરમત પણ ઠેલાતી જાય છે. જેની હવે સમયસર મરમ્મત નહીં થાય તો ગમે ત્યારે આ પુલ ધરાશાયી (Bridge Collapses in Bhuj) થાય એવી સ્થિતિ ઊભી થઈ છે.
ચોમાસામાં પુલ પાર અકસ્માતની ભીતિ -છેલ્લા 10 વર્ષોથી હમીરસર તળાવના બ્યુટીફીકેશનની વાતો થાય છે. હમીરસર તળાવના બ્યુટીફીકેશનની કામગીરી હેઠળ ક્રુષ્ણાજી પુલ પાસે રામકુંડને જોડતો પુલ પણ બનાવી દેવાયો હતો. પરંતુ, ભુજ નગરપાલિકાના ગત બોડીના અધિકારીઓએ બાકીનું કામ પણ આગળ વધાર્યું નહીં. જેથી ક્રુષ્ણાજી પુલની જર્જરિત દીવાલનું પણ સમારકામ રહી ગયું છે. 2020માં કોરોનાની પ્રથમ લહેરના પ્રારંભે લોકડાઉન દરમિયાન પુલ ઉપરનો માર્ગ વન-વે કરી દેવાયો હતો. ક્રુષ્ણાજી પુલની મરમ્મતનું કામ હજી સુધી પણ હાથ ધરાયું નથી. હવે ચોમાસા બાદ શિયાળામાં કામગીરી હાથ ઉપર લેવાની વાત થાય છે તેથી ચોમાસામાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.