કચ્છ: અંજાર આત્મા પ્રોજેક્ટ કચ્છ અને જિલ્લા પંચાયત દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ કોવિડ-૧૯ની ગાઇડલાઇન મુજબ સહાય અને માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું.
રાજ્ય પ્રધાન વાસણ આહિરે કહ્યું કે, પ્રજાની દરકાર કરતી સરકારે કુદરતી આપત્તિથી થયેલ પાક નુકસાન સામે ખેડૂતોને સરળતાથી લાભ આપતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલી કરી છે. આપ સૌ કિસાન બંધુઓને દુષ્કાળ, અતિવૃષ્ટિ અને માવઠામાં ખેડૂતોને થતા પાક નુકસાનની ભરપાઇ માટે સરકાર ચિંતિત છે. સંવેદનશીલ સરકારે વાવણીથી માંડી વેચાણ સુધી ધરતીપુત્રોની ચિંતા કરી છે. રાજય સરકાર ૦ ટકા વ્યાજે લોન પણ આપી રહી છે. દેશમાં આપણું રાજય પ્રથમ છે. જેણે કુદરતી આપત્તિથી થયેલ પાક નુકસાન માટે ખેડૂતોને સરળતાથી લાભ આપતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના તાજેતરમાં અમલી બનાવી છે. દુષ્કાળ, અતિવૃષ્ટ અને કમોસમી વરસાદમાં 30 થી 60 ટકા પાક નુકસાની માટે 4 હેકટર સુધી ૨૦ હજારની અને ૬૦ ટકાથી વધુ પાક નુકસાની માટે મહત્તમ ૪ હેકટર સુધી ૨૫ હજારની સહાય આપે છે.
વાસણ આહિરે જણાવ્યું હતું કે, કચ્છના પશુપાલકોની રજૂઆતને ધ્યાનમાં લઇ બન્નીની ભેંસને નેશનલ બફેલો તરીકે માન્યતા આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પશુપાલકો, ખેડૂતો, માલધારી અને ખેત મજુરો તમામની ચિંતા કરી છે. ૨૦ કરોડ સરકારે સિંચાઇ માટે તાજેતરમાં કચ્છ વિકાસ માટે મંજૂર કર્યા છે. કચ્છમાં ડ્રેગન, ખારેક, દાડમ જેવી બાગાયતી ખેતી સાથે ખરીફ પાકોમાં પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી પ્રગતિ કરવાની તેમણે અનુરોધ કર્યો હતો.
વાસણ આહિરે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯માં કમોસમી વરસાદ, માવઠાના કારણે ખેડૂતોને થયેલ પાક નુકસાન માટે કચ્છના ૧૩,૪૫૩૬ ખેડૂતોને ૧૧૭ કરોડની સહાય આપવામાં આવી છે. આ વર્ષે અમલી બનેલ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના, કિસાન પરિવહન યોજના, ભૂગર્ભજળ યોજના, સ્માર્ટ હેન્ડટુલ કીટ યોજના અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ લેવો જોઇએ.