કચ્છઃ જિલ્લામાં કોરોના મહામારીનું સંક્રમણ અતિ ઝડપે વધી રહ્યું છે. એક સાથે 20 પોઝિટિવ કેસ અને બે મોત સાથે સેફ ઝોન મનાતા કચ્છમાં હવે મહામારીનું ચિત્ર ખુબ બિહામણું બની રહ્યું છે. જિલ્લા વિકાસ અધિકારીની યાદી અનુસાર ગાંધીધામના ભારતનગરમાં રહેતા એક મહિલાનુ ભુજની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. 11મી તારીખે શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમનું સેમ્પલ પરીક્ષણ માટે લેવાયું હતું. ડાયાબિટીસ, હાઇપર ટેન્શનની બીમારીથી પીડાતા 67 વર્ષીય મહિલાને બાયપેપ સ્પોર્ટ વેન્ટિલેટર પર સારવાર અપાઇ હતી.
જ્યારે અબડાસાના દદામાપરના 63 વર્ષીય જીવણભાઇ ગજરાનું પણ મોત નિપજ્યું હતું. 15મી તારીખે તાવ-શ્વાસ લેવાની ફરિયાદ બાદ રિપોર્ટ પોઝિટિવ આવતાં બાયપેપ-વેન્ટિલેટર પર સારવાર હેઠળ હતાં. હતભાગી પહેલાથી ડાયાબિટીસથી પીડાતા હતા. આ બે મોત સાથે જિલ્લામાં કુલ મૃત આંક 17 પર પહોંચ્યો છે.