- વિરાણીયામાં સરપંચનો જુસ્સો અને જહેમત તેમજ જનભાગીદારી રંગ લાવી
- ટ્રેસ, ટેસ્ટ અને ટ્રીટ - 3Tના અભિગમથી વિરાણીયા ગામ બન્યું કોરોના મુક્ત ગામ
- ટૂંક સમયમાં વિરાણીયા કોરોના મુક્ત બની ગયું
કચ્છ : મુન્દ્રા તાલુકાનું 1,000 જેટલી વસ્તી ધરાવતું નાનકડું વિરાણીયા ગામ અને અહીંના યુવા સરપંચ શક્તિસિંહ જાડેજા કોરોના સામે હંમેશાથી સતર્ક હતા. અનેક પ્રતિબંધ અને મહેનત છતાં કોરોના ગામમાં પ્રવેશ્યો અને એક સમય એવો પણ આવ્યો કે, ગામમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 27 થઈ ગઈ હતી. ત્યારે સરપંચ, ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ સતત કોરોનાને નાથવાના પ્રયત્નોમાં લાગી ગયા હતા. આખરે તેમનો આ જુસ્સો, જહેમત અને જનભાગીદારીએ રંગ રાખ્યો અને ટૂંક જ સમયમાં વિરાણીયા કોરોના મુક્ત બની ગયુ છે.
ગ્રામજનોએ પણ હિંમતભેર કોરોનાનો સામનો કર્યો
કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન લાદવામાં આવ્યું હતું અને સરકાર દ્વારા આપવામાં આવતી કોરોના ગાઇડલાઇનનું પણ ચુસ્તપણે પાલન કરાવાયું હતું. ગામમાં લોકોને બિનજરૂરી બહાર નીકળવા પર તેમજ ગામમાં કોઇપણ ફેરિયાઓને પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યા હતો. આ ઉપરાંત ગામના લોકોનો પણ પૂરતો સહયોગ મળી રહ્યો ગ્રામજનોએ પણ હિંમતભેર કોરોનાનો સામનો કર્યો હતો. ગ્રામ પંચાયત દ્વારા પણ અવારનવાર માસ્ક વિતરણ, સેનિટાઈઝ કરવું, ઉકાળાનું વિતરણ વગેરે પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.
આરોગ્ય વિભાગ અને ગ્રામ પંચાયતે સંયુક્ત રીતે ઘરે ઘરે ફરીને આરોગ્ય સર્વે કર્યા
ગામના કોરોનાનો પગ પેસારો થતા જ આરોગ્ય વિભાગ અને ગ્રામ પંચાયતે સંયુક્ત રીતે ઘરે ઘરે ફરીને આરોગ્ય સર્વે કર્યા હતા. જેમાં થર્મલ ગન દ્વારા તાપમાન અને ઓક્સિમીટર દ્વારા ઑક્સિજનનું લેવલ માપવામાં આવ્યું હતું. શંકાસ્પદ લક્ષણો જણાય તેવા લોકોના રેપિડ ટેસ્ટ અને જરૂર પડે તો આરટીપીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા.