- ગામમાં થોડો સમય અગાઉ જ લગાવવામાં આવેલ પેવર બ્લોક પાછા ઉખેડવામાં આવ્યા
- સ્થાનિક લોકોએ સરપંચ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા
- ગુરુવાર સવારથી જ કામગીરીથી લોકોમાં ચકચાર
કચ્છ: જિલ્લાના ભુજ તાલુકાના કોટડા ચકાર ગામના નાની બજારમાં ગ્રામ પંચાયત દ્વારા થોડો સમય અગાઉ જ પેવર બ્લોક લગાવવામાં આવેલ પરંતુ હવે ગ્રામ પંચાયત દ્વારા જ અચાનક પેવર બ્લોક પાછા ઉખેડવામાં આવી રહ્યા છે. ગ્રામ પંચાયતના જ સભ્ય દ્વારા આરોપ લગાવવામાં આવ્યા હતો કે, આ પેવર બ્લોકના કામમાં ભ્રષ્ટાચાર સરપંચ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ બાબતે સરપંચે ખુલાસો આપતા જણાવ્યું હતું કે, "પેવરબ્લોક નીચે ગટર લાઈન બેસી જતાં આ પેવર બ્લોક પાછા ઉખેડવામાં આવી રહ્યા છે".
સરકારી નિયમો પ્રમાણે આ કામમાં મટીરીયલનો ઉપયોગ ન કરાયાનો આક્ષેપ
ગ્રામ પંચાયતના સદસ્યનું કહેવું છે કે, "ગામમાં અનેક કામોમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યું છે અને સરપંચનું આ અંગે ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું. આ પેવર બ્લોકના કામમાં કાળી બજરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સરકારી નિયમો પ્રમાણે આ કામમાં રેતીનો ઉપયોગ કરવાનો હોય છે અને આ કામમાં રેતીનો ઉપયોગ નથી થયો અને નબળી ગુણવતાના ઇન્ટરલોકનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એ જ કારણે આ કામનું પેમેન્ટ અટક્યું છે".
યોગ્ય તપાસ કરવા ગ્રામ પંચાયતના સભ્યએ વિવિધ અધિકારી સમક્ષ કરી રજૂઆત
આ કાર્યમાં સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, કલેકટર, નાયબ મુખ્યપ્રધાન અને મુખ્યપ્રધાનને અરજી કરવામાં આવી હતી. જેમાં નાયબ મુખ્યપ્રધાન દ્વારા જવાબ આપવામાં આવ્યું હતું કે, આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવશે.પરંતુ આજ દિવસ સુધી કોઈ પણ જાતની તપાસ કરવામાં આવી નથી.
આ પણ વાંચો :Tokyo Paralympics 2020: પેરા શૂટર અવની લેખરાએ કરી કમાલ, ગૉલ્ડ બાદ હવે જીત્યો બ્રોન્ઝ મેડલ
સ્થાનિક લોકોમાં પણ પેવર બ્લોક પાછા ઉખેડાતા મચી ચકચાર
આ ઉપરાંત સ્થાનિક લોકોનું પણ કહેવું છે કે,"આવી ઘટના પહેલી વાર જોવા મળી છે કે કોઈ કાર્ય થઈ ગયું હોય અને એ કામ પાછું ઉખેડવામા આવતું હોય. સરપંચ દ્વારા ગ્રાન્ટ પણ મંજૂર થઈ ગઈ હોય અને પૈસા પણ આવી ગયા હોય અને હવે આ પેવર બ્લોક પાછા ઊખેડવામાં આવી રહ્યું છે શું કારણ હોઇ શકે એ તો સરપંચ ને જ ખબર પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યું હોય તેવું ગામના લોકોએ જણાવ્યું હતું".