કચ્છમાં મંગળવારે ડ્રગ્સનો જથ્થો પકડાયા બાદ કચ્છ જાણે કે હેરાફેરી માટે ટ્રાન્ઝીટ પોઈન્ટ બન્યાની અનુભૂતિ થઈ રહી છે. સુરક્ષાને સંલગ્ન ભારતીય તંત્રો અને એજન્સીઓ સતર્ક હોવાથી અત્યાર સુધી અનેક કિસ્સામાં કરોડો નહીં પણ અબજો રૂપિયાની કિંમતનો કેફી દ્રવ્યનો જથ્થો કચ્છને સાંકળતા આ દરિયાઇ માર્ગે પકડાઇ ચુકયો છે. તો અમુક બનાવોમાં સાગરસીમા અને કાંઠો ઓળંગીને માનવ વિસ્તારમાં પહોંચેલો જથ્થો પણ પકડાયો છે. કેટલીક ઘટનાઓમાં તમામ સ્તરેથી સાંગોપાંગ નીકળીને રાજ્ય કે દેશના અન્ય ભાગો સુધી પહોંચેલા ડ્રગ્સના કન્સાઇન્મેન્ટ ઝડપાવાના કિસ્સામાં પણ સીમાવર્તી કચ્છ જિલ્લાની સંડોવણી સત્તાવાર રીતે બહાર આવી છે. જો કે, સુરક્ષા તંત્રોની કામગીરીએ આ પ્રકારના જથ્થા પકડી લીધા છે પણ આ કિસ્સો લાલબત્તી સમાન છે.
કચ્છનો આંતરરાષ્ટ્રીય જળકાંઠો દાણચોરી માટે બન્યો સોફ્ટ ટાર્ગેટ... - smuggling
કચ્છ: જિલ્લાના જખૌ દરિયાઈ સીમા પાસેથી 600 કરોડના હેરોઈન પકડવાની ઘટના બાદ કચ્છનો આંતરાષ્ટ્રીય જળકાંઠો દાણચોરી માટે સોફ્ટ ટાર્ગેટ બની ગયાનું જણાઈ રહ્યું છે. જેમાં આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ચાંદી, સોના અને શસ્ત્રો બાદ હવે કેફી દ્વવ્યોની દાણચોરી વધી ગઈ છે.
સરહદ પર નજર રાખતા જાણકારોના કહેવા મુજબ, કચ્છની સાગર સીમા અને દરિયાઇ વિસ્તારોને સાંકળીને આ હેરાફેરીનો દોર છેલ્લા ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે. જુલાઇ, 1994માં જળસરહદે આવેલા સાંવલાપીર વિસ્તારમાંથી સીમાસુરક્ષા દળે 260 કિલો ચરસનો જથ્થો 5 પાકિસ્તાની સાથે પકડ્યો હતો. સાગરમાં થતું સંયુક્ત પેટ્રોલિંગ બંધ થવાની હાલત વચ્ચે આ ઘટના બની હતી. તો મે-1992માં કચ્છ પોલીસે જખૌ બંદરના વિસ્તારમાં આવતા અબડાસાના સિંધોડી ગામ નજીક સાંગોપાંગ ઉતારાયા પછી સંતાડાયેલો 3.13 કરોડ રૂપિયાનો 250 કિલો શુદ્ધ ચરસનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસની આ કામગીરીમાં કન્સાઇન્મેન્ટ લેવા-મૂકવાવાળા પાકિસ્તાનીઓ સહિતની ટોળકીની સંડોવણી સ્પષ્ટ કરવા સાથે મહત્ત્વની કહી શકાય તેવી સફળતા મેળવાઇ હતી. જ્યારે આંતરરાષ્ટ્રીય જળસીમાએ આવેલા કોરીક્રીક વિસ્તારમાં કચ્છ પોલીસે માહિતીના આધારે લાંબો બેટ વિસ્તાર ખૂંદી વળીને માટીમાં દટાયેલા કેફી દ્રવ્યોના 10 પેકેટ ઝડપી પાડ્યા હતા.
કેફી દ્રવ્યોની હેરાફેરાની આ જૂની અને લાંબી તથા વ્યવસ્થિત ઢબની જાળ ગત વર્ષમાં દુબઇથી પંજાબ સુધી વાયા કચ્છ થઇને વિસ્તરી ચૂકી હોવાની પુષ્ટિ સામે આવી હતી. હાલમાં જ ગત મે મહિનામાં રાજ્ય ત્રાસવાદ વિરોધી દળ દ્વારા પાંચ કિલો કેફી દ્રવ્ય પકડાવાના મામલામાં પણ એવી વિગતો સામેે આવી હતી કે, કચ્છના કાંઠે ઉતારાયેલા 24 કરોડના જથ્થાનો પકડાયેલો જથ્થો એક ભાગ છે. તો લોકસભાની વર્ષ 2019ની ચૂંટણીના આચારસંહિતાવાળા સમયગાળા દરમિયાન સમગ્ર દેશમાંથી કુલ 524 કરોડનું કેફી દ્રવ્ય પકડાયાની ઘટનાઓમાં પણ કચ્છનો ઉલ્લેખ સામે આવ્યો જ હતો. તદ્ઉપરાંત, કચ્છના માંડવી તાલુકામાં મસ્કા અને બાગ વચ્ચે હેરોઇન ઉતાર્યાની ઓગસ્ટ 2018ની બાબત, તુણા બંદરેથી નીકળેલા 400 કિલો ડ્રગ્સ સાથે આરોપી સલાયામાં પકડવાનો મે-2018નો કિસ્સો, નૌકાદળ અને તટરક્ષક દળના સંયુકત ઓપરેશનમાં પાકિસ્તાની બોટમાંથી પોરબંદર વિસ્તારમાં 600 કરોડનું હેરોઇન પકડાવા જેવા અનેકવિધ કિસ્સા સ્પષ્ટ થઇ ચૂક્યા છે. ત્યારે હવે કચ્છ ઉડતા ગુજરાત માટે સોફ્ટ બની ગયાની લાલબત્તી ધરીને જાણકારો હવે દરિયાઈ સુરક્ષા વધુ કડક બનાવવા સાથે સાગરકાંઠાની પેટ્રોલિંગ વધુ મજબુત બનાવવાની ટકોર કરી રહ્યાં છે.