કચ્છઃ કચ્છના સાંસદની ટ્રસ્ટની કચેરીમાંથી રાશનકીટનું વિતરણ, ભૂજ એસ.પી. કચેરીમાં પોલીસ અધિકારી સાથે બેઠક, આમ અનેક જગ્યાએ વિનોદ ચાવડા પહોંચ્યા ત્યારે પોતાની કાર સેલ્ફ ડ્રાઈવિંગ સાથે એકલા જોવા મળ્યા હતા. આજે સવારે ભૂજ એસ.પી. કચેરી ખાતે માધ્યમોએ આ બાબતની નોંધ લીધી હતી. સાંસદને જયારે સેલ્ફ ડ્રાઈવિંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે સાંસદે માત્ર એટલી જ કોમેન્ટ કરી હતી કે, લૉકડાઉન સેફટી અને જવાબદારી બધું સાથે છે.
લૉકડાઉનની અસરઃ કચ્છના સાંસદ સેલ્ફ ડ્રાઈવિંગ પર આવી ગયા
સામાન્ય દિવસોમાં કોઈ રાજકીય પ્રતિનિધિ જયારે કોઈપણ જગ્યાએ પહોંચે ત્યારે ચાર પાંચ લોકોના કાફલો સ્વાભાવિક રીતે પોતાની સાથે રાખે છે અથવા કાર્યકર્તાઓ તેમની સાથે જોવા મળે છે. પરંતુ કોરોનાના કહેરમાં લોકડાઉન બાદ કચ્છના યુવા સાંસદે અનોખી રીત અપનાવી છે. સતત સેવા અને તંત્ર સાથેના સંકલનમાં કામગીરીમાં વ્યસ્ત રહેતા કચ્છના સાંસદ લૉકડાઉનથી સેલ્ફ ડ્રાઈવિંગ સાથે બહાર નિકળતા જોવા મળી રહ્યા છે.
સાંસદ વિનોદ ચાવડાની નજીક રહેતા મિત્રો સાથે આ બાબતે ચર્ચા બાદ જાણવા મળ્યુ હતું કે, લૉકડાઉનની જાહેરાત સાથે તેઓ પોતાના ઘરમાં જ રહીને તંત્ર સાથે સંકલનમાં છે. આ ઉપરાંત ઘરના કામદારો, ઑફિસના કામદારોને બિનજરૂરી બોલાવતા નથી. આ ઉપરાંત, પોતાના કારચાલકને પણ ઘરે રહેવાની સમજણ આપીને લૉકડાઉનના દિવસથી સેલ્ફ ડ્રાઈવ કરી રહ્યા છે. સામાન્ય દિવસોમાં કચ્છ, મોરબી અને દિલ્હીમાં જોવા મળતા સાંસદ સતત લોકોની વચ્ચે જોવા મળતા હોય છે. ત્યારે, આ લૉકડાઉન સાથે તેમણે પોતાની કાર્યશૈલી સાથે જવાબદાર સાંસદનો ચહેરો પણ દર્શાવ્યો છે.