કચ્છના કુનરીયા ગામનું કોરોના સામે લડતનું શ્રેષ્ઠ આયોજન - કચ્છમાં કોરોનાના કેસ
છેલ્લા ત્રણ વર્ષથી મનરેગાની કામગીરી માટે શ્રેષ્ઠ એવોર્ડ મેળવતું અને આરોગ્ય ક્ષેત્રે જિલ્લાકક્ષાએ સતત જીતનાર ભુજ તાલુકાનું કુનરીયા ગામ કોરોના સામેના જંગમાં હટકે કામગીરી કરી રહ્યું છે. વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાઇરસથી રાષ્ટ્રને બચાવવા ગ્રામપંચાયતો પણ વિશેષ જવાબદારી ઉઠાવી રહી છે. ત્યારે ખાસ કામગીરી સાથે કુનરીયા ગામને સુરક્ષિત રાખવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
કચ્છ: છેલ્લા ત્રણ વર્ષથી મનરેગાની કામગીરી માટે શ્રેષ્ઠ એવોર્ડ મેળવતું અને આરોગ્ય ક્ષેત્રે જિલ્લાકક્ષાએ સતત જીતનાર ભુજ તાલુકાનું કુનરીયા ગામની ગ્રામ પંચાયતે તેના સક્રિય સરપંચ સુરેશભાઇ ગોપાલભાઇ છાંગાના નેતૃત્વ હેઠળ કોરોનાને હરાવવા માટેનો ખાસ પ્લાન અમલી બનાવ્યો છે. કુનરીયા, નોખાણીયા અને રૂદ્રમાતાના ગામ લોકો કોરોનાથી મુકત રહે તે માટે દેશમાં લોકડાઉનની જાહેરાત બાદ સ્વયંભૂ શિસ્ત પાળતા ગ્રામજનો વધુ સતર્ક બન્યા છે. સરપંચ અને ગ્રામ આગેવાનોએ ''કુનરીયા આફત નિવારણ લોકસજ્જતા સમિતિ''ની રચના કરી છે.
લોકોમાં કોરોના વિશે સમજ આવે તે માટે પબ્લિક એનાઉન્સમેન્ટના તમામ સાધનો લાઉડસ્પીકર, ફોન કોલ, મેસેજ પોર્ટલ્સ, સોશિયલ નેટવર્ક, પોસ્ટર અને રીક્ષા દ્વારા સતત અને નિયમિત જાહેરાત કરી જનજાગૃતિ કેળવી હતી. કોરોના વાઇરસથી બચવા શું સાવધાની રાખવી તેની લોકોમાં સમજણ આપવામાં આવી હતી. જાહેર સ્થળો પર પણ લીક્વીડશોપ મુકીને સ્વચ્છતાની પ્રક્રિયા વર્તનમાં લાવવાનો અભિગમ કેળવાયો છે. ગામની તમામ શેરીઓ ટ્રેકટર સાથેના મશીન સાથે સેનીટાઈઝ્ડ કરાઇ છે. ગામમાં ત્રણથી વધુ લોકોએ કોઇ એક જ જગ્યાએ કોઇ વસ્તુ લેવા એકઠા થવું નહી ઉપરાંત આવશ્યક વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ કરવાના નિયમો બનાવી કડકપણે અમલવારી કરવામાં આવી છે.
કુનરીયા ગ્રામપંચાયત લોકડાઉન દરમિયાન આફત નિવારણ અને સજ્જતા સમિતિ દ્વારા સરકારની ગાઇડલાઈન્સની લોકોમાં અમલવારી કરાવી રહ્યું છે. મોં પર માસ્ક, ગમછો કે રૂમાલ ફરજીયાત બાંધવું તેમ સમજાવ્યા છે. તો ગામની બંને બાજુ સ્વયંસેવકો રાખવામાં આવ્યા છે. શાકભાજી અને દૂધવાળા માટે નિયત જગ્યા નકકી કરાઇ છે. ત્રણ સ્વયંસેવકો સવારે ૭થી ૯માં દૂધ વિતરણ અને ૯થી ૧૧માં શાકભાજી વસ્તુઓનું વેચાણ નિયમ સાથે કરાવે છે.
ગ્રામ પંચાયતે કેન્દ્ર અને રાજય સરકારની યોજનાની અમલવારી કરાવવા આફત નિવારણ સમિતિના ૧૧ સભ્યોએ એન.એમ.આર. આશાવર્કર વગેરેથી ડોર ટુ ડોર કોરોના સર્વે કરાવ્યો હતો. વિનામૂલ્યે રાશન વિતરણમાં વોર્ડ પ્રમાણે એન.એફ.એસ.એ.માં સમાવિષ્ટ પરિવારોમાંથી ૧૫ પરિવારોને ૩૦ મીનીટમાં સામાજિક અંતર સાથે રાશન અપાયું. આમ, કુલ ૩૧૬ પરિવારોને સસ્તા અનાજની દુકાનેથી બે વાર વિનામૂલ્યે રાશન આપવામાં આવ્યું હતું.
ગામમાં રહેતા દિવ્યાંગ, નિરાધાર, વિધવા બહેનોને રાશન, દવા કે અન્ય જીવન જરૂરી વસ્તુ તેમને મળી રહે તે જવાબદારી પંચાયતે તકેદારીપૂર્વક ઉપાડી લીધી હતી. અહીં પરપ્રાંતીયો અને નિ:સહાય લોકોને ૧૫ સ્વયંસેવકો જમાડવાની કામગીરી કરે છે. બેંકના સહયોગથી બેંકના સદસ્યોએ ૧૮૯ જેટલા પરિવારોને ગામમાં સ્થાનિકો જ નાણાં ઉપાડી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી.હતી. મીડ ડે મીલમાં પણ બે દિવસમાં જ ટોકન પધ્ધતિથી આફત નિવારણ અને સજ્જતા કમિટીના સભ્યો દ્વારા ૧૪૪ કન્યા અને ૧૩૪ કુમારોને ટોકન વિતરણ કરાયા હતા. ગામમાં દાતાઓના સહયોગથી ૮૭ પરિવારોને એક મહિનો ચાલે તેટલુ રાશન અપાયું છે.
ગામના ખેડૂતોએ પણ પોતાની રાષ્ટ્ર ભાવના દેખાડી, તેમણે જરૂરતમંદ લોકોને મફત શાકભાજી આપી છે. લોકડાઉનમાં શ્રમિકોની રોજગારીનો પ્રશ્ન હતો જેને સ્થાનિક તંત્રના સંપર્ક અને સંકલનથી મનરેગા યોજના હેઠળ વનીકરણ પ્લોટમાં મનરેગા યોજના હેઠળ રોજગારી મેળવી રહ્યા છે. લોકડાઉન દરમિયાન ૩ પરિવારોને હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા જેમની ''ગ્રામ આરોગ્ય સંજીવની સમિતિ'' દ્વારા નિયમિત દેખરેખ વહીવટી તંત્રની આગેવાની હેઠળ રાખવામાં આવી છે.
વૈશ્વિક મહામારી દરમિયાન ગ્રામવાસીઓ પર કોઇ મુશ્કેલી ન આવે તે માટે જિલ્લા વહીવટી તંત્રની માર્ગદર્શિકા હેઠળ શાખા અને આરોગ્ય કેન્દ્રમાં વ્યવસ્થા કરવાનું આયોજન છે. લોકડાઉનમાં હળવી છૂટ અપાશે તો પણ પંચાયત લોકોને સાવચેતી રખાવશે. લોકોને જીવન જરૂરી તમામ ચીજવસ્તુઓ સરળતાથી સતત મળી રહે તેની તકેદારી રાખી આયોજન ગોઠવવામાં આવ્યુ છે.