કચ્છ : પૂર્વ કચ્છના ગાંધીધામમાં એક કરોડથી વધુની લુંટની ઘટના સામે આવી છે. ભર બપોરે PM આંગડિયા પેઢીમાં લૂંટ કરવામાં આવી છે. અંદાજે એક કરોડ રૂપિયા રોકડની લૂંટ થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. હાલમાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરી અલગ-અલગ ટીમ બનાવી ફરાર લૂંટારુઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.
હેલ્મેટ પહેરીને આવેલા ચાર લોકોએ ચલાવી 1 કરોડની લૂંટ :હાલમાં થોડાક દિવસોથી પૂર્વ કચ્છમાં હત્યા, ફાયરિંગ સહિતની ઘટનાઓ વચ્ચે હવે ધોળા દહાડે 1 કરોડની આંગડિયા લૂંટ સાથે પૂર્વ કચ્છ પોલીસને અપરાધીઓ જાણે ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે. પૂર્વ કચ્છમાં ગઈરાત્રે સીનસપાટા પાડવા માટે બનેલી ફાયરિંગની ઘટનાના પડઘા હજુ સમાયા નથી, ત્યાં આજે ગાંધીધામના એ ડિવીઝન પોલીસ વિસ્તારની હદમાં આવતા અને શહેરના મુખ્ય વિસ્તારમાં આવેલા પીએમ આંગડિયા નામની પેઢીમાંથી બપોરે ત્રણ વાગ્યાના અરસામાં હેલ્મેટ ધારી ચાર આરોપીઓ દ્વારા રૂપિયા એક કરોડની લૂંટ થતાં ચકચાર મચી છે.
બપોરના 3 વાગ્યાના અરસામાં આ લૂંટની ઘટના બની છે. હાલમાં પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે. તો CCTV ફૂટેજના આધારે પણ લૂંટારૂઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલમાં CCTVમાં 4 આરોપીઓ હેલ્મેટ પેરીને હથિયાર સાથે લુંટ કરવા આવ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. - મુકેશ ચૌધરી (Dysp)