જિલ્લામાં 600 થી પણ વધુ લોકોને અમૂલ ડેરી પ્રોડક્ટથી ફૂડ પોઈઝનીંગની અસર કચ્છ :જિલ્લામાં અનેક વિસ્તારોમાં ઝાડાના કેસમાં ઉછાળો જોવા મળતા ચિંતાનો માહોલ સર્જાયો છે. દૂધ-દહીં અને છાશ પીવાના કારણે લોકોને ઝાડા થયા છે. શનિવાર અને રવિવારે સપ્લાય કરવામાં આવેલા માલનો ઉપયોગ કર્યા બાદ ઝાડા ઉલ્ટીના કેસ સામે આવ્યા છે. જે સ્થળોએ દહીં અને છાશનો જથ્થો ગયો છે તે સ્થળોએ પેટમાં દુખાવા બાદ ઝાડાની ફરિયાદ સામે આવી હતી.
ફૂડ પોઈઝનીંગ : ફૂડ પોઈઝનીંગની અસરથી ઘણા લોકો ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું હતું. જિલ્લામાં વિવિધ સ્થળોએ 500થી 700 લોકો ફૂડ પોઈઝનીંગના ભોગ બન્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. લોકો બીમાર પડ્યાં હોવાનું બહાર આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. તો ફૂડ પોઈઝનીંગની ઘટનાને ગંભીરતાથી લઈ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 18 જેટલા સેમ્પલ લઈ ટેસ્ટીંગ માટે મોકલ્યા છે. જિલ્લા આરોગ્ય તંત્રે વિભાગના તમામ કર્મચારીઓને સતર્ક કરી દીધા છે.
દૂધ અને દહીંમાં સમસ્યા :આ અંગે કચ્છના અધિક કલેક્ટર મિતેષ પંડ્યાએ માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, માધાપર નજીકના ટ્રેનિંગ સેન્ટરમાં 30 જેટલા લોકોને ફૂડ પોઈઝનીંગની અસર જોવા મળી હતી. તો તે સિવાય અન્ય 20થી 25 લોકોને પણ આવી જ અસર થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તમામ સ્થળોએ દૂધ, છાશ અને દહીંના સેવનથી ફૂડ પોઈઝનીંગ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સેમ્પલ કલેકટ કર્યા છે. જેનો રિપોર્ટ એકથી બે દિવસ આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી :જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ખો૨સીયાએ આ ઘટના અંગે જાણકારી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ખાસ કરીને ભુજ, મુન્દ્રા, રાપર અને ગાંધીધામમાં વધુ કેસ નોંધાયાં છે. હાલમાં તમામ લોકોની તબિયત સુધારા પર છે. દૂષિત દૂધ, દહીં કે છાશ પીવાથી લોકોને ફૂડ પોઈઝનીંગ અથવા ઝાડા ઉલટી થઈ છે. ફૂડ વિભાગ અને આરોગ્ય તંત્રએ વેપારીઓને કડક સૂચના આપી છે. જો કોઈ પણ વેપારીની ગંભીર બેદરકારી જણાઈ આવશે તો તેનું લાયસન્સ રદ્દ કરવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે.
ડેરી પાસે રહેલા આધુનિક મશીનોમાં કંટ્રોલ્ડ સેમ્પલ અને માર્કેટમાંથી પરત મંગાવેલા માલનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. પરંતુ તેમાં કોઈ ખરાબી જોવા મળી નથી અને તે ખાવાલાયક છે. સરહદ ડેરી પણ લોકોના સ્વાસ્થ્યને લઈને સંવેદન છે.-- નિરવ ગુસાઈ (આસિસ્ટન્ટ જનરલ મેનેજર, સરહદ ડેરી)
સત્તાવાર 600 લોકોને અસર :જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન વિભાગના ડેઝીગ્નેટેડ ઑફિસ૨ અમિત પટેલે જિલ્લામાં જુદા જુદા સ્થળોએથી ફૂડ પોઈઝનીંગની ફરિયાદ આવતા સેમ્પલ લેવાનું શરૂ કર્યું હતું. જિલ્લાના વિવિધ 18 સ્થળથી સેમ્પલ મેળવી ટેસ્ટીંગ માટે મોકલ્યા છે. તેનો ફાઈનલ રિપોર્ટ એકથી બે દિવસમાં આવી જશે. છેલ્લા બે દિવસથી સમગ્ર જિલ્લામાં સોશિયલ મીડિયામાં આ ઘટનાના વિડીયો વાયરલ થયો હતો. આરોગ્ય વિભાગે 600 જેટલા લોકો બીમાર પડ્યાં હોવાનો આંકડો આપ્યો છે. પરંતુ ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવનાર અને ઘરેલુ ઉપચાર કરનાર દર્દીઓની સંખ્યા પણ હોઈ શકે. જેથી આંકડો ઘણો વધુ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
ડેરી સંસ્થાનો ખુલાસો : આ અંગે સરહદ ડેરીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર નિરવ ગુસાઈએ ખુલાસો આપ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, સરહદી જિલ્લા કચ્છમાં અમૂલની વિવિધ પ્રોડક્ટનું પેકિંગ અને વિતરણ સરહદ ડેરીના ચાંદ્રાણી ખાતે આવેલા પ્લાન્ટમાં છેલ્લાં થોડાં સમયથી થઈ રહ્યું છે. સરહદ ડેરી છેલ્લા 14 વર્ષથી અહીં કાર્યરત છે. ડેરીના છાશના પેકેટમાં કોઈ ફરિયાદ આવેલી નથી. છેલ્લા બે દિવસમાં અમારી પાસે આ મામલે માંડ ત્રણ ચાર ફરિયાદો આવી છે. જેમાં દહીંનું સેવન કર્યું હોવાનું જાણવા મળતા અત્યાર સુધીમાં 131 કિલોગ્રામ દહીંનો જથ્થો માર્કેટમાંથી પાછો લઈ લેવામાં આવ્યો છે.
- Junagadh News: બી એ પી એસ સ્વામિનારાયણ સંસ્થા આવી લોકોના વ્હારે, અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ મોકલવાની કામગીરી શર
- Jamnagar News: જામનગરની આણદાબાવા શૈક્ષણિક સંસ્થાના 8 બાળકોને ફૂડ પોઈઝનીંગ