કચ્છ : ભુજમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા 17મી એપ્રિલથી 26 એપ્રિલ સુધી ભવ્ય નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ મહોત્સવમાં દેશ વિદેશથી લોકો નોકરી, ધંધો છોડીને મહોત્સવ માટેની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે નૈરોબીમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ રસીલાબેન વેકરીયા મહોત્સવની તૈયારીમાં જીવનમાં પ્રથમ વખત ગોબરથી લીંપણ કામ કરી રહ્યાં છે.
દેશ વિદેશમાંથી આવતા ભક્તો : ભુજની ભાગોળે 250 એકરમાં નરનારાયણ દેવના 200 વર્ષ પૂર્ણ થતાં કચ્છમાં પ્રથમ વખત ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે છેલ્લા 3 મહિનાથી તડામાર તૈયારી શરૂ કરી દેવાઈ છે. દેશ વિદેશથી સેવા કરવા માટે હરિભક્તો છેલ્લા 2-3 માસથી નોકરી-ધંધો છોડી ભુજ આવ્યા છે. આ દ્વિશતાબ્દી મહોત્સવ 9 દિવસ ચાલશે. જેની હાલમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. મહોત્સવ પ્રારંભ થવાની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સેવા માટે આવેલા હરિભક્તોની સંખ્યા, આનંદ અને ઉત્સાહમાં વધારો થઈ રહ્યો છે. દેશ વિદેશમાંથી અંદાજે 40 લાખ જેટલા હરીભક્તો મહોત્સવમાં આવશે.
15,000 જેટલા કાર્યકરોની સેવા :નરનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી માટે સેવાનો લાભ લઈને જીવનને ધન્ય બનાવી દેવાની સાથોસાથ મહંત સ્વામી તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના આશીર્વાદ લેવા માટે હરિભક્તો નોકરી ધંધો છોડી સેવામાં લાગી ચૂક્યા છે. મહોત્સવમાં ભાગ લેનારા હરિભક્તો માટે રહેવા, જમવા તેમજ મહોત્સવ સ્થળ પર દરેક વ્યવસ્થા પૂરી પાડવા 15,000 જેટલા કાર્યકરો દિવસ રાત એક સાથે કામ કરી રહ્યા છે. દેશ ઉપરાંત હાલમાં લંડન, સાઉથ આફ્રિકા, કેન્યાથી આવેલા અનેક હરિભક્તો પણ આ સેવાયજ્ઞમાં જોડાયા છે.
આ પણ વાંચો :Kutch News : આ તારીખથી ભુજમાં યોજાશે નરનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ, પીએમ મોદીને આમંત્રણ અપાયું