કચ્છ :જિલ્લા સોના ચાંદી મહામંડળ દ્વારા સોના ચાંદીના દાગીનાઓ માટે એકઝીબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એકઝીબિશનમાં ભારતના જુદાં જુદાં રાજ્યો અને ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી જથ્થાબંધ બજારના સોના ચાંદીના વેપારીઓ અવનવા ડીઝાઈન સાથે અહીં આવ્યા હતા. મોંઘવારીના સમયમાં ઓછા વજનમાં સારી મોટી આકર્ષક ડીઝાઈન પણ મેળવી શકાય છે. તેવા ઉદ્દેશ્ય સાથે આ એકઝીબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
60 જેટલા સ્ટોલ :કચ્છ જિલ્લા સોના ચાંદી મહામંડળના પ્રમુખ હીરાલાલ સોનીએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી કચ્છના સોના ચાંદીના વેપારીને આવા એક્ઝિબિશનથી ફાયદો મળે છે. આ સેમિનારમાં મુંબઈ, દિલ્હી, અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ગુજરાતમાંથી સોના ચાંદીના હોલસેલ વેપારીઓના જુદા જુદા 60 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. જેમાંથી 7 જેટલા સ્ટોલ કચ્છના વેપારીઓના છે.ઉપરાંત દાગીના માટેના ઉચ્ચ સિક્યુરિટી ધરાવતા લોકર પણ રાખવામાં આવ્યા હતા. સાથે જ વેપારીઓને સોના ચાંદી પરીક્ષણ માટેની મશીનરી અંગેની માહિતી સાથે માહિતગાર કરવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ડિઝાઇન પ્રદર્શનમાં :ઉલ્લેખનીય છે કે, હાલમાં સોનાનો ભાવ 61,000 જેટલો પહોંચ્યો છે, ત્યારે લોકો સોનાની ખરીદી કરી શકે તે માટે દાગીનામાં ઉભાર મોટો હોય અને વજન ઓછું હોય એવી ગ્રાહકોની માંગ વધી રહી છે. આવા એક્ઝિબિશનથી વેપારીઓ અને ગ્રાહકો બન્નેને ફાયદો થશે. આ એક્ઝિબિશનમાં મોટા મોટા ઉત્પાદકો છે, મોટા હોલસેલર છે અને જે પ્રોડક્શન કરે છે તેમના પણ સ્ટોલ છે. લેટેસ્ટ ડિઝાઇન પણ પ્રદર્શનમાં મૂકેલી છે. જેમાં ભગવાનની મૂર્તિઓ, બ્રેસલેટ, સોનાનો બારીકાઈથી ડીઝાઈન કરેલા હારો, અવનવી મોટી વીંટીઓ અને રોઝ ગોલ્ડના દાગીનાઓએ આકર્ષણ જમાવ્યું છે.