ગુજરાત

gujarat

ETV Bharat / state

Kutch Fire News : બન્નીના ઘાસિયા મેદાનોમાં 15 કિલોમીટર વિસ્તારનું ઘાસ આગમાં સ્વાહા, પશુઓનો ઘાસચારો હોમાયો - ભુજ ફાયર વિભાગ

કચ્છમાં બન્નીના ઘાસિયા મેદાનોમાં શુક્રવારે રાત્રે ભયંકર આગ લાગી હતી. ભૂજ ફાયર વિભાગની 20 કલાકની મહેનતના પગલે આગ કાબૂમાં આવી છે પરંતુ પશુઓના ઘાસચારા આગમાં હોમાતાં માલધારીઓને મોટું નુકસાન થયું છે.

Kutch Fire News : બન્નીના ઘાસિયા મેદાનોમાં 15 કિલોમીટર વિસ્તારનું ઘાસ આગમાં સ્વાહા, પશુઓનો ઘાસચારો હોમાયો
Kutch Fire News : બન્નીના ઘાસિયા મેદાનોમાં 15 કિલોમીટર વિસ્તારનું ઘાસ આગમાં સ્વાહા, પશુઓનો ઘાસચારો હોમાયો

By

Published : Jun 3, 2023, 3:21 PM IST

માલધારીઓમાં ચિંતા

કચ્છ : એશિયાના સૌથી મોટા ગ્રાસલેન્ડમાં શુક્રવારના મોડી રાત્રિએ આગ લાગી હતી. આ આગ પવનના કારણે આસપાસના વિસ્તારમાં 15 કિલોમીટર દૂર સુધી ફેલાઈ ગઈ હતી. ભુજ ફાયર વિભાગની ભારે જહેમત બાદ 20 કલાક બાદ આ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો, પરંતુ આ આગમાં પશુઓને ઉપયોગી એવા ઘાસચારાને ભારે માત્રામાં નુકસાન થયું છે અને ઘાસચારો બળીને ખાક થઈ ગયો છે.

પશુઓનો ઘાસચારો હોમાયો : સરહદી જિલ્લા કચ્છના સરહદી વિસ્તાર બન્ની વિસ્તારમાં જ્યાં ઘાસિયા મેદાન આવેલા છે તે ઘાસિયા મેદાનમાં આગના ગોટા ઉઠતા માલધારીઓમાં ભારે દોડધામ મચી ગઇ હતી. બન્નીના મીઠડી અને ઝિંકડી ગામ વચ્ચેના 15 કિલોમીટર સુધીના વિસ્તારમાં એક દિવસ અગાઉ મોડી રાત્રિએ આગ ફેલાઇ જતાં પશુઓને ચરવા માટે ઉપયોગી એવું ઘાસ બળીને ખાક થઈ ગયું હતું.

માલધારી વર્ગમાં ચિંતા : આગ પર કાબૂ મેળવવા માટે સ્થાનિક માલધારી લોકોએ પણ તમામ રીતે આગ બુઝાવવા મથામણ કરી હતી. તો આગના કારણે બન્ની વિસ્તારના પશુઓ માટેનો ઘાસચારો સળગીને ખાક થયો હતો. પરિણામે પશુપાલન પર નિર્ભર માલધારી વર્ગમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે બન્ની વિસ્તારમાં અમુક લોકો કોલસાનું ઉત્પાદન પણ કરતા હોય છે ત્યારે અવારનવાર આગના બનાવો બનતા રહે છે.

બન્ની વિસ્તારમાં 15 કિલોમીટરમાં ફેલાયેલ આગને કાબૂમાં લેવા માટે ભુજ ફાયર વિભાગની બે ગાડીઓ તેમજ ધોરડો પાસે આવેલ ખાનગી કંપનીના ફાયર ફાયટર સાથે સ્થાનિક લોકોએ ભારે જહેમત લીધી હતી. ફાયર ફાયટરોએ સતત પાણીનો મારો ચલાવ્યો હતો. અંતે 20 કલાકની મહેનત બાદ ફાયર વિભાગના કર્મચારીઓ ભગતસિંહ જાડેજા, યશપાલસિંહ વાઘેલા, સત્યજીતસિંહ ઝાલા, પરાગ જેઠી, પ્રદીપ ચાવડા, કરણ જોશી તથા ટ્રેની સ્ટાફ નરેશ દ્વારા આ આગ પર કાબૂ મેળવવા આવ્યો હતો. આગના કારણે લહેરાતો ઘાસચારો અને આસપાસના વૃક્ષ બળીને ખાક થયા હતાં...યશપાલસિંહ વાઘેલા (ભુજ ફાયર વિભાગ અધિકારી)

બન્ની ઘાસિયા મેદાનોમાં 56 પ્રકારનું ઘાસ :બન્નીના 3847 ચોરસ કિલોમીટરમાં ઘાસિયા મેદાનો લહેરાય છે. કચ્છનો બન્ની વિસ્તાર કે જે ઘાસિયા મેદાન તરીકે જાણીતો છે તો અહીં એશિયાની સર્વશ્રેષ્ઠ ઘાસિયા ભૂમિ છે. કારણકે આ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં ઘાસ જ ઘાસ જોવા મળે છે. વિશ્વમાં બન્ની જેવો ઘાસિયા પ્રદેશ ક્યાંય નથી. અહીં 56 પ્રકારના ઘાસોનુ ઉત્પાદન કરવામાં આવે છે. બન્નીના ઘાસિયા મેદાનો લગભગ 3847 ચોરસ કિલોમીટરમાં પથરાયેલ છે. ગત ચોમાસાની લાંબી મોસમ દરમ્યાન મેઘરાજા મનમૂકી મહેરબાન થયા પછી બન્નીના ઘાસિયા મેદાનોમાં પુષ્કળ માત્રામાં ઘાસ લહેરાઇ રહ્યું હતું. પરંતુ આગ લાગતા મોટા પ્રમાણમાં ઘાસચારો બળીને ખાક થઈ ગયું છે.

  1. કચ્છમાં બન્નીના ઘાસિયા મેદાનમાં ગાંડા બાવળને દૂર કરી દેશી વનસ્પતિ ઉગાડવામાં આવશે
  2. કચ્છના ઘાસિયા મેદાનમાં ઉગે છે 53 પ્રકારના ઘાસ !
  3. જૂઓ ડ્રોનની નજરે બન્નીનું ઘાસિયું મેદાન, કચ્છના બન્ની વિસ્તારમાં ગ્રાસલેંડ મેનેજમેન્ટ માસ્ટર પ્લાનનો અમલ શરુ

ABOUT THE AUTHOR

...view details