કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ મુખ્યપ્રધાનને ખુલ્લો પત્ર લખ્યો છે કે, જિલ્લામાં તમામ ગામોમાં ગ્રામ્ય સ્તરે રોજગારીનું નિર્માણ થાય તેવા કાર્યો શરૂ કરવામાં આવે. સાથે-સાથે કેશ ફોર અને ફૂડ ફોર વર્ક અભિયાન ચલાવવા તેમજ પીવાના પાણીની અછત દૂર કરવામાં આવે તેવી પણ વાત કરી છે. અહીંના તમામ ડેમો તળિયા ઝાટક છે, નાના મધ્યમ તથા મોટા જળાશયોને ત્વરિત ભરાય તે માટે કામગીરી કરવાની રજૂઆત કરવામા અવી છે. તેમજ નર્મદાની કેનાલો તૂટી છે, તેને રિપેર કરી અને જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તેવી પણ ભલામણ કરી છે.
કચ્છમાં પાણીની અછતને લઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો, દુ:ખમાં સહભાગી થવા આહ્વાન - Gujarati news
કચ્છઃ જિલ્લામાં અડધો અષાઢ મહિનો વિતવા છતાં પણ હજૂ સુધી મેઘરાજાની પધરામણી થઈ નથી, ત્યારે કચ્છના લોકો વરસાદને લઈ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોઈ ત્યારે તેમની આવી કપરી હાલત જોઈ કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ મુખ્યપ્રધાનને પત્ર લખીને રજૂઆત કરી છે કે, રાજય સરકારે જાહેરાતો કરવાની જગ્યાએ લોકોના દુઃખમાં સહભાગી થવુ જોઈએ.
ઉપરાંત પિયત ખેતી ધરાવતા ખેડૂતો મુશ્કેલીમાં તો છે જ, પરંતુ વરસાદ આધારિત ખેતી પર નભતા ખેડૂતો માટે આજીવિકાની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. આવા સંજોગોમાં ખાસ પેકેજ આપવા, સુજલામ સૂફલામ યોજનામાં કરોડો ખર્ચાયા બાદ જળ સંચય અને સંરક્ષણના નામે કામગીરી શૂન્ય છે. ત્યારે યોજનાઓમાં ભ્રષ્ટાચાર આચરનારા અધિકારીઓ સામે પગલા ભરવા, ઢોરવાડા-ગૌશાળાઓમાં પશુઓનો નિભાવ થઈ રહ્યો છે, તેમાં ચૂકવણાની પદ્ધતિ ઝડપી બનાવવા માંગ કરી છે.
કચ્છના દરિયાનું પાણી મીઠું કરી પીવાના પાણીની તંગી કાયમ દૂર કરવાની પણ એક સમયે વાત થઈ હતી. આ બાબતે વોટર ડિસેલિનેશન પ્લાન્ટ ખરેખર ક્યારે શરૂ થશે તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો છે. સરહદી આ જિલ્લામાં વધુ હિજરત ન થાય તે માટે ખુલ્લો પત્ર ધ્યાને લઈ કચ્છના હિતમાં યોગ્ય કરવા અને પ્રત્યુત્તર આપવાની માંગ કરી હતી.