ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છની ખારેકની વિદેશોમાં પણ માગ, અંદાજે 300 કરોડનું માર્કેટ વિદેશોમાં ધૂમ મચાવશે - abroad

કચ્છઃ બંજર ભૂમિમાં તુર્કિસ્તાનથી આવેલી ખારેક આજે કચ્છની બાગાયતી ખેતીમાં અગ્રસ્થાન ધરાવે છે. ધીમે-ધીમે અગ્રસ્થાને પહોંચેલી ખારેકનું અંદાજે 300 કરોડનું માર્કેટ આગામી બે માસમાં આ ફળ દેશ-વિદેશમાં ધુમ મચાવશે. જેમ ગીરની કેસર કેરીએ કેરીની બજારમાં સર્વોચ્ચ સ્થાન મેળવ્યું છે. તેમ કચ્છની ખારેકનું ઉત્પાદન આ વર્ષે સાનુકુળ વાતાવરણના કારણે સારું થાય તેવી સંભાવનાને પગલે કચ્છના ખેડુતો ખુશ છે.

ખારેક

By

Published : Jul 11, 2019, 9:33 PM IST

કચ્છના બાગાયત નિયામક ડૉ. ફાલ્ગુને કહ્યું હતું કે, ખેડૂતો જાતે સીધું વેચાણ કરે અથવા સંગઠિત બનીને બ્રાન્ડિંગ કરે તો, કચ્છી મેવાના આકર્ષક ભાવ મળી શકે તેમ છે. ખારેક પર મળતી સબસિડી અને વાવણીખર્ચ જેવા સરકાર તરફથી મળતા લાભો લેવાની સાથોસાથ ખારેકનાં ફળની યોગ્ય માવજત, ફિનિશિંગ કરવા જેવી ઉપયોગી સલાહો લેવી જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

કચ્છની ખારેકની વિદેશોમાં માંગ વધી

આપણા રણપ્રદેશની અનુકૂળ આબોહવામાં પાકતી ખારેકનાં ઉત્પાદનની સાથોસાથ ગુણવત્તા પણ સુધરી છે. ખારેકનું ભાવિ સારું છે, પરંતુ તેની વ્યાપક પ્રસિદ્ધિ, માર્કેટિંગની તાતી જરૂર છે. કચ્છના કર્મઠ કિસાનો, કુશળ વેપારીઓએ દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, બેંગ્લોર, હૈદરાબાદ અને ખાસ કરીને તામિલનાડુના લોકોની દાઢે ખારેકનો સ્વાદ વળગાડ્યો છે. કચ્છના આ સુકા મેવાની માંગ વિદેશોમાં પણ વધી છે અને તેથી કચ્છી ખારેકની શરૂઆત થતાં જ મુંબઈથી ખાસ વેપારીઓ કચ્છ આવીને ખેતરના ખેતરનો પાક વેચાતો લઈને તેને મુંબઈ લઈ જઈને નિકાસ પણ કરે છે.

કચ્છમાં ખારેકના કુલ ઉત્પાદનના 50 ટકા ખારેક તુરા સ્વાદવાળી હોય છે. આવી ખારેકની ગુણવત્તા સુધારવા માટે પ્રોસેસિંગનું સૂચન થઈ રહ્યું છે. 3 હજાર TDS વાળાં પાણીમાં પણ પાકી જતી ખારેકની થોડી વધુ માવજત થાય તો, ધાર્યા ભાવ મેળવી શકાય છે. કચ્છમાં બારહીના આઠ હજાર અને દેશી ખારેકના 10થી 12 હજાર ઝાડના મળીને કુલ્લ 20 લાખ વૃક્ષો છે. જેમાં મબલખ ઉત્પાદન થવાનો એક અંદાજ મળી રહ્યો છે.

કચ્છમાં મુંદરા અને અંજાર ખારેકના ગઢ ગણાય છે, જો કે પાછળથી ભુજ, માંડવી, ભચાઉ, કુકમા સહિત વિવિધ ભાગોમાં વાવેતર થવા લાગ્યું છે. કચ્છનું કલ્પવૃક્ષ કહો છે, કચ્છી મેવો, ખારેક બજારમાં આવવાની શરૂઆત થઈ ચુકી છે. આ વર્ષે દોઢ ગણું ઉત્પાદન થવાની શકયતા છે. તુર્કિસ્તાનથી આ ફળ જ્યારે કચ્છ પહોંચ્યું ત્યારે માત્ર ખેતરની વાડ નક્કી કરવા શેઢા પર તેની વાવણી થતી હતી પણ આજે આ તેનું માર્કેટ 300 કરોડ રૂપીયાનું થઈ ગયું છે. તેથી કચ્છમાં 18 હજાર હેક્ટરમાં 20 લાખથી વધુ વૃક્ષો છે. આ વર્ષે દોઢ લાખ ટનથી વધુ ખારેકનું ઉત્પાદન થવાની ધારણા છે. તદ્ઉપરાંત કચ્છના આટલા મોટા ઉત્પાદનને કારણે હવે ખારેકની સુકી કરીને ખજુર બનાવવાની યોજના પણ આકાર લઈ રહી છે. જો આ યોજના આકાર થશે તો આગામી દિવસોમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી આયાત થતી સુકી ખારેક અને ખજુરની ભારતની માગ પણ કચ્છ પુરી કરી શકશે.

ABOUT THE AUTHOR

...view details