કચ્છ : ભુજ પહોંચેલા દશાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો સાથે સર્કીટ હાઉસ ખાતે બેઠક કરી હતી. ત્યારબાદ ભુજના લોરિયાગામથી જિલ્લાના વિવિધ છેવાડાના ગામોનો પ્રવાસ શરૂ કર્યો હતો.
કચ્છમા નુકસાનીનો સર્વે કરવા કોંગ્રેસે શરૂ કર્યો પ્રવાસ, ધારાસભ્ય નૌશાદ સોંલકીએ સરકાર પર આક્ષેપ કર્યા - congress team Kutch
કચ્છમાં ભારે વરસાદને પગલે ખેડૂતો અને ગરીબ વર્ગના લોકોને પડેલી મુશ્કેલીઓની જાત માહિતી માટે કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી અને જિલ્લા કોંગ્રેસના આગેવાની ટીમે જિલ્લાનો પ્રવાસ શરૂ કર્યો છે. સંવેદનના નામે રાજય સરકાર લોકોના મતનું રાજકરણ રમી રહી છે, તેવા આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા તત્કાલ રીતે ખેડૂતોને સહાય સહિતની માંગ મૂકીને જો સરકારી તેમાં ચૂક કરશે તો આગામી સમયમાં કોંગ્રેસ ગાંધી ચિંધ્યા માર્ગે આક્રમક બનશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ હતી.

આ અંગે નૌશાદ સોલંકીએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કચ્છમાં ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને કચ્છના છેવાડા અને અંતરિયાળ ગામોમાં ગરીબોને મોટી હાલાકી ઉભી થઈ છે. જેમાં ખેડૂતોના ઉભા પાક નિષ્ફળ ગયા છે. કચ્છના નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકામાં સૌથી વધુ નુકસાનીના સમાચાર છે. આવી સ્થિતિમાં રાજય સરકાર લોકોની મદદમાં ઉણી ઉતરી રહી છે. તેમને લોકોના મતની પરવા છે, લોકોની જરા પણ પરવા નથી. રાજકારણ રમી રહેલા લોકો એસી ચેમ્બરમાં બેસીને આંકડાઓ અને આભાસી ચોપડાઓ બતાવી રહ્યા છે. જેને પગલે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની સૂચનાથી આ ટીમે કચ્છનો પ્રવાસ કરવાનું શરૂ કર્યુ છે.
આ મુલાકાત બાદ તમામ અભ્સાય સાથે સરકાર સમક્ષ લોકોનો અવાજ પહોંચાડીશું. તેમજ સંવેદનાના નામે સરકાર જો સહાય આપવામાં ઉણી ઉતરશે, તો આગામી સમયમાં કોગ્રેસ પક્ષ ગાંધી ચિંધ્યા માર્ગે આક્રમક બનશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ હતી.