કચ્છઃકોઈ પણ રાજ્ય કે દેશના વિકાસમાં પ્રવાસનની ભૂમિકા મહત્વની હોય છે. ત્યારે હવે જી20 સમિટ અંતર્ગત ધોરડો ખાતે ટૂરિઝમ વર્કિંગ ગૃપની પ્રથમ બેઠક યોજાઈ હતી. વિકાસમાં પ્રવાસનની ભૂમિકાનો ઉલ્લેખ કરતા મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, દેશ અને વિશ્વની જીડીપીમાં પ્રવાસનનું મહત્ત્વનું યોગદાન છે. આપણે ગુજરાતને સમૃદ્ધ અર્થવ્યવસ્થા બનાવવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યા છીએ. ટૂરિઝમ વર્કિંગ ગૃપની આ બેઠકમાં વિવિધ દેશો અને સંગઠનોના પ્રતિનિધિઓ દ્વારા પ્રવાસન ક્ષેત્રના વિવિધ પડકારો અને વિકાસ પર સમૂહ ચિંતન અને મનનથી પ્રવાસન ક્ષેત્રને નવી દિશા અને ઊર્જા મળશે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચોG20 Summit: સ્વાગતમાં પણ સંસ્કૃતિ, ડેલીગેટસનું કેમલ સફારી અને કચ્છી સંસ્કૃતિની ઝાંખીથી કરાયું વેલકમ
તૂર્કીમાં આવેલા વિનાશક ભૂકંપને યાદ કરીને સંવેદના વ્યક્ત કરીઃમુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, નવી પ્રવાસન નીતિ અંતર્ગત્ રાજ્યમાં પ્રવાસનના વિકાસની સાથેસાથે પર્યાવરણ સમૃદ્ધિનો એક વિશિષ્ટ દ્રષ્ટિકોણ અપનાવવામાં આવ્યો છે. કચ્છમાં 2 દાયકા પહેલા આવેલા ભૂકંપને યાદ કરતા મુખ્યપ્રધાને હાલમાં જી20ના ગૃપના સભ્ય દેશ એવા તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપને યાદ કરીને, મૃતકો તેમ જ તૂર્કીવાસીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, કચ્છના ભૂકંપમાં અનેક લોકોના મૃત્યુ થયા હતા અને હજારો ઘર ધ્વસ્ત થઈ ગયા હતા, પરંતુ તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અથાગ પ્રયત્નો, દૂરદર્શિતા અને માર્ગદર્શનના પરિણામે કચ્છ ફરી બેઠું થયું અને વિકાસના માર્ગ પર આગેકૂચ કરી રહ્યું છે.
સ્મૃતિ વન ગ્રીન ટૂરિઝમનું ઉદાહરણઃટૂરિઝમ વર્કિંગ ગૃપની પ્રાથમિકતાઓનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, 5માંથી 1 પ્રાથમિકતા ગ્રીન ટૂરિઝમ છે. કચ્છમાં વિનાશક ભૂકંપની યાદમાં નિર્મિત સ્મૃતિ વન ગ્રીન ટૂરિઝમનું ઉદાહરણ છે. આ સ્મૃતિ વનમાં પચાસ ચેકડેમ અને 3 લાખથી વધુ છોડના વાવેતરથી ગ્રીન ટૂરિઝમને નવી દિશા મળી છે. રાજ્યમાં આવેલા પ્રવાસન સ્થળોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, ગુજરાતના હડપ્પાનું ધોળાવીરા, ચાંપાનેર, ઐતિહાસિક શહેર અમદાવાદ અને પાટણની રાણીની વાવને યૂનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રવાસનની વિવિધતાઓથી ભરેલું ટૂરિઝમફ્રેન્ડલી રાજ્ય છે. પ્રવાસનના વિકાસ માટે રાજ્યમાં ગાંધી સર્કિટ, બૌદ્ધ સર્કિટ અને વિવેકાનંદ સર્કિટ પણ વિકસિત કરવામાં આવી રહી છે.