આ વર્ષે વરસાદના અછતની વન્યજીવનના અસ્તિત્વ પર જોખમ ઊભું થયું છે. ઘાસચારાના અભાવે પશુપાલકો પરેશાન અવે ખેતીવાડી સૂની-સૂની દેખાઇ રહી છે. આવી પરિસ્થિતિમાં કચ્છમાં મધ ઉત્પાદન ઉપર પણ ભારે ફટકો પડયો છે.
સમગ્ર રાજયને 90 ટકા મધ આપતું કચ્છ આ વર્ષે નામ પૂરતું ઉત્પાદન પણ આપી નહી શકે. સરહદી કચ્છ જિલ્લામાં કુદરતી ખોળે ઉછરતી એપીસ ફ્લોરિયા નામની મધમાખી દ્વારા મધનું ઉત્પાદન થાય છે. જિલ્લા વનવિકાસ નિગમ લિ.દ્વારા દર વર્ષે આ મધમાખીની જાત દ્વારા 1 હજાર કિવન્ટલ મધનું ઉત્પાદન કરવામાં આવે છે.
મધ ઉત્પાદન ઉપર ભારે ફટકો,દુષ્કાળના કારણે સર્જાઇ સ્થિતી મધ ઉત્પાદન ક્ષેત્રે બન્ની અને પાવરપટ્ટી વિસ્તાર ભારે પ્રખ્યાત છે. પરંતુ આ વર્ષે વિસ્તાર જ નહીં સમગ્ર કચ્છમાંથી મધ ઉત્પાદન પર ભારે ફટકો પડયો છે. કચ્છમાં સામાન્ય રીતે હોળીના તહેવાર બાદ 18 માર્ચથી લઇ 20મી એપ્રિલ સુધી મધ ઉત્પાદનનો મુખ્ય સમયગાળો ગણવામાં આવે છે. આ વર્ષે મોટાભાગનો સમયગાળો પૂરો થવા છતાં વનવિકાસ નિગમ પાસે 1 કિલો પણ મધ પહોંચ્યું નથી. જે એક ચિંતાજનક બાબત માનવામાં આવે છે.
નિરોણાના ખમીશાભાઇ વાઢાનો પરીવાર દાયકાઓથી મધ ઉત્પાદનમાં જોડાયેલો છે. તેેમના કહેવા મુજબ હાલનો સમય મધ એકત્ર કરવાની ભરપૂર મોસમ ગણાય છે. સવારથી મોડી સાંજ સુધી સૂકાભઠ્ઠ સીમાડામાં ભારે રઝળપાટ પછી પણ મધપૂડાં જોવા મળતાં નથી. ક્યાંક-ક્યાંક નાના કદના મધપૂડાં છે. તો તેમાં મધ નથી. જેને લઇ ભારે નિરાશા સાથે ખાલી હાથે પાછા ફરવું પડતાં રોજગારી પણ પડી ભાંગી છે.
સીમાડામાં મધનો બિલકુલ અભાવ પહેલી વખત નજરે ચડયો છે. કુદરતી જંતુ મધમાખી વિવિધ વનસ્પતિના પુષ્પ રસ ઉપર નિર્ભર રહે છે. છેલ્લા દોઢેક દાયકાથી કચ્છમાં અનિયમિત વરસાદ તેમજ ભૂતળ ઊંડું જઇ ક્ષારયુક્ત બન્યા પછી ખેતી પર મોટી અસર સર્જાશે. અહીંના ખેડૂતો મુખ્યત્વે બાગાયતી ખેતી તરફ વળ્યા છે. તેમાં પણ ખારાં-મોળાં પાણી દાડમની ખેતીને માફક આવતા મોટાભાગના વિસ્તારોમાં દાડમની ખેતી વ્યાપક બની છે. જે પાકની માવજત બાદ મબલક ઉત્પાદન મેળવવા રાસાયણિક દવાઓનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે.
દાડમના ફળ પહેલાં ફૂલોની મોસમ દરમિયાન જંતુનાશક દવાઓના ભારે છંટકાવને લઈ મધમાખી જેવી દાડમના ફૂલોમાં ચૂંભા (મધ ચૂસવા) માટે જતા ઝેરી દવાની અસરને લઈ ત્યાં જ મૃત્યુ પામે છે. આમ દાડમની ખેતીએ મધના ઉત્પાદન પર ભારે ખતરો પેદા કર્યો છે. વળી ગત ચોમાસામાં કચ્છમાં નહિવત વરસાદને પગલે સીમાડાના જળસ્ત્રોતના તળીયા આવી જતાં પાણીના અભાવમા કારણે પણ મધ ઉત્પાદન પર અવળી અસર થઈ છે. શિયાળાની શીત મોસમ પછી ઉનાળાની શરુઆતમાં ઝાકળનું પ્રમાણ ખૂબ જ ઓછુ હોવાથી મધના ઉત્પાદન પર તેની સીધી અસર થઇ હોવાનું પણ જાણકારો માને છે.