કચ્છ - આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટેની ચૂંટણી યોજાવાની છે. ત્યારે અત્યારથી જ તમામ પક્ષો પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને એડીચોટીનું જોર લગાવીને પોતાના પક્ષના ઉમેદવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે એવા પ્રયત્નો કરવા લાગ્યા છે. તમામ પક્ષકારો પોતાના પક્ષના રાજકીય નેતાઓના મારફતે વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ ગોઠવીને મતદારોને પોતાના પક્ષના ઉમેદવારને મત આપવા રીઝવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે.કચ્છની ગાંધીધામ (SC) વિધાનસભા બેઠક કચ્છ જિલ્લાની અતિ મહત્વની છે અને (SC) એટલે દલિત ઉમેદવાર માટે અનામત બેઠક છે. આ બેઠક વર્ષ 2008ના નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી હતી. વર્ષ 2008ના નવા સીમાંકનમાં મુંદ્રા એસ.સી બેઠક રદ થઈ અને ગાંધીધામ એસ.સી. બેઠકની રચના થઈ હતી.આ બેઠક પર તમામ રાજકીય પક્ષોએ ફરજીયાત પણે અનુસૂચિત જાતિના ઉમેદવારને જ મેદાનમાં ઉતારવા પડશે. જેના પગલે ઉમેદવારની પસંદગીનો વ્યાપ ઘટશે.
કચ્છ વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી: સરહદી જિલ્લા કચ્છની વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લામાં વિધાનસભા બેઠકની 6 સીટો છે. જેમાં કચ્છના પાટનગર ભુજ, પશ્ચિમ કચ્છના માંડવી-મુંદ્રા, અબડાસા તથા પૂર્વ કચ્છના ગાંધીધામ, અંજાર અને રાપર ખાતે વિધાનસભાની બેઠકો છે.આમ તો વર્ષોથી કચ્છ છે તે ભારતીય જનતા પાર્ટીની ગઢ ગણાય છે. ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર હાલ 5 બેઠકો પરના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે જ્યારે 1 સીટ પર કોંગ્રેસના ધારાસભ્ય છે.વિધાનસભા બેઠકના મતદારોની જો વાત કરીએ તો કચ્છ જિલ્લામાં વિધાનસભાની 6 બેઠક પ્રમાણે છેલ્લી 5/01/2022ની યાદી મુજબ મતદારોની સંખ્યા ગાંધીધામ મતવિસ્તારની વિધાનસભા સીટ માટે કુલ 3,11,574 મતદારો છે. જે પૈકી 1,65,494 પુરુષ મતદારો છે જ્યારે 1,46,074 મહિલા મતદારો અને 6 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. ગાંધીધામને કચ્છનું આૈદ્યોગિક કે આર્થિક પાટનગર કહેવાય છે. વસતી અને વિસ્તારની દ્રષ્ટિએ ગાંધીધામ કચ્છનું સૌથી મોટું શહેર છે.
શહેરની સ્થાપના બાદ જ અહીંના કંડલા બંદરનો વિકાસ - કરાચી બંદર પાકિસ્તાનમાં ચાલ્યું ગયું હતું અને દેશને વિદેશથી આયાત-નિકાસમાં કોઇ જાતનો ફરક ન પડે અને કરાચી બંદરની ખોટ પુરી શકાય એ હેતુથી કંડલાનો વિકાસ સાથોસાથ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે કંડલા ભારતનું પ્રથમ હરોળનું કાર્ગો હેન્ડલીંગ કરતું વૈશ્વિક બંદર બની ગયું છે. કંડલાના બંદરનો મહતમ ઉપયોગ થઇ શકે એ હેતુથી જ અહીં દેશનું સર્વપ્રથમ એવું મુક્ત વ્યાપાર કેન્દ્ર (ફ્રી ટ્રેડ ઝોન) પણ સ્થાપવામાં આવ્યું હતું. જે છેક 90ના દાયકા સુધી રોજગારીનું મહત્વનુ઼ કેન્દ્ર રહ્યું હતું. પરંતુ, યુ.એસ.એસ.આર. (રશિયા) ના પતન પછી અહીં રોજગારીને માઠી અસર પહોંચી હોવાનું જણાવાય છે.આજે ગાંધીધામ ટ્રાન્સપોર્ટ, લાકડા ઉદ્યોગ, મેરી ટાઇમ, શિપિંગ વગેરે વ્યવસાયના કારણે રોજગારીનું મહત્વનું કેન્દ્ર છે. વર્ષ 2015માં કેન્દ્ર સરકાર તરફથી 100 સ્માર્ટ સિટી બનાવવાની મહત્વકાંક્ષી યોજના લાગુ કરવામાં આવી છે તેમાં સૌથી પ્રથમ સ્માર્ટ સિટી ગાંધીધામને બનાવવાનું આયોજન છે.
અગાઉની ચૂંટણીના પરિણામ: વર્ષ 2012માં ગાંધીધામ વિધાનસભા બેઠક માટે કુલ 8 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2012માં ગાંધીધામ મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 2,25,718 મતદારો પૈકી કુલ 1,37,783 મતદારોએ મત આપ્યા હતાં. ગાંધીધામ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર ચાવડા જયશ્રીબેનને 51,336 મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવાર રમેશ મહેશ્વરીને 72,779 મત મળ્યા હતા અને 2012માં ગાંધીધામ વિધાનસભા બેઠક માટે રમેશ મહેશ્વરીએ 72,779 મત મેળવી વિજેતા બન્યા હતા.રમેશ મહેશ્વરી 21,443 મતથી વિજેતા બન્યાં હતાં. 2017 ગાંધીધામ વિધાનસભા બેઠક માટેની ચૂંટણી પરિણામ વિશે જોઇએ તો વર્ષ 2017માં ગાંધીધામ વિધાનસભા બેઠક માટે કુલ 14 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2017માં ગાંધીધામ મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 2,77,693 મતદારો પૈકી કુલ 1,51,468 મતદારોએ મત આપ્યા હતા. જેમાંથી 20 જેટલા મત રદ કરવામાં આવ્યા હતાં અને 1,51,448 મત માન્ય ગણવામાં આવ્યા હતાં. ઉપરાંત 3578 મત NOTA ને મળ્યા હતાં અને 969 મત પોસ્ટલ બેલેટ મારફતે મળ્યા હતાં. ગાંધીધામ વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરીને 79,713 મત મળ્યાં હતાં જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કિશોર પિંગોલને 59,443 મત મળ્યા હતા. 2017માં ગાંધીધામની વિધાનસભા બેઠક માટે માલતીબેન મહેશ્વરીએ 79,713 મત મેળવી વિજેતા બન્યા હતા. માલતીબેન મહેશ્વરી 20,270 મતથી વિજેતા બન્યા હતાં.
આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : હાલના ધારાસભ્યની ટિકીટ કપાશે કે પછી નવા જ ચહેરાને તક આપવામાં આવશે?