ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છના ભાતીગળ ભરતકામને ભારત સરકારે ખાસ પ્રકારનું બહુમાન આપ્યુ - Gujarati News

કચ્છઃ વિશ્વ વિખ્યાત રંગબેરંગી કચ્છી શાલ અને મેઘ ધનુષ્યના રંગો જેવા વૈવિધ્યસભર ભરતકામને ભારત સરકાર દ્વારા જી.આઇ.ટેગની ફાળવણી કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રની પહેલને પગલે અને વણાટકામનાં કારીગરોનાં સંગઠન કચ્છ વિવર્સ એસોશીએશનના પ્રયત્નોથી આ જીઓ ગ્રાફીક ઈન્ડીકેટર ટેગ કચ્છના વિશ્વ પ્રસિધ્ધ વણાટકામ અને ભરતકામના ઉત્પાદનને ઉપલબ્ધ થઈ શક્યું છે.

Kutchi embroidery

By

Published : Jul 19, 2019, 5:08 PM IST

કચ્છ પોતાની વૈવિધ્યપૂર્ણ હસ્તકલાઓ અને હાથશાળ માટે વિશ્વભરમાં પ્રચલિત છે. કચ્છમાં વણકર અને મારવાડા કોમના પરિવારો છેલ્લા લગભગ 500 વર્ષથી સુતર અને ઉન પર વણાટ કરીને રંગબેરંગી શાલનું વંશ-પરંપરાગત રીતે ઉત્પાદન કરે છે. આ વિસ્તારનો સમૃદ્ધ કળાવારસો વિવિધ સમુદાયોની અનેરી સંસ્કૃતિની પ્રતીતી કરાવે છે. આ કળા સાથે હજારો કારીગરોની આજીવિકા પણ જોડાયેલી છે. કચ્છના લગભગ 210 ગામોના 1240થી પણ વધુ વણકર પોતાના ઘરે બેસીને વિવિધ ડિઝાઈનની ઊન, સુતર અને સીલ્કથી ભાતિગળ કચ્છી ડિઝાઇનોથી શાલોનું ઉત્પાદન કરે છે. જેની વિવિધ પ્રવૃતિઓમાં 2400 થી પણ વધુ બહેનો પૂર્ણ સમય માટે આ કામમાં જોડાયેલ છે.

જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહને આગામી રણ મહોત્સવ દરમિયાન કચ્છના ભાતિગળ ભરતકામ અને વણાટકામના વંશ-પરંપરાગત કારીગરો પ્રસ્તુત જીઓ ગ્રાફીક ઈન્ડીકેટર ટેગનું મહત્વ સમજીને પોતાના ઉત્પાદનો માટે મહત્તમ અને યોગ્ય ઉપયોગ કરે, જેથી કચ્છના આ કસબની સાચી ઓળખ કરવી પ્રવાસીઓ/ખરીદદારો માટે સરળ બને અને કચ્છના નામે વેચાતા બીજા વિસ્તારની નિમ્નકક્ષાની વસ્તુઓનો વેપાર ડામી શકાય તેમ હોવાનું જણાવ્યું હતું.

વૈવિધ્યસભર ભરતકામને ભારત સરકાર દ્વારા જી.આઇ.ટેગની ફાળવણી કરવામાં આવી

દેશના આવી ભૌગોલિક ઓળખ ધરાવતા કારીગરીના સંવર્ધન, જાળવણી, બજાર અને વિકાસના હેતુ સાથે વર્ષ-1999ના ડિસેમ્બરમાં ભારત સરકારે લોકસભામાં The Geographical Indications of goods ( Registration and Protection Act) ની સ્થાપના કરી છે. જેનો મુળ હેતુ ભારતની આવી ભૈગોલિક ઓળખ ધરાવતી વિશિષ્ઠ વસ્તુઓનું રજિસ્ટ્રેશન કરવું અને તેને તમામ પ્રકારનું રક્ષણ પુરા પાડવાનો છે. આવા કાયદાનું અમલીકરણ Controller General of Patents, Designs and Trade marksની કચેરીને સોપવામાં આવેલ છે, જેના દ્રારા આવી વસ્તુઓને જી.આઇ.ટેગની ફાળવણી કરવામાં આવે છે.

ભૂકંપ પછી કચ્છમાં પ્રવાસનને ખુબ વેગ મળેલ છે. ખાસ કરીને રણ મહોત્સવના 3 મહિનના સમયગાળા વખતે કચ્છમાં દેશ-વિદેશથી લાખો પ્રવાસીઓ આવે છે. આ પ્રવાસીઓ કચ્છના કારીગરો દ્વારા નિર્મિત વિવિધ હસ્તકલાઓ અને હાથશાળની વસ્તુ ખરીદે છે. સમય જતા માંગ વધવાથી અમુક નફાકારક તત્વો દ્વારા દેશના અન્ય ભાગોમાં ઉત્પાદિત થતી નિમ્ન પ્રકારની અને નકલી શાલો/ભરતકામનો કચ્છની હોવાનું કહી વેચાણ કરે છે. આ પ્રવૃત્તિથી પ્રવાસીઓના છેતરાયેલા અનુભવે છે અને કચ્છની સમૃદ્ધ કળા અને કારીગરી બદનામ થાય છે. આ પરિસ્થિતિમાં કચ્છના કારીગરો દ્વારા ઉત્પાદન થતી મુળ વસ્તુના બજારમાં રક્ષણ માટે જી.આઇ. ટેગનું અત્યંત મહત્વ છે.

દાર્જિલીંગની ચા કે કોલ્હાપુરી ચંપલ કે પછી આગ્રાના પેઠા વગેરેની જેમ હવે કચ્છના ભૌગોલિક વિસ્તારની સાથે સંકળાયેલ શાલ અને ભરતકામની આગવી ઓળખ બની છે.

ABOUT THE AUTHOR

...view details