આ અંગે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે ટ્રાન્સફર ફીના ઊંચા દરને લઈને તમામ લીઝધારકો,વ્યાપારી સંગઠનો વગેરે દ્વારા લેખિત તથા મૌખિક રજૂઆતો થતી રહેતી હતી. મોરગેજ ફીમાં કેન્દ્ર સરકારે રાહત આપ્યા પછી હવે ટ્રાન્સફર ફીના નિયમમાં બદલાવ કરી આ સંકુલને વધુ એક રાહત આપી છે. આ ફેરફારની દિલ્હીમાં શિપિંગ રાજ્યપ્રધાન (સ્વતંત્ર હવાલો) મનસુખભાઈ માંડવિયાએ જાહેરાત કરતાં સમગ્ર ગાંધીધામ સંકુલમાં આનંદની લાગણી પ્રસરી છે. અગાઉ જે ફી લાખોમાં થતી હતી તે હવે ઘણી નજીવી બનશે.
ગાંધી જયંતીએ ગાંધીધામ વાસીઓને મળી ગિફટ, ટ્રાન્સફર ફીમાં ધરખમ ઘટાડાની જાહેરાત - GandhiAt150
કચ્છ : ગાંધી જયંતીએ જેના નામ પરથી સમગ્ર સંકુલ ઓળખાય છે. તેવા કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ કંડલા સંકુલને ફી વધારામા ધરખમ ઘટાડાનો ઉપહાર મળ્યો છે. જેને આવકાર અપાઈ રહયો છે. ગાંધીધામ-આદિપુર ટાઉનશિપની જમીનો દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ દ્વારા લીઝ ઉપર અપાયેલી છે. આ લીઝ અન્યને નામે ટ્રાન્સફર કરતી વખતે તોતિંગ ફી ચૂકવવી પડતી હતી. અગાઉ પ્લોટના બજારભાવને આધારે ટ્રાન્સફર ફી વસૂલાતી હતી. જે હવે પ્લોટની મૂળ કિંમતના આધારે લેવાનો નિર્ણય કરાયો છે. જેથી વર્ષોની સમસ્યામાં રાહતથી લોકોમાં ખુશી છે.
આ નિર્ણયને આવકારતાં સાંસદ વિનોદભાઈએ જણાવ્યું હતું કે, ગાંધીધામ-કંડલાની સંસ્થાઓ, સંગઠનો દ્વારા DPTની ટાઉનશિપ તથા ઔદ્યોગિક જમીનોની લીઝ ટાન્સફર કરતી વેળા વસૂલાતી ઊંચી ટ્રાન્સફર ફી અંગે તેમની સમક્ષ રજૂઆતો થતી રહી હતી. સાંસદ પાસે આવેલી રજૂઆતોને લઈને સતત કેન્દ્ર સરકાર તથા શિપિંગ મંત્રાલયના સંપર્કમાં રહી લેખિત તથા મૌખિક રજૂઆતો કરતા રહ્યા હતા. ટ્રાન્સફર ફીના પ્રશ્નનો નિકાલ આવતાં સાંસદે લીઝધારકોને અભિનંદન પાઠવ્યાં હતાં. આ નિર્ણયથી કંડલા પોર્ટ ઉપરાંત દેશના હજારો પોર્ટ લીઝધારકોને સીધો ફાયદો થશે.
આ મુદ્દે લડતની આગેવાની લેનાર ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ ગુપ્તાએ કેન્દ્રીય શિપિંગ રાજ્યપ્રદાનએ કરેલી જાહેરાતને આવકારતાં જણાવ્યું હતું કે, હવે પછી મિલકત તબદીલીના વ્યવહાર શકય બનશે. અને સરળતા ઊભી થશે. તેમણે સાંસદ વિનોદભાઈ ચાવડા અને DPના અધિકારીઓ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રશ્નનું નિવારણ લાવવા નિયમોમાં બદલાવ કરાયો છે. હવે લીઝ ટ્રાન્સફર સામાન્ય રકમથી કરી શકાશે. અગાઉ ટ્રાન્સફર ફીની ગણતરી જમીનની વર્તમાન બજાર કિંમતના આધારે નક્કી કરવામાં આવતી હતી.જેથી લીઝધારોક પરેશાની ભોગવી રહયા હતા.