ગુજરાત

gujarat

ETV Bharat / state

Cyclone Biparjoy Impact: બિપરજોય વાવાઝોડાને કારણે કચ્છના ખેડૂતો થયા પાયમાલ, 12 મહિનાની આવક ગુમાવી -

બાગાયતી પાકો માટેનું હબ મનાતા કચ્છના ખેડૂતોને ચક્રવાતે રાતા પાણીએ રોવડાવ્યો છે. કચ્છમાં આવેલા બિપરજોય વાવાઝોડાંએ મચાવેલા તોફાનથી જિલ્લાના જુદાં જુદાં તાલુકામાં તૈયાર બાગાયતી તથા ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. જિલ્લામાં સરકારી આંકડા મુજબ 33,000 હેક્ટરમાં નુકસાન થયું છે.

આંબા અને ખારેકના ઝાડમાં મોટા પાયે નુકસાની
આંબા અને ખારેકના ઝાડમાં મોટા પાયે નુકસાની

By

Published : Jun 19, 2023, 6:20 PM IST

બાગાયતી તથા ખેતીના પાકને વ્યાપક નુકસાન

કચ્છ:જિલ્લાના જુદાં જુદા તાલુકાના ગામડાઓમાં ચક્રવાત બિપરજોયે ભારે વિનાશ વેર્યો છે. કેળાં, દાડમ, આંબા, લીંબુ, ખારેક સહિતના બાગાયતી પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. બંદરા, કોટડા, વરલી, ભારાપરના ખેડૂતોના કેળાંના ઉભા પાકને ભારે નુકસાની થઈ છે તો મુન્દ્રા તાલુકામાં ભુજપુર, ઝરપરા, પ્રાગપર, સમાઘોઘા, નાની ખાખર અને ગુંદાલા વિસ્તારમાં ખારેકની વાડીઓને મોટું નુક્સાન થયું છે.

કેળાં, દાડમ, આંબા, લીંબુ, ખારેક સહિતના બાગાયતી પાકને ભારે નુકસાન

ખેડૂત 7થી 8 વર્ષ પાછો ઠેલાયો:ખારેકના ઝાડને મોટું થતાં અને તેમાં પાક આવતા 7થી 8 વર્ષનો સમય લાગે છે. પરંતુ અહીંના ખેડૂતોના 25-30 વર્ષ જૂના ખારેકના ઝાડ પડી જતાં ખેડૂતોને આર્થિક પાયમાલ થવાનો વારો આવ્યો છે. ઉપરાંત કેસર કેરીના પાકમાં પણ વ્યાપક નુકસાની થઈ છે જેથી કરીને ખેડૂત જે પ્રગતિ કરી રહ્યો હતો તે 7થી 8 વર્ષ પાછો ઠેલાયો છે અને એક પેઢી તે પાછળ ખસ્યો છે તેમ કહી શકાય.

ખેડૂતોને અબજોમાં નુકસાની

600થી 700 ઝાડને નુકસાન: ભુજપુર ગામના ખેડૂત શિવરાજસિંહ ગઢવીએ વાવાઝોડાથી થયેલ નુકસાન અંગે જણાવ્યું હતું કે,"વાવાઝોડાના કારણે 75 એકરમાં ફેલાયેલી વાડીમાં 1000થી 1200 ખારેકના ઝાડમાંથી 600થી 700 ઝાડમાં નુકસાન થયું છે. હાલમાં આંબા અને ખારેકના ઝાડમાં મોટા પાયે નુકસાની થઈ છે અને 1 પેઢી પાછળ ચાલ્યા ગયા છીએ. ઠેર ઠેર ખારેકના ઝાડ પડી ગયા છે જેને સાફ કરતા 1 વર્ષ જેટલો સમય લાગશે. આ ઝાડ ફરીથી ઊભા કરવામાં ફરી 7થી 8 વર્ષ લાગશે. સરકાર આ ખરાબ ઝાડ અને નુકસાન થયેલા ઝાડને દૂર કરીને સહાય કરે તેવી માંગણી છે."

33,000 હેક્ટરમાં નુકસાન

12 મહિનાની આવક ગુમાવી: ઝરપરા ગામના ખેડૂત રામભાઇ જીવાણીએ જણાવ્યું હતું કે," 18 એકર જેટલી જમીન છે જેમાં 25 વર્ષની મહેનત કરીને ખેતી કરી હતી તેના પર વાવાઝોડાના કારણે પાણી ફરી વળ્યુ છે. 12 મહિનાની જે આવક હોય છે તે આ વાવાઝોડાના કારણે થયેલ નુકસાન ન કારણે પૂર્ણ થઈ જશે. પડી ગયેલ ઝાડ અને ખરાબ થયેલ માલ દૂર કરવાનો પણ લાખોમાં ખર્ચ થશે ત્યારે સરકાર યોગ્ય સહાય નક્કી કરે તેવી આશા છે. "

આંબા અને ખારેકના ઝાડમાં મોટા પાયે નુકસાની

ભારતીય કિસાન સંઘ દ્વારા મુલાકાત: વાવાઝોડાના કારણે થયેલ નુકસાનના કારણે કચ્છના ક્યાં વિસ્તારમાં કેટલા ખેડૂતોને કેટલો માર પડ્યો છે તે અંગે માહિતી મેળવવા માટે ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ જગમાલ આર્ય, ઉપપ્રમુખ શ્યામજી મ્યાત્રા તથા કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ શિવજી ભાઈ બરાડિયા અને અન્ય ખેડૂત અગ્રણીઓ સર્વે કરવા માટે આજે મુન્દ્રા તાલુકાના ખેડૂતોના ખેતરની મુલાકાત લીધી હતી અને નુકસાનીનો તાગ મેળવ્યો હતો.

600થી 700 ઝાડને નુકસાન

વર્ષો જૂની મહેનત પર પાણી ફરી વળ્યું: ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જગમાલ આર્યએ જણાવ્યું હતું કે" કચ્છના ખારેક, આંબા, દાડમ જેવા બાગાયતી પાકને મોટા પાયે નુકસાન થયું છે. વર્ષો જૂની મહેનત પર પાણી ફરી વળ્યુ છે ત્યારે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર સમક્ષ ભારતીય કિસાન સંઘની માંગણી છે કે ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારના ખેડૂતોને વાવાઝોડાના કારણે જે નુકસાની થઈ છે તેનું વળતર યોગ્ય રીતે અને સમયસર આપે."

ખેડૂતોને અબજોમાં નુકસાની: કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ શિવજી બરાડિયાએ જણાવ્યું હતું કે અગાઉ પણ જ્યારે કમોસમી વરસાદ આવ્યો હતો ત્યારે પણ ખેડૂતોને થયેલ નુકસાનીનો ગ્રામસેવક દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. પરંતુ હજી સુધી સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની સહાય ખેડૂતોને ચૂકવવામાં નથી આવી. ત્યારે હવે વાવાઝોડાના કારણે થયેલ નુકસાનના સર્વે બાદ જમીન પર રહીને સરકાર દ્વારા સહાય આપવામાં આવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે માંગણી છે. અગાઉ કમોસમી વરસાદમાં થયેલ નુકસાની માંથી હજી ખેડૂત બહાર નથી આવ્યો ત્યાં તો આ વાવાઝોડાથી નુકસાન થઈ ગયું. આ વાવાઝોડામાં ખેડૂતોને અબજોમાં નુકસાની થઈ છે માટે ખેતીપ્રધાન દેશમાં ખેડૂતો માટે સરકારને કઈક વિચારવું પડશે.

ગ્રામ સેવકો દ્વારા સર્વે:માંડવી મુંદ્રા વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ ETV Bharat સાથેની ટેલીફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે હાલમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ગ્રામસેવકો દ્વારા ખેતીવાડીમાં થયેલ નુકસાની અંગે સર્વે શરૂ કરવામાં આવ્યું છે અને રિપોર્ટ મોકલ્યા બાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તે માટે ચોક્કસથી પ્રયત્નો કરશે." આમ વાવાઝોડાથી ભલે ને કચ્છમાં માનવ મૃત્યુ નથી થયું પરંતુ ખેતીવાડીમાં મોટા પાયે નુકસાની થઈ છે. ત્યારે સરકાર હવે ખેડૂતોને યોગ્ય વળતર પૂરું પાડે તેવી માંગણી ઊભી થઈ છે.

  1. Cyclone Biparjoy Landfall Impact : બિપરજોય વાવાઝોડાની અસરમાં રાજકોટમાં થઈ આવી હાલત, ઘરની છત ગુમાવનારે કહી આપવીતી
  2. Cyclone Biparjoy Landfall Impact : વાવાઝોડામાં ઉખડી ગયેલા વૃક્ષને ફરી આપી શકાય છે નવજીવન આ રીતે

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details