ગુજરાત

gujarat

ETV Bharat / state

Biparjoy Cyclone affect: બિપરજોય વાવાઝોડાથી જિલ્લામાં ભલે એક પણ માનવ મૃત્યુ નથી, પરંતુ કચ્છને મોટા પાયે આર્થિક ફટકો - પરંતુ કચ્છને મોટા પાયે આર્થિક ફટકો

કચ્છ પર આવેલ મહાસંકટ બિપરજોય વાવાઝોડું એક દિવસમાં કરેલ તબાહી અંગે પ્રાથમિક માહિતી બહાર આવી છે. કચ્છમાં રોડ રસ્તા, બાગાયતી ખેતી, પી.જી.વી.સી.એલ. જેટકો, મીઠાના અગરો અને દરિયાકાંઠાનાં કાચાં મકાનો સહિતનાં ક્ષેત્રોમાં થયેલી નુકસાનીનો પ્રાથમિક અંદાજ 2000 કરોડ જેટલો થવા પામ્યો છે.

cyclone-biparjoy-has-not-killed-a-single-person-in-the-district-but-kutch-has-suffered-a-major-economic-blow
cyclone-biparjoy-has-not-killed-a-single-person-in-the-district-but-kutch-has-suffered-a-major-economic-blow

By

Published : Jun 22, 2023, 5:22 PM IST

કચ્છને મોટા પાયે આર્થિક ફટકો

કચ્છ:સરહદી જિલ્લા કચ્છમાં આવેલ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. જેનો હવે વિવિધ સરકારી વિભાગો સર્વે કરીને નુકસાનીનો અંદાજ મેળવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અને સૂચનો મુજબ કચ્છના વહીવટી તંત્રે સતર્ક રહીને કરેલી તૈયારીઓના ભાગરૂપે જિલ્લામાં માનવ મૃત્યુ એક પણ ના થયું પરંતુ જિલ્લામાં ઠેર ઠેર અન્યો નુકસાની મોટા પાયે થયેલ છે. વાવાઝોડા અગાઉ વહીવટી તંત્ર દ્વારા કચ્છના કાંઠાળ વિસ્તારની 10 કિ.મીના નજીકના વિસ્તારમાં રહેતા 55,000 જેટલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા જેને પગલે કોઈ પણ જાનહાનિ થઇ ન હોતી.

1950 જેટલા પશુઓનાં મોત:જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા માનવને બચાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જે થકી કોઈ પણ માનવ મૃત્યુ નથી નોંધાયો પરંતુ પશુ મૃત્યુનો આંકડો મોટો સામે આવ્યો છે. 1950 જેટલા પશુઓ કચ્છમાં મોતને ભેટ્યા છે. જેમાં કચ્છની લાખેણી ભેંસોનું પણ મૃત્યુ થયું છે જેથી પશુપાલકોને પણ આર્થિક ફટકો પડ્યો છે.

25થી 30 વર્ષ જૂના વૃક્ષો પડી ગયા:કચ્છમાં બાગાયત પાકમાં નુકસાની અંગે વાતચીત કરતા ખેડૂત અગ્રણી ભીમજી ભાઈ કેરસિયાએ જણાવ્યું હતું કે ખાસ કરીને કચ્છી મેવો તરીકે ઓળખાતી ખારેક તથા કેસર કેરીના 25થી 30 વર્ષ જૂના વૃક્ષો પડી ગયા છે તેમજ પાકને પુન: બેઠા થતાં હવે અન્ય 7થી 8 લાગી જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ઉપરાંત દાડમ અને કેળાના પાકમાં પણ ભારે નુકસાની થઈ છે. સરકારી આંકડા મુજબ 33,000 હેક્ટરમાં નુકસાની થઈ હોવાનું જણાવે છે પરંતુ હકીકત માં તેનાથી પણ વધારે વિસ્તારમાં નુકસાની થઈ છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો હજારો કે લાખો નહીં પરંતુ ખેડૂતોને અબજોમાં નુકસાની થઈ છે.

ખેડૂતોને આર્થિક નુકસાન:કચ્છ એ બાગાયત પાકોનું હબ મનાય છે પરંતુ વાવાઝોડાના કારણે કચ્છના મુંદરા વિસ્તારમાં ખારેક-કેસર, કેળાં સહિતના પાકમાં વ્યાપક નુકસાન થયું છે. મુન્દ્રા તાલુકાના વિવિધ ગામના ખેડૂતોનો હાલમાં સિઝનનો તૈયાર ખારેકનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. દેશ-વિદેશમાં જતી ખારેકના ભાવ પણ સારા મળતા હોય છે પરંતુ ખારેકના વર્ષો જૂના વૃક્ષો વાવાઝોડામાં ધરાશાઈ થતાં ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે.

બાગાયતી પાકોમાં 900 કરોડથી પણ વધારેનું નુકસાન:ખેડૂત અગ્રણીના જણાવ્યા મુજબ મુંદરા તાલુકામાં 50,000 જેટલા ખારેકના વૃક્ષ ઉખડી ગયાં છે અને એક પ્રાથમિક અંદાજ પ્રમાણે જોવા જઈએ તો મુન્દ્રા તાલુકામાં રૂા. 300 કરોડનું નુકસાન થયું છે.ઉપરાંત કચ્છની કેસર કેરીના પાકને ઓન સોથ વળી ગયો છે. જેમાં વર્ષો જૂના ઝાડ પડી ગયા છે અને ચાલુ સીઝનમાં પાકમાં મોટા પાયે નુકસાની થઈ છે. કુલ મળીને જિલ્લામાં બાગાયતી પાકોમાં 900 કરોડથી પણ વધારેનું નુકસાન થયું છે.

હજુ પણ 25 ગામો વીજળી વિનાના:બીજી તરફ જિલ્લામાં વીજ પુરવઠો પૂરો પાડતી સેવાઓ મોટા પાયે ક્ષતિગ્રસ્ત થઈ જતાં કચ્છમાં હજુ 25 ગામોમાં વીજળી નથી પહોંચી. કારણ કે પી.જી.વી.સી.એલ.ના થાંભલાથી માંડી ટ્રાન્સફોર્મર ઉપરાંત લાઈનોમાં ભારે નુકસાન થયું છે. હજુ પણ ખેતીવાડીના વીજફીડર બંધ હાલતમાં છે કારણ કે ત્યાં પાણી ભરાયેલાં છે.પરંતુ આજ સાંજ સુધીમાં તમામ કામ પૂર્ણ કરવામાં આવશે.

24 કરોડનું વિજપોલનું નુકસાન:પી.જી.વી.સી.એલ.ના જોઈન્ટ એમ.ડી. પ્રીતિ શર્માએ જણાવ્યું હતું કે પ્રાથમિક નુકસાનીની વાત કરવામાં આવે તો કચ્છના ભુજ અને અંજાર સર્કલ હેઠળના અંદાજે 80000 વીજપોલને નુકસાની થઈ છે. હાલમાં માત્ર ઘર કે ઉદ્યોગોના વીજ જોડાણો શરૂ કરવામાં આવ્યા છે. ખેતીવાડીમાં ફીડરમાં પાવર વિતરણ હજી સુધી બંધ છે. આમ નુકસાનીની વાત કરવામાં આવે તો એક વીજપોલને કિંમત 3000 થાય છે તેથી રૂ. 24 કરોડનું વિજપોલનું નુકસાન થવાનું અનુમાન છે.

'જિલ્લામાં અંદાજે 14,000 જેટલા ટ્રાન્સફોર્મર બળી ગયા છે. જુદી જુદી કેટેગરીવાળા ટ્રાન્સફોર્મરની સરેરાશ કિંમત 1,00,000 લેખવામાં આવે તો પણ 140 કરોડની કિંમતના ટ્રાન્સફોર્મરમાં નુકસાની થઈ છે.આ ઉપરાંત અન્ય કંડક્ટર, વાયર મળીને કુલ ર170 કરોડની નુકસાનીનો પ્રાથમિક અંદાજ છે. એવી જ રીતે વીજળી આપવાની કામગીરી સંભાળતા જેટકો પણ વાવાઝોડાંની ઝપટમાં છે.તો અંજાર સર્જકમાં પણ સબસ્ટેશન, કંડક્ટર, ટાવર મળીને અંદાજિત 40 કરોડની નુકસાની થઇ હોવાનો પ્રાથમિક અંદાજ છે. ' -પ્રીતિ શર્મા, જોઈન્ટ એમ.ડી, પી.જી.વી.સી.એલ

કેશડોલ્સની ચુકવણી:કચ્છ કલેકટર અમિત અરોરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રથમ તબક્કે થયેલ સર્વેની કામગીરી મુજબ તાત્કાલિક અસરથી જે સ્થળાંતર થયેલા હોય એવા અસરગ્રસ્તોને કેશડોલ્સ ચૂકવવાની હોય છે જેમાંથી આજ સુધીમાં 45,000 લોકોને કેશડોલ્સની રૂા. 2 કરોડ જેટલી રકમ ચૂકવવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ સર્વે મુજબ 863 મકાનને આંશિક નુકસાન થયું છે, 2100 જેટલા કાચાં મકાનને નુકસાન થતું છે, તો 73 ઘર નષ્ટ પામ્યાં છે.

63 જેટલા રસ્તાઓ પૂર્વવત કરાયા:રોડ રસ્તાની વાત કરવામાં આવે તો જિલ્લામાં 63 જેટલા રસ્તાઓ વાવાઝોડાના કારણે અસરગ્રસ્ત થયા હતા જેને પુનઃ સ્થાપિત કરવામાં આવ્યા છે અથવા તો જરૂર પડે ત્યાં વૈકલ્પિક રસ્તા શરૂ કરવામાં આવ્યા છે. રસ્તામાં થયેલ નુકસાનીનો અંદાજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે.તેમજ પશુઓની સહાય માટે તેમજ ઘરવખરીની સહાય માટે પણ જુદી જુદી ટીમ બનાવીને સર્વે કરવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં નુકસાનીનો આંકડાઓ બહાર આવશે.

નમક ઉદ્યોગને 600 કરોડનું નુક્સાન:વાવાઝોડાંની સાથે થયેલા ભારે વરસાદને પગલે પૂર્વ કચ્છ વિસ્તારમાં આવેલા મીઠાના અગરોના પાળા પણ ધોવાઈ ગયા હતા. ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું હતું કે, ખાણ ખનીજોમાં તો નુકસાન થયું જ છે સાથે સાથે નમક ઉદ્યોગમાં પણ નુકસાન થયું છે તો મીઠાના અગરોના પાળા તૂટી જવાના કારણે નમકનો હજારો ટન જથ્થો વરસાદી પાણીમાં તણાઈ જવાના લીધે અંદાજિત 600 કરોડ જેટલું નુકસાન થયું છે.

  1. Biparjoy Cyclone affect : ગુજરાતમાં બિપરજોય અસરગ્રસ્ત વિસ્તારમાં બચાવ કામગીરી
  2. Mann Ki Baat: ચક્રવાત બિરપજોયનો સામનો કરવા માટે પીએમ મોદીએ કચ્છના લોકોને યાદ કર્યા

ABOUT THE AUTHOR

...view details