- કુનરીયા ગ્રામ પંચાયત દ્વારા અનોખી પહેલ
- ભારતમાં સૌપ્રથમવાર પાલિકા પંચાયતની રચના
- કિશોરીઓના પ્રશ્નોને વાચા આપવા પાલિકા પંચાયતની સ્થાપના
કચ્છ: કુનરીયા ગ્રામ પંચાયત અને બેટી બચાવો બેટી પઢાઓ સેલના સંયુક્ત પ્રયાસો દ્વારા કિશોરીઓના પ્રશ્નોને વાચા આપવા પાલિકા પંચાયતની સ્થાપના કરવામાં આવી છે. આ બાલિકાપંચાયતનો ઉદ્દેશ્ય છે કે, કિશોરીઓ સક્રિય રાજકારણમાં રસ લઈ લોકશાહી પધ્ધતિથી ચૂંટણીમાં ભાગ લઇ બહેનો અવાજ બને.
10 થી 21 વર્ષની કિશોરીઓ દ્વારા બાલિકા પંચાયતનું સંચાલન કરાશે
બાલિકા પંચાયત કુનારીયા પંચાયત દ્વારા સ્થાપિત કરવામાં આવ્યુ છે. કુનરીયા ગામના તમામ વોર્ડનું આ બાલિકા પંચાયતમાં પ્રતિનિધિત્વ આવે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. બાલિકા પંચાયતનું નેતૃત્વ તેના સરપંચ કરે છે જે વિવિધ વોર્ડની 10 થી 21 વર્ષની બાલિકાઓ દ્વારા ચૂંટણી પ્રક્રિયા દ્વારા ચૂંટવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય બાલિકા અને મહિલાઓના મુખ્ય ગ્રામ પંચાયતમાં પ્રતિનિધિત્વ આવે, નિર્ણય પ્રક્રિયામાં ભાગીદારી આવે, લોકોમાં જાગૃતિ આવે તથા શિક્ષણ અને આરોગ્ય સંબંધિત પ્રવૃતિઓમાં સહયોગી થવાનો છે.
પાલિકા પંચાયત મહિલાઓના સ્વાસ્થ્ય શિક્ષણ રોજગારી અને સશક્તિકરણ માટે કાર્યરત રહેશે
બાલિકા પંચાયત તેને સોંપવામાં આવેલા કામો બાબતે ઠરાવ કરી નાણાકીય મંજૂરી આપે છે તથા બાલિકા પંચાયત કિશોરીઓની રમતગમતને પ્રોત્સાહન આપવા પ્રયત્નશીલ રહેશે. ઉપરાંત પાલિકા પંચાયતની વિવિધ મંડળો બિનસરકારી સંસ્થાઓમાં અને સરકારના વિવિધ વિભાગો જે કિશોરીઓ અને મહિલાઓના સ્વાસ્થ્ય, શિક્ષણ, રોજગારી અને સશક્તિકરણ માટે કામ કરે છે એવી સંસ્થા સાથે સંબંધ જાળવી લોક જાગૃતિ લાવવાનું કામ કરશે.
બાલિકા પંચાયતના સરપંચ પદ માટે ચાર ઉમેદવારો મેદાને
બાલિકા પંચાયતના સરપંચ પદ માટે કુલ 8 કિશોરીએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી ચાર કિશોરીઓેએ ઉમેદવારી પાછી ખેંચી હતી. આ ચાર ઉમેદવારો ભારતી ગરવા, રૂબીના નોડે, તૃષાલી સુથાર અને અફસાના સુમરા સરપંચ પદ માટે મેદાનમાં ઉતર્યા હતા. કુનરીયા પાલિકા પંચાયતની ચૂંટણી લોકતાંત્રિક પ્રક્રિયાથી કરવામાં આવી હતી. જેમાં વિવિધ બોર્ડના 209 જેટલા મતદાતાઓએ ભાગ લીધો હતો. આ ચૂંટણી દ્વારા કુનારીયાની કિશોરીઓને મતદાનની પ્રવૃત્તિની જાણકારી મળી હતી. તેમજ ત્રિસ્તરીય પંચાયતી રાજમાં 50 ટકા મહિલા અનામતને અસરકારક બનાવવા બાલિકા પંચાયતનો અનુભવ ઉપયોગી થશે કિશોરીઓના વહીવટી પ્રક્રિયામાં પ્રવેશથી ચોક્કસ વિષય પર ધ્યાન પડશે જેમ કે, આરોગ્ય શિક્ષણ અને પોષણક્ષમ આહાર વગેરે.
ભારતી ગરવા બાલિકા પંચાયતના પ્રથમ સરપંચ બન્યા
પાલિકા પંચાયતના સરપંચ પદના ઉમેદવાર માટે કુલ 209 મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં ભારતી ગરવાને 117, રૂબીના નોડેને 32, તૃષાલી સુથારને 36, અફસાના સુમરાને 16 મત મળ્યા હતા. જ્યારે 6 મત NOTAને મળ્યા હતા તથા બે મત રદ્દ કરવામાં આવ્યા હતા. આ સાથે ભારતી ગરવા સરપંચપદ માટે વિજેતા બન્યા હતા કુનરીયા બાલિકા પંચાયતના સૌપ્રથમ સરપંચ બન્યા હતા.
બાલિકા પંચાયત દ્વારા જનજાગૃતિના અનેક કાર્યો કરવામાં આવશે
આ ઉપરાંત બાલિકા પંચાયત દ્વારા કિશોરીઓના જન જાગૃતિના કાર્યક્રમ તથા કિશોરીઓ માટે રમત ગમત કાર્યક્રમ કરવામાં આવશે ઉપરાંત કિશોરીઓને પોષક આહાર અને કૌશલ્યવર્ધન તાલીમ પણ આપવામાં આવશે તથા કિશોરીઓના પ્રેરણા પ્રવાસનું પણ આયોજન કરવામાં આવશે. બાલિકા પંચાયત આસપાસના ગામોમાં પણ આવી પ્રવૃત્તિ થાય અને બધા ગામમાં આવી પંચાયત થયા બાદ એક ફેડરેશનની રચના કરી જિલ્લા વહીવટી તંત્ર પાસે કિશોરીઓના હિત સંબંધિત અનેક રજૂઆતો પણ કરવામાં આવશે.