- કચ્છમાં પવનચક્કી સ્થાપવા માટે જમીનનો થઈ રહ્યો છે બેરોકટોક ઉપયોગ
- કામગીરીમાં ખેડૂતોને સાથે રાખવામાં આવે તેવી માગ
- મહતમ નુકસાની સામે નહિવત વળતર ચૂકવી ખેડુતો સાથે કરાઈ છે અન્યાય
કચ્છ: ગ્રીન રીન્યુએબલ એનર્જી પ્રોજેકટના કામો ચાલી રહ્યા છે, જેમાં ખેડૂતોના ખેતરોમાંથી વીજ ટાવરો, પવનચક્કીઓ, ગેસ લાઈનોના રસ્તાઓના કામ ચાલુ છે. ગ્રીન એનર્જીના નામે થતો વિકાસ કચ્છની ખેતી માટે વિનાશ સાબિત થશે. ખેડૂતોના ભોગે વિકાસ કરવો એ હળાહળ અન્યાય છે. જેથી આ કામગીરીમાં ખેડૂતોને સાથે રાખવામાં આવે તેવી માંગ સાથે કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ખેડૂતોની સમંતી લીધા બાદ જ પવનચક્કીના કામો કરવા ભારતીય કિસાન સંઘ દ્વારા રજુઆત કરાઈ
સમગ્ર કચ્છમાં ગ્રીન રીન્યુએબલ એનર્જી પ્રોજેકટના કામો ચાલુ છે. જેમાં ખેડૂતોના ખેતરોમાંથી વીજટાવરો, પવનચક્કીઓ સહિતના કામો ચાલી રહ્યા છે. કામ કરતી કંપનીઓ દ્વારા નહીવત વળતર આપીને સરકારના કાયદા અને હુકમો બતાવીને પોલીસતંત્ર તથા ગુંડાઓ રાખી ખેડૂતોની સહમતી વગર મારી નાખવા સહિતની ધાક ધમકીઓ આપીને કામ કરવામાં આવે છે. ખેતરોમાં કામ કરતી મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરી ખેતરોની ફેન્સીંગ તેમજ દરવાજા તોડી પાડી જોહુકમથી કામ કરવામાં આવી રહ્યું છે. તેવું ખેડૂત આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
ગ્રીન એનર્જીના નામે થતો વિકાસ કચ્છ માટે વિનાશ સાબિત થઈ રહ્યો છે
ખેડૂતોના ભોગે વિકાસ કરવો એ હળાહળ અન્યાય છે. ખેડૂતોના સિંચાઈ માટેના બોર આવેલા છે, તે જગ્યા પર રાતોરાત પવનચક્કી ઉભી કરીને બોર – કુવાને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ચરિયાણ અને ગૌચર જમીનો પર તેના નકશા બદલીને તેમજ મોટા પ્રમાણમાં વૃક્ષ છેદન કરીને બાગાયત પાકોને નુકસાન પહોંચાડવામાં આવે છે. કંપનીઓ દ્વારા કરાતી દાદાગીરીને લીધે ખેડૂતો અને માલધારીઓને ખેતર કે જંગલમાં જવામાં પણ ડર લાગી રહ્યો છે. ગ્રીન એનર્જીના નામે થતો વિકાસ કચ્છ માટે વિનાશ સાબિત થઈ રહ્યો છે.
કંપનીઓ દ્વારા ખેડૂતોને સાથે રાખીને કામ કરાય તેવી માંગ સંઘ દ્વારા કરવામાં આવી
ખેડૂતોની સંમતી વીના પ્રોજેકટને લગતા કાર્યો ન કરાય અને ખેતરોમાં ટાવર ઉભા કરવા, ગેસ લાઈન નાખવા, વીજ વાયરો પસાર કરવા કે પવનચક્કી ઉભી કરવાના કિસ્સામાં કંપનીઓ દ્વારા ખેડૂતોને સાથે રાખીને કામ કરાય તેવી માંગ સંઘ દ્વારા કરવામાં આવી છે. આ આવેદનપત્ર પાઠવતી વેળાએ કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘના ઉપપ્રમુખ ડાયાભાઈ રૂડાણી, મહામંત્રી વાલજીભાઈ લીંબાણી, મંત્રી ભીમજીભાઈ કેરાસીયા, મહિલા પ્રતિનિધિ રાધાબેન ભુડીયા અને વાલુબેન તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.
રાષ્ટ્રીય કાર્યમાં તમામ ખેડૂતો પણ પૂરતો સહયોગ આપે તેવી અપીલ