- ગુરૂવારે સર્વાધિક 81 કેસ નોંધાયા, 3 લોકોના મોત
- વેક્સિનેશનનો આંક 2 લાખ પહોંચ્યો
- પાંચ દિવસમાં 310 કેસ, 12 લોકોના મોત
- ભુજમાં સૌથી વધુ 25 કેસ નોંધાયા
કચ્છ:રવિવારથી વિકરાળ પંજો ફેલાવી રહેલા કોવિડના વાઈરસની ચપેટમાં વધુને વધુ લોકો આવી રહ્યા છે. બુધવારે આ ક્રમ જારી રહ્યો હતો અને અત્યાર સુધીના સૌથી વધુ 81 દર્દીના RTPCR ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. ભુજ એપીસેન્ટર બની રહ્યું હોય તેમ શહેરના 19 તેમજ તાલુકાના 6 મળીને કુલ 25 લોકો સંક્રમિત થયા હતા. ત્યાર બાદ અંજારમાં 20ના રિપોર્ટમાં કોવિડ પોઝિટિવ હોવાનું જણાયું હતું. ગાંધીધામમાં 6 તો રાપરમાં 1 દર્દી સંક્રમિત થયા હતા.
આ પણ વાંચો:કચ્છ : કોરોના સંક્રમણ વધારો, ભુજ તંત્રે વિવિધ ટીમ બનાવી કામગીરી હાથ ધરી
તંત્ર દ્વારા માટે RTPCR પોઝિટિવના આંકડા જાહેર કરાય છે
તંત્ર દ્વારા માત્ર RTPCR પોઝિટિવના આંકડા જાહેર કરાય છે. રેપિડ એન્ટીજન ટેસ્ટમાં કેટલા સંક્રમિત છે તેની વિગતો આપવામાં આવતી નથી. ત્યારે બન્ને પરીક્ષણના આંકડા જોડીએ તો ચિત્ર સ્પષ્ટ થાય છે. છેલ્લા કેટલાક સમયથી કોવિડના દર્દીઓ વધી રહ્યા છે. તેની સામે સાજા થવાનો આંક ઘટી રહ્યો છે. પરિણામે સક્રિય દર્દી 546 થયા હતા. ગુરૂવારે 26 લોકો સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ઘરે પરત ફરવાની મંજૂરી આપવામાં આવી હતી. ગયા વર્ષે માર્ચ મહિનાથી કચ્છમાં પ્રવેશેલા કોવિડના દર્દીનો કુલ આંક 5,674 પર પહોંચ્યો છે. જે પૈકી 5,016 સ્વસ્થ થઇ ગયા છે. ગુરુવારે તંત્ર દ્વારા વધુ 3 મોત જાહેર કરાયા હતા.