કચ્છ:સરહદી જીલ્લો કચ્છ કે જ્યાં વિવિધ સંસ્કૃતિ અને વારસા સાથે લોકો વસવાટ કરે છે. જ્યાની પ્રજાએ અસંખ્ય દુષ્કાળ અને ધરતીકંપ જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરી અને પોતાની સંસ્કૃતિ અને ઓળખને ટકાવી રાખી છે. એટલા માટે જ કચ્છની ધરતીને ખમીરવંતી કહેવામાં આવે છે. કચ્છમાં અનેક કળાઓ સાથે સંકળાયેલા કારીગરો છે જેઓ દેશ વિદેશમાં ખ્યાતિ પામ્યા છે. અજરખ બ્લોક પ્રીન્ટના કારીગર ડૉ.ઇસ્માઇલ ખત્રીની કારીગરી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
5 હજાર વર્ષ જૂની અજરખ બ્લોક પ્રિન્ટ કળા:ભચાઉ તાલુકાના ખડીર મહાલના ધોળાવીરા ખાતે ભારતીય પુરાતત્વ ખાતાએ 5000 વર્ષ પુરાણા હડપ્પન સાઈટને શોધી હતી. ત્યાર બાદ તેને યુનેસ્કોની ઉચ્ચસ્તરીય બેઠકમાં વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવાનો નિર્ણય લેવાયો હતો અને હડપ્પન સાઈટને "World Heritage" શ્રેણીમાં સમાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ધોળાવીરા અંગે વધુને વધુ લોકો જાગૃત થાય અને લોકો તેનું મૂલ્ય સમજે તેના માટે સરકારની સાથે સાથે કચ્છના હસ્તકળાનાં કારીગરો પણ મહેનત કરી રહ્યા છે. જેમાં અજરખ બ્લોક પ્રિન્ટના મહારથી ડો. ઇસ્માઇલ ખત્રી દ્વારા ધોળાવીરા અવશેષો અને સભ્યતા પરથી અજરખ બ્લોક પ્રિન્ટ કરીને એક આકર્ષિત કલાકૃતિ બનાવવામાં આવી છે.
ધોળાવીરામાંથી મળેલ અવશેષોમાંથી હવે અજરખ પ્રિન્ટિંગ:અજરખ બ્લોક પ્રિન્ટના કારીગર ડો. ઇસ્માઇલ ખત્રીએ જણાવ્યું હતું કે, હડપ્પન સભ્યતામાંથી જે અવશેષો મળ્યા છે તેના પર કામ કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનમાં જેવી રીતે મોહેં-જો-દડોમાંથી કિંગ પ્રિન્સની મૂર્તિ મળી હતી. તેના ખભા પર અજરખ બ્લોક પ્રિન્ટ મળી આવ્યું હતું. આ ડિઝાઇનને ક્કડ ડિઝાઇન કહેવામાં આવે છે. આ ઉપરાંત બીજી ડિઝાઇન આવે છે ચોકડી તે અહીં ધોળાવીરામાં મળી આવી છે. ધોળાવીરામાંથી મળેલ અવશેષોમાંથી હવે અજરખ પ્રિન્ટિંગ કરવામાં આવી રહ્યું છે.