કચ્છ:ભુજ BSFની બટાલિયન પાર્ટીની પેટ્રોલિંગ પાર્ટી તેમજ મરીન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જખૌના દરિયાઈ કિનારેથી લગભગ 10 કિલોમીટર દૂર ખિદરત બેટ પાસેથી બે દિવસમાં ચરસના 5 પેકેટ જપ્ત કર્યા છે. છેલ્લાં 10 દિવસથી સતત પાંચમી વખત ચરસનો જથ્થો મળી આવતા બીએસએફ અને મરીન પોલીસ દ્વારા વધુ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
જખૌના દરિયા કિનારેથી મળ્યું ચરસ: છેલ્લાં 10 દિવસોમાં કચ્છની દરિયાઇ સીમામાંથી પાંચેક વખત ચરસના પેકેટો ઝડપાયા છે. BSF ની એક વિશેષ સર્ચ પાર્ટી અને મરીન પોલીસે જખૌના દરિયાકાંઠાના વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જેના ભાગરૂપે ગઈ કાલે મોડી સાંજે ચરસના 2 પેકેટ અને આજે ચરસના 3 પેકેટ મળી આવ્યા છે. જખૌના દરિયા કાંઠાથી લગભગ 10 કિલોમીટર દૂર ખિદરત બેટમાંથી શંકાસ્પદ ચરસના 5 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે.
બીએસએફ દ્વારા વધુ તપાસ: રિકવર કરાયેલ ચરસના પેકેટનું વજન આશરે 1 કિલો જેટલું છે. ચરસના પેકેટને પ્લાસ્ટિકના સ્તરથી લપેટવામાં આવ્યું હતું. મળી આવેલા 3 પેકેટ પર 'કેમરૂન' પ્રિન્ટ કરવામાં આવેલ છે તો અન્ય બે પેકેટ પર 'અફઘાન પ્રોડક્ટ' પ્રિન્ટ કરવામાં આવેલ છે. ચરસની પ્રકૃતિ અને પ્રકાર અંગે હાલ બીએસએફ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.