ગુજરાત

gujarat

ETV Bharat / state

Malnutrition in Kutch : જિલ્લામાં 3667 જેટલા બાળકો અતિકુપોષિત, નખત્રાણાના લુડબાય ગામમાં 5 બાળકોના કુપોષણથી મોત - નખત્રાણા CHC

કચ્છના નખત્રાણા તાલુકાના લુડબાય ગામમાં ગત અઠવાડિયે 0 થી 15 માસના 5 જેટલા બાળકો કુપોષણના કારણે મૃત્યુ પામ્યા હતા. આ ગામમાં પેટા આરોગ્ય કેન્દ્રમાં કોઈ પણ મેડિકલ સ્ટાફ હાજર રહેતો નથી. જે અંગે ગામના સરપંચ દ્વારા અનેક વાર રજૂઆત કરવામાં આવી છે. ત્યારે ભોજાય સર્વોદય ટ્રસ્ટ દ્વારા ગામમાં બાળરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ગામમાં 39 જેટલા કુપોષિત સ્થિતિમાં જોવા મળ્યા હતા.

Malnutrition in Kutch
Malnutrition in Kutch

By

Published : Jul 25, 2023, 6:15 PM IST

કુપોષિત કચ્છના ગામમાં ચોંકાવનારી સ્થિતિ

કચ્છ :વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 8 માર્ચ, 2018 ના રોજ પોષણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લાના બાળકો, કિશોરીઓ અને મહિલાઓને કુપોષણમુક્ત સ્વસ્થ અને સશક્ત બનાવવા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ઉપરાંત પોષણ માસ દરમિયાન દરેક ઘર સુધી પોષણનો સંદેશો આપવામાં આવે છે. પરંતુ કચ્છના લુડબાય ગામમાં કુપોષણના કારણે એકસાથે 5 બાળકોનું મૃત્યુ થયું હતું. આ ઘટનાથી જનતામાં ચકચાર મચી ગયો હતો.

39 બાળકો કુપોષિત : લુડબાય ગામમાં કુપોષણના કેસ વધતા ભોજાય સર્વોદય ટ્રસ્ટ દ્વારા બાળરોગ નિદાન કેમ્પ અને તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના 322 જેટલા બાળકોની ચકાસણી કરવામાં આવી હતી. ગામમાં જે પૈકી 39 જેટલા બાળકો કુપોષિત હોવાનું સામે આવ્યું હતું. ગામડાઓમાં કુપોષણને લઈને આરોગ્યતંત્ર જાગે અને આરોગ્ય સેવા વધારે તે જરુરી છે. ત્યારે આવા વિસ્તારો માટે જરૂર હોય તો કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગામના સરપંચ જબ્બાર જત દ્વારા માંગ કરવામાં આવી હતી.

બાળરોગ નિદાન કેમ્પ

સરકારી સુવિધાથી વંચિત : એક બાજુ સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે વિકાસ કરવાના અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. છેવાડાના નાના ગામ સુધી સેવા પહોંચાડવા પ્રયત્નો કર્યા છે. જેમાં માઁ કાર્ડ, આયુષ્માન કાર્ડ વગેરે જેવી યોજનાઓની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. માતાના પેટમાં ઉછરી રહેલા બાળકો કુપોષિત કે જોખમી રીતે ન વિકસે તે માટે ખાસ અભિયાન પણ ચલાવવામાં આવે છે. ત્યારે આ ગામમાં મોતને ભેટેલા 5 બાળકોના સમાચાર પરથી લાગી રહ્યું છે કે, આ અભિયાન કચ્છના ગામો સુધી પહોંચ્યા જ નથી.

ગત અઠવાડિયે 0 થી 15 માસના 5 જેટલા બાળકોનું કુપોષણના કારણે મૃત્યુ થયું હતું. ત્યારબાદ તાલુકા અને જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. ત્યારે સ્થાનિક ભોજાય સર્વોદય ટ્રસ્ટ દ્વારા ગામમાં બાળરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. ભોજાય સર્વોદય ટ્રસ્ટના મુંબઇના ડો. જયેશભાઇ કાપડિયા દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં આ એક ગામમાં 39 જેટલા બાળકો કુપોષિત અને જોખમી સ્થિતિમાં જોવા મળ્યા હતા.-- જબ્બાર જત (સરપંચ, લુડબાય ગામ)

આરોગ્ય સુવિધાનો અભાવ :ઉલ્લેખનીય છે કે, એક જ ગામના 39 જેટલા બાળકો કુપોષિત હોય એ ખૂબ ગંભીર અને ચિંતાનો વિષય છે. ત્યારે સરકારે પણ આ બાબતે તાત્કાલિક કોઈ પગલાં લેવા જોઈએ. ઉપરાંત ગામમાં પેટા આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ પણ નથી. ત્યારે સ્ટાફની નિમણુંક કરવામાં આવે અને સરકાર ગંભીરતા દાખવે તે જરુરી છે. સારવાર માટે સ્થાનિક કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ગામના લોકોએ 20 કિલોમીટર દૂર દેશલપર PHC અથવા તો 40 કિલોમીટર દૂર નખત્રાણાના CHC માં જવું પડે છે. પરંતુ ત્યાં જવા માટેનો રસ્તો પણ ખૂબ ખરાબ છે. જેના કારણે લોકોને પૂરતી આરોગ્ય સુવિધા મળતી નથી.

આરોગ્ય અધિકારીનું નિવેદન :કચ્છ જિલ્લા પંચાયતના EMO જીતેશ ખોરાસિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, લુડબાય ગામમાં બાળકોનું વજન ઓછું હોવાના કારણે તેમજ વરસાદી વાતાવરણમાં રહેલા ભેજના કારણે તેમને નીમોનીયા અને ડાયેરિયા થયો હતો. જેના કારણે તેમનું મોત થયું હતું. કચ્છના આરોગ્ય તંત્રને આ વાતનું દુઃખ છે. કુપોષિત બાળકોની સારવાર દરમિયાન બાળકોના માતા-પિતા પણ પૂરતું ધ્યાન ના આપતા હોય ત્યારે પણ બાળકોની હાલત વધુ બગડતી હોય છે. આ પરિસ્થિતિ માટે કચ્છના આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

કચ્છમાં કુપોષણ :આરોગ્ય તંત્ર દ્વારા બાળ પોષણ કેન્દ્ર પર બાળકને પોષણયુક્ત આહાર અપાય છે. જેમાં માતાને પણ પૌષ્ટિક આહાર અપાય છે. બાળકને અહીં પૂરક પોષણ આપવા આવે છે. બાળ પોષણ કેન્દ્ર પર આવતી સામગ્રી અને સ્ટોક અંગેની પણ નોંધણી કરવામાં આવે છે. જિલ્લામાં હાલમાં 3667 જેટલા અતિ કુપોષિત બાળકો છે. જ્યારે 1300 થી વધારે મધ્યમ કુપોષિત બાળકો છે.

બાળકો માટે સરકારી સુવિધા : કચ્છના આરોગ્ય તંત્રની આંગણવાડી વર્કર, ફિમેલ હેલ્થ વર્કર ઘેર ઘેર જઈને કુપોષિત બાળકોની નોંધણી લે છે. આવા કુપોષિત બાળકોને નજીકના CMTC એટલે કે ચાઈલ્ડ મોનેટરિંગ એન્ડ ટેસ્ટિંગ સેન્ટર ખાતે લઇ જવામાં આવે છે. દરેક તાલુકા સ્તરે 1 CMTC હોય છે અને જિલ્લા લેવલે એક NRC હોય છે. એટલે કે નવા જન્મેલા બાળકોનું ધ્યાન રાખવાનું સેન્ટર પણ હોય છે.

કુપોષણમાં શું કરવું ?જે બાળકો કુપોષિત હોય તેને પોષણ આપવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. પરંતુ તેને નીમોનીયા અને ડાયેરિયા જેવા ઇન્ફેક્શન લાગી જાય છે. ઉપરાંત કુપોષિત બાળકોમાં ઝાડાનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે. અત્યારે બાળકોને ઝાડા અને ન્યૂમોનિયા એમ બે રોગ વધારે પ્રમાણમાં થઈ રહ્યા છે. આરોગ્ય વિભાગના આશા વર્કરો જ્યારે ઘેર ઘેર પરીક્ષણ કરવા આવે ત્યારે કુપોષણના લક્ષણો અંગે જાણ થાય છે. આવા સંજોગોમાં બાળકને નજીકના બાળ પોષણ કેન્દ્રમાં લઈ જવું જોઈએ અને ત્યાં માતા અને બાળક બંનેને સારવાર પૂરી પાડવામાં આવે છે.

  1. સાબરકાંઠાના હિંમતનગર નજીકથી ઝડપાયું બાલભોગ કૌભાંડ, પોસ્ટીક આહારને પશુ આહારમાં કરાય છે મિક્સ
  2. કુપોષિત અમદાવાદ: એક વર્ષમાં બાળકોની સંખ્યામાં વધારો

ABOUT THE AUTHOR

...view details