ગુજરાત

gujarat

ETV Bharat / state

Rotis For Stray Dog: શ્વાનો માટે બને છે અહીં રોજની 2000 રોટલીઓ, રખડતા શ્વાનોની તબિયત ન બગડે તે માટે ખવડાવાય છે રોટલીઓ - રસ્તા પર રખડતા શ્વાનો

'પર સેવા માટે પરસેવો પાડવો' પંક્તિને સાર્થક કરતું કાર્ય માધાપરની સેવાભાવી સંસ્થા અબોલા પશુઓની સેવા કરીને કરી રહી છે. આ સંસ્થા દ્વારા રોટલી બનાવવાનું મશીન વસાવવામાં આવ્યું છે. જેના વડે રોજ હજારો રોટલી બનાવી રસ્તે રખડતા શ્વાનોને ખવડાવવામાં આવે છે.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Sep 10, 2023, 6:31 PM IST

અબોલા પશુઓની સેવા

કચ્છ: હાલમાં અનેક સેવાભાવી લોકો વિવિધ રીતે અબોલા પશુઓની સેવા કરતા જોવા મળે છે. કોઈ પશુઓ માટે પાણીની વ્યવસ્થા ઉભી કરે છે તો કોઈ તેમને ભોજન પૂરું પાડે છે તો કોઈ બીમાર પશુઓ માટે હોસ્પિટલ ઊભી કરીને તેમને સારવાર પૂરી પાડે છે. ત્યારે રસ્તા પર રખડતા શ્વાનોની તબિયત ન બગડે તે માટે ભુજના માધાપરના સેવાકીય સંસ્થા તેરા તુજકો અર્પણ તેમને ભોજન પૂરું પાડે છે.

મહિલાોને મળે છે રોજગારી

"દાતાઓ દ્વારા રોટલી બનાવવાનું ઓટોમેટિક મશીન આપવામાં આવ્યું છે. જેના થકી માધાપર ગામમાં રસ્તે રખડતા શ્વાનો માટે ખાસ આ મશીન વડે રોટલીઓ બનાવવા નવતર પહેલ આ સંસ્થા દ્વારા કરવામાં આવી છે. દરરોજની હજારોની સંખ્યામાં આ મશીન વડે બનેલી રોટલીઓ અન્ય સેવાભાવી લોકો દ્વારા સંસ્થાની ઓફિસ ખાતેથી મેળવી વિવિધ વિસ્તારોમાં કૂતરાઓને આપી ભોજન પૂરું પાડવામાં આવે છે. ખાસ કરીને આ પહેલ રસ્તે રખડતા શ્વાનોને બિસ્કીટ ખવડાવવાની બદલે સેવાભાવી લોકો રોટલી ખવડાવતા શરૂ થાય તે માટે કરવામાં આવ્યું છે." - હિતેશ ખંડોર, પ્રમુખ, તેરા તુજકો અર્પણ સંસ્થા

ઓટોમેટિક મશીન દ્વારા કામ સરળ બન્યું:તેરા તુજકો અર્પણ સંસ્થાને દાતા માવજીભાઈ સોરઠીયા દ્વારા રોટલી બનાવવાનું ઓટોમેટિક મશીન મળ્યું છે. જેના કારણે લોટ બાંધવાથી લઈને રોટલી બનાવવા સુધીનું દરેક કામ મશીન જાતે જ કરે છે. આ ઉપરાંત રોટલીના લોયા બનાવવા, તેના પર ઘી લગાડવું અને રોટલી પેક કરવા માટે ખાસ ચાર મહિલાઓ અહીં કામ કરે છે. જેમને આ કાર્ય વડે રોજગારી પણ મળે છે. તૈયાર થઈ ગયેલી આ રોટલીઓ સંસ્થાની ઓફિસ ખાતે પહોંચાડવામાં આવે છે. જ્યાં એક દિવસ પહેલા નોંધણી કરાવેલ લોકોને તેમની જરૂર મુજબ નિશુલ્ક રોટલીઓ આપવામાં આવે છે અને તે રોટલીઓ માધાપર વિસ્તારના કૂતરાઓને ખવડાવવામાં આવે છે.

રોટલી બનાવવાનું ઓટોમેટિક મશીન

મશીનમાં રોજની કેટલી બને છે રોટલી: આ ઓટોમેટિક મશીન એક કલાકમાં 1000 રોટલી બનાવી લે છે. આ મશીનમાં હાલમાં દિવસની 2000 રોટલીઓ બનાવવામાં આવે છે. હાલમાં માત્ર માધાપર ગામના શ્વાનને આ રોટલીઓ ખવડાવવામાં આવી રહી છે પરંતુ સમયની સાથે માંગ વધતા માધાપર ગામ ઉપરાંત આગામી સમયમાં ભુજ શહેરના કૂતરાઓને પણ રોટલી પૂરી પાડી શકાય તેવા હેતુ સાથે 10થી 12 હજાર જેટલી રોટલીઓ બનાવવા માટે સંસ્થા પ્રયત્નશીલ છે તેવું સંસ્થાના પ્રમુખે જણાવ્યું હતું.

શ્વાન માટે રોટલી

સંસ્થા દ્વારા અનેક સેવાકીય કામો: ઉલ્લેખનીય છે કે તેરા તુજકો અર્પણ સંસ્થા દ્વારા આ સિવાય પણ અનેક પ્રકારના અબોલ પશુઓ માટે સેવાકીય કામો છેલ્લાં અનેક વર્ષોથી કરવામાં આવી રહ્યા છે. જેમાં આ સંસ્થા ગાયોને ઘાસ ખવડાવવું, પક્ષીઓને ચણ અને માછલીઓને લોટ આપી નિયમિતપણે સેવાકીય પ્રવૃત્તિઓ કરતી આવી છે. હાલમાં સંસ્થા દ્વારા રસ્તે રખડતા કૂતરાઓ માટે પણ એક નવા પ્રકારના આયોજન સાથે સેવા કાર્ય શરૂ કરવામાં આવ્યું છે જે ખૂબ જ પ્રશંસનીય છે.

  1. Unique service for dogs: કાઠડાનો ચારણ પરિવાર દર મહિને ખવડાવે છે 6000 રોટલા અને 180 કિલો રબડી
  2. ધરમપુરના ડૉક્ટર પશુ પ્રેમી સાથે પ્રકૃતિ પ્રેમી, ઘર જોશો તો રહી જશો દંગ

ABOUT THE AUTHOR

...view details