- ખેડાના મહિજ ગામમાં નૈસર્ગિક વાતાવરણમાં ઉભું કરાયુ કોવિડ સેન્ટર
- સરકારના સહયોગથી કોવિડ સેન્ટરનું પરિણામ 100 ટકા
- દર્દીઓની માનસિક પરિસ્થિતીનું પણ રાખવામાં આવે છે ધ્યાન
ખેડા : કોરોના મહામારીની બીજી વેવમાં હોસ્પિટલમાં દર્દીઓ માટે ખાટલાઓ ખુટી પડ્યા એવી પરિસ્થિતી આવી છે એવામાં ગામડાના લોકો સારવાર માટે ક્યા જાય તે મોટો પ્રશ્ન ઉભો થયો હતો. હાલમાં દરેક ગામ પોતાની રીતે ગામમાંને ગામમા શાળાઓમાં અથવા આરોગ્ય કેન્દ્રમાં કોરોના સેન્ટર ઉભા કરી રહ્યા છે તો આ વચ્ચે ખેડાના મહિજ ગામના યુવાનોએ પાર્ટી પ્લોટમાં કોરોના સેન્ટર શરૂ કર્યું છે.
100 બેડની વ્યવસ્થા ઉપલબ્ધ
આ સેન્ટરમાં 100 બેડ છે અને હાલ 40 દર્દીઓ ત્યાં આઇસોલેટેડ છે.15 થી 20 યુવાન સ્વયં સેવકો દ્વારા આ સેવાકીય કાર્ય થઇ રહ્યુ છે. આ કોરોના સેન્ટર 27 એપ્રિલથી શરૂ કરવામાં આવ્યું છે.જેના ઘણા સારા પરિણામો મળી રહ્યા છે.આ સેન્ટર પ્રદુષણમુક્ત કુદરતી વાતાવરણમાં અને આજુબાજુમાં લિમડાના ઝાડ આવેલા હોવાથી શુદ્ધ હવાનો ભરપુર લાભ દર્દીઓને મળી રહ્યો છે એકદમ કુદરતી સૌંદર્યથી ભરપુર છે. સ્વયં સેવકો દિન-રાત દર્દીની પડખે ઉભા રહી પોતાની ફરજ અદા કરી રહ્યા છે.
ઘર કરતા વધારે ખ્યાલ રાખે છે : દર્દીઓ
કોરોના દર્દીઓ જણાવે છે કે ઘર કરતા પણ વધારે અમારો ખ્યાલ અહીંના લોકો રાખે છે. ડોક્ટર અમારી નિયમિત તપાસ કરી રહ્યા છે. આ કુદરતી સૌદર્યની વચ્ચે અમારી સારવાર થઇ રહી છે. અમને સૌ દર્દીને કુલર, પંખાની સુવિધાઓ મળી રહી છે. બીજી બાજુ કે અમને લોકોને રોજ સવારે યોગ કરાવે છે, તાજા ફળો આપે છે, અલગ-અલગ જ્યુસ પણ એકદમ નિશુલ્ક આપવામાં આવે છે તે ઉપરાંત મગપાણી, ઉકાળા, હળદરવાળુ દુધ, લીંબુપાણી પણ આપવામાં આવે છે. દર્દીઓના મનોરંજન માટે અહીંયા સંગીત સંધ્યાનો પણ કાર્યક્રમ રાખવામાં આવે છે.